વિશ્વભરમાં ઘંટનાદ માટે પ્રસિદ્ધ બિગ બેન ક્લોકની યંત્રરચના તેમ જ ૩૧૫ ફૂટ ઊંચાઈના છત અને ટાવરના સમારકામ પાછળ £૪૦ મિલિયન ખર્ચવા પડે તેમ છે. છત અને ટાવરનું કડિયાકામ ૧૫૬ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. જો તાકીદે સમારકામ કરવામાં ન આવે તો ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી ઘંટનાદ સાંભળવાથી વંચિત રહેવું પડશે. બિગ બેન બ્રિટન અને સમગ્ર વિશ્વમાં નવા વર્ષની ઊજવણીનું કેન્દ્ર ગણાય છે.
• તરુણોને વેળાસર પરિવારના આરંભની ચેતવણી
શાળાઓમાં સેક્સ એજ્યુકેશનના પાઠમાં તરુણોને વેળાસર પરિવારનો આરંભ કરવાની અથવા પરિવાર ન થવાના જોખમની ચેતવણી અપાય છે. લંડનના મેટ્રોન બરોમાં ડઝન જેટલી સ્કૂલ્સમાં ૧૬થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ માટે સેક્સ એન્ડ રિલેશનશિપ એજ્યુકેશન ક્લાસીસમાં ફળદ્રુપતા-ફર્ટિલિટી વિષય ઉમેરવામાં આવ્યો છે. પરિવારના આરંભ એટલે કે બાળકોના જન્મમાં વિલંબ કરવામાં આવે તો બાળકો નહિ થવાનું જોખમ વધે છે.
• Isisની સ્ત્રીઓ ગેંગસ્ટર્સની માનસિકતા ધરાવે છે
ઓગસ્ટ ૨૦૧૪માં પાંચ બાળકો સાથે ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવાં સીરિયા ગયેલી માન્ચેસ્ટરની બ્રિટિશ માતા શુકી બેગમને ત્યાંની જિંદગીના સંજોગો નબળાં લાગે છે. તેણે Isisની સ્ત્રીઓ ગેંગસ્ટર્સની માનસિકતા ધરાવતી હોવાની ફરિયાદ કરી છે અને હવે તે સીરિયા છોડવા પ્રયાસ કરી રહી છે. શુકી બેગમનો પતિ રોનાલ્ડ ફિડલર ઉર્ફ જમાલ અલ-હારિથ ઈસ્લામિક સ્ટેટનો લડવૈયો અને ગુઆન્ટાનમો બે જેલનો પૂર્વ કેદી છે. નાસી છૂટેલી શુકી બેગમ અને તેના બાળકોને સ્મગલરોએ મુક્ત કર્યાં તે અગાઉ ઘણાં મહિના સુધી એલેપ્પો અને તુર્કીની સરહદ નજીક પકડી રખાયાં હતાં.
• આપણે છ કલાકની ઊંઘ મેળવીએ જ છીએ
ટેલિવિઝન, મોબાઈલ ફોન્સ અને સ્ટ્રીટ લાઈટ્સના સાથેના આધુનિક જીવનમાં આપણા પૂર્વજો કરતા ઓછી ઊંઘ મળતી હોવાની થિયરીમાં કોઈ દમ ન હોવાનું યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના અભ્યાસના તારણો કહે છે. વિશ્વના વિવિધ ભાગમાં ત્રણ આદિવાસી સમાજોનો અભ્યાસ કરાયો હતો, જેમાં તેઓ રાત્રે સરેરાશ ૬.૫ કલાકથી ઓછી ઊંઘ મેળવતાં હોવાનું જણાયું હતું. સંશોધક જેરોમ સિગલે જણાવ્યું હતું કે આધુનિક જીવને પૂર્વજોની સરખામણીમાં આપણી ઊંઘ ઓછી કરી નાખી હોવાની દલીલો થાય છે, પરંતુ આ ડેટા તેને દંતકથા જ ગણાવી શકે છે.
• હોસ્પિટલ શોપ્સમાં પ્રાઈસ ઘટાડવા M&Sનો ઈનકાર
માર્ક્સ એન્ડ સ્પેન્સરે તેની હોસ્પિટલ શોપ્સમાં વસ્તુઓનાં ભાવ ઘટાડી હાઈ સ્ટ્રીટ જેટલાં રાખવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ડબલ્યુ એચ સ્મિથ અને M&Sના હોસ્પિટલ આઉટલેટ્સમાં ગેટ વેલ સૂન કાર્ડ્સ અને સ્નેક્સના બાવ વધુ હોવાનું એક તપાસમાં જણાયું હતું. M&S દ્વારા જણાવાયું હતું કે તેઓ નફાખોરી કરતા નથી, પરંતુ NHS ટ્રસ્ટ્સ દ્વારા શોપ્સના ભાડાં ઘણાં ઊંચા લેવાય છે. ડબલ્યુ એચ સ્મિથે હોસ્પિટલના ગ્રાહકો પાસે વધુ ભાવ ન લેવાય તે માટે કિંમતો પર નજર રાખવા ખાતરી આપી હતી.
