લંડનસ્થિત બુલિયન બ્રોકર શાર્પ્સ પિક્સલીએ સોના અને અન્ય કિંમતી ધાતુઓ માટે બિટકોઈન્સની ચૂકવણી સ્વીકારવાની જાહેરાત કરી છે. પિક્સલીએ કહ્યું છે કે બુલિયન ખરીદવા માટે વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરવાની છૂટ મળે તો કસ્ટમર્સને સારી પસંદગીનો વિકલ્પ મળશે. અગાઉ, નાઈટ્સબ્રિજમાં બુટિક ધરાવતા જ્વેલર સામેર હાલિમેહે કહ્યું હતું કે તે ૫૦૦૦થી ૧૦ લાખ પાઉન્ડ સુધીની કિંમતના આભુષણો ડિજિટલ કરન્સીમાં વેચવાનું ચાલુ કરશે.
• ટોરી સાંસદને લોબીઈંગની આવક
પૂર્વ કન્ઝર્વેટિવ આફ્રિકા મિનિસ્ટર અને વર્તમાન સાંસદ જેમ્સ ડૂડરિજ લોબીઈંગ કંપની બ્રાન્ડ કોમ્યુનિકેશન્સ માટે કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. કંપની દ્વારા તેમને આઠ કલાકના કામ માટે માસિક ૩,૩૦૦ એટલે કે કલાકદીઠ લગભગ ૪૦૦ પાઉન્ડ ચુકવાય છે. કંપનીએ વર્તમાન સાંસદોને કામે નહિ રાખવાની આચારસંહિતા પર સહી કરી નથી. ડૂડરિજ સાંસદ તરીકેનો પગાર તો મેળવે જ છે. આના પરિણામે સરકારના પૂર્વ સભ્યો માટે નોકરી સંબંધિત કાયદાઓની સમીક્ષા કરવાની માગણી પણ થઈ છે.
• ‘સ્વાર્થી’ ડ્રાઈવરે સાયકલિસ્ટને મરવા દીધી
હિટ એન્ડ રન ડ્રાઈવર અજયસિંહે ૨૪ વર્ષીય સાયકલિસ્ટ વિકી માયર્સ સાથે ૨૭ ઓગસ્ટે અકસ્માત કર્યા પછી તેની દરકાર કરી નહિ અને તેને મરવા છોડી દઈ નાસી ગયો હતો. મિસ માયર્સને હોસ્પિટલ લઈ જવાતાં તેને મૃત જાહેર કરાઈ હતી. પોલીસે અજયસિંહની ઘણા કલાકો પછી ધરપકડ કરી હતી. માન્ચેસ્ટરની મિન્સુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટના જજે તેને સ્વાર્થી ગણાવી તેને લાંબી સજા થઈ શકે તેવી ચેતવણી આપી છે. અજયસિંહે ગુનાની કબૂલાત કરી હતી. તેને ૨૬ ઓક્ટોબરે ૧૪ વર્ષની જેલ સુધીની સજા જાહેર થઈ શકે છે.
• વિદ્યાર્થીઓની આત્મહત્યા વધવાથી ચિંતા
વિદ્યાર્થીઓની શંકાસ્પદ આત્મહત્યાનું પ્રમાણ વધવાથી બ્રિસ્ટોલ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની ચિંતા રાખી ‘વેલ-બીઈંગ ઓફિસર્સ’ની નિયુક્તિ માટે વાર્ષિક ૧૦ લાખ પાઉન્ડનું ભંડોળ ફાળવ્યું છે. આ માટે યુનિવર્સિટી પૂર્ણ સમયના ૨૮ મેન્ટલ હેલ્થ એડવાઈઝર્સની નિમણૂક કરશે. વિદ્યાર્થીજીવનનું દબાણ અને યુનિવર્સિટીમાં સ્થિર થવાના પ્રયાસો અંગે પેરન્ટ્સની ચિંતાના પગલે આ પગલું લેવાયું છે.
• માતાઓ મગફળી ખાઈ બાળકોની એલર્જી નિવારે
બાળકોને સ્તનપાન કરાવતી માતાઓ પોતાના ખોરાકમાં મગફળી લઈને બાળકોની એલર્જીનું જોખમ ઘટાડી શકે છે. કેનેડામાં અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું છે કે બાળકોને જીવનના આરંભે જ મગફળીનું પોષણ અપાવું જોઈએ. જો માતાઓ નવજાત બાળકોના પ્રથમ વર્ષમાં જ મગફળી ખાતી હોય તો તેમને અલર્જી સામે લડવામાં પાંચ ગણી મદદ મળશે.