• ગળામાં દ્રાક્ષ ફસાતાં બાળકનું મોત
હાર્ટલપૂલ મરિના ખાતે પિત્ઝા હટ રેસ્ટોરાંની શાખામાં દ્રાક્ષ ગળામાં ભરાતાં રૂંધામણના કારણે બે વર્ષનાં બાળક જેકોબ જેન્કિન્સનું મોત નીપજ્યું હતું. જેકોબના ગળામાં દ્રાક્ષ ફસાઈ ગયા પછી પેરામેડિક્સ દ્વારા તેની સારવાર કરાઈ હતી. બાળકને ન્યૂકેસલમાં રોયલ વિક્ટોરિયા ઈન્ફર્મરીમાં દાખલ કરાયો હતો અને મૂર્છાવસ્થામાં મૂકાયો હતો. આમ છતાં, તે બચી શક્યો ન હતો.
• સજાતીય દાતા પિતાઓ સાથે સંપર્કનો તરુણીને આદેશ
એક અસાધારણ કોર્ટ કેસમાં ૧૪ વર્ષની છોકરીને તેના સજાતીય દાતા પિતાઓ સાથે સંપર્ક રાખવા હાઈ કોર્ટે આદેશ કર્યો હતો. આ છોકરીનો જન્મ લેસ્બિયન માતાઓને દાનમાં અપાયેલા શુક્રાણુથી થયો હતો. તરુણીના વકીલોએ દલીલ કરી હતી કે તરુણીએ તેના જૈવિક પિતા અને તેમના સિવિલ પાર્ટનર સાથે સંપર્કમાં રહેવું જરૂરી નથી. તરુણીની સિવિલ પાર્ટનરશિપમાં રહેતી તેની લેસ્બિયન માતાઓએ પણ આ દલીલમાં સૂર પુરાવ્યો હતો. જોકે, જસ્ટિસ કોબે ચુકાદામાં જણાવ્યું હતું કે પિતાઓ સાથે મર્યાદિત સંપર્ક રાખવાનું પણ છોકરીના હિતમાં ગણાશે.
• વિદેશી મજૂરો પાસે કરાવાતી ગુલામી
અગ્રણી બ્રિટિશ હાઈ સ્ટ્રીટ રીટેઈલર્સને બેડ્સ સહિત માલસામાન પૂરો પાડતી ડ્યૂસબરીની ધ કોઝી સ્લીપ ફેક્ટરીમાં વિદેશી મજૂરોનો ઉપયોગ ગુલામ કે વેઠિયા તરીકે કરાતો હોવાનો આક્ષેપ છે. વિવિધ પેઢીઓ દ્વારા એથિકલ ઓડિટ્સમાં પણ વેસ્ટ યોર્કશાયરની સપ્લાયર કંપની તેના વિદેશી શ્રમિકોને દૈનિક £૨થી ઓછું વેતન આપતી હોવાનું જાણી શકાયું ન હતું. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે હંગેરિયન નાગરિકો સહિત સંખ્યાબંધ વિદેશી મજૂરોને અમાનવીય સ્થિતિઓમાં ગુલામ તરીકે રાખવામાં આવતાં હતાં. કંપનીના માલિક મોહમ્મદ રફિક તેમ જ અન્ય બે અધિકારી મોહમ્મદ પટેલ અને મોહમ્મદ દાઢીવાલા સામે લીડ્ઝ ક્રાઉન કોર્ટમાં માનવીય હેરાફેરીની ટ્રાયલ ચાલી રહી છે.
• સ્ત્રીઓ માટે NHSમાં મફત ફર્ટિલિટી ટેસ્ટ હોવો જોઈએ
નિષ્ણાતોએ જણાવ્યા અનુસાર યુવાન સ્ત્રીએ ૨૫ વર્ષની વયથી ફર્ટિલિટી ટેસ્ટ કરાવવો જોઈએ, જેથી પરિવાર શરૂ કરવામાં તેઓ મોડાં ન પડે. વય વધતી જાય તેમ ફળદ્રુપતા ઘટતી જાય છે. તેમણે કહ્યું હતું કે સ્ત્રીઓ NHSમાં મફત ફર્ટિલિટી ટેસ્ટ કરાવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી શરીરમાં કેટલાં બીજાણું બાકી રહ્યાં છે તેની જાણ તેઓને થઈ શકે. બ્રિટિશ ફર્ટિલિટી સોસાયટી પણ નવા પરીક્ષણોની હિમાયત કરે છે.
• ટ્રેનસેવામાં નવી હરીફાઈને સ્થાન નથી
ઈસ્ટ કોસ્ટ મેઈન લાઈન પર વર્જિન ટ્રેન્સની મોનોપોલી તોડવાની લડાઈ ફરી ઘોંચમાં પડી છે. લંડન અને એડિનબરા વચ્ચે સેવા આપવા બે ટ્રેન ઓપરેટર- ફર્સ્ટગ્રૂપ અને એલાયન્સ રેલ બોલી લગાવવા તૈયાર છે ત્યારે નેટવર્ક રેલ દ્વારા ચેતવણી અપાઈ છે કે નવી હરીફાઈ માટે કોઈ સ્થાન નથી. આ લાઈન પર દર કલાકે આઠ હાઈ સ્પીડ લાંબા અંતરની સેવા ઓપરેટ કરવાનું શક્ય હોવાનું તે કહી શકે તેમ નથી. આ રૂટ પર અત્યારે વર્જિન ટ્રેન્સની સેવા છે.