બીબીસીના ૫૭ વર્ષીય પત્રકાર ચંદાના કીર્તિ બંડારાને નોકરીમાંથી અયોગ્ય હકાલપટ્ટીના મુદ્દે ૫૦,૦૦૦નું વળતર અપાયું છે. શ્રીલંકા માટે બીબીસી ન્યૂઝ સર્વિસના પ્રોડ્યુસર બંડારાએ ૨૦૧૩માં પ્રિન્સ જ્યોર્જના જન્મ સંબંધિત રિપોર્ટ પ્રસિદ્ધ કરવા ઈનકાર કર્યા પછી તેની સામે શિસ્તભંગના પગલા લેવાયા હતા અને એક વર્ષ પછી નોકરીમાંથી બરતરફ કરાયા હતા. જોકે, એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે વંશીય ભેદભાવનો વધારાનો ક્લેઈમ નકારી કાઢ્યો હતો.
• તરુણીને ચાકુના ૧૦૦ ઘા મારનારને જેલ
ગયા વર્ષે માર્ચમાં બ્રાઈટનમાં બે વર્ષના બાળકની સામે જ ૧૯ વર્ષીય ગર્લફ્રેન્ડ માતાને ૧૦૦ વખત આઠ ઈંચના ચાકુી ઘા મારવા બદલ ૩૨ વર્ષના બોયફ્રેન્ડ જામિવ ઉસ્માનને લ્યુઈસ ક્રાઉન કોર્ટે ૨૦ વર્ષ જેલની સજા ફરમાવી છે. ગર્લફ્રેન્ડે પાણી લાવી આપવાનો ઈનકાર કરવાથી ઉસ્માન ઉશ્કેરાયો હતો અને તેણે ચાકુના ઘા માર્યા હતા. એક સમયે એટલા જોરથી ઘા માર્યો હતો કે ચાકુનો તીક્ષ્ણ ભાગ ગળામાં જ તૂટી ગયો હતો. જોકે, મરી ગયાનો ડોળ કરવાના કારણે તરુણી બચી ગઈ હતી.
• ધૂમ્રપાન છોડનારાની સંખ્યા વધી
યુકેમાં ગત ચાર વર્ષ દરમિયાન આશરે દસ લાખ લોકોએ ધૂમ્રપાન છોડ્યું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા અનુસાર ગયા વર્ષે ૭.૨ મિલિયન લોકો ધૂમ્રપાન કરતા હતા, જ્યારે ૧૪.૬ મિલિયન લોકો પૂર્વ સ્મોકર્સ હતા. આમ, ધૂમ્રપાન છોડનારાની સંખ્યા વધીને બમણી થઈ છે. હવે સમગ્ર વસ્તીના માત્ર ૧૬.૯ ટકા લોકો જ ધૂમ્રપાન કરે છે. સ્મોકિંગની આરોગ્ય પર અસર અંગે જાગૃતિ અને ઈલેક્ટ્રોનિક સિગારેટ્સની વધતી લોકપ્રિયતા આ માટે કારણભૂત હોવાનું નિષ્ણાતો કહે છે.
• યુનિવર્સિટી લઘુમતીને નુકસાન કરી શકે
નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સના નેતા માલિઆ બાઉટિઆના કહેવા અનુસાર યુનિવર્સિટી લઘુમતીને નુકસાન કરી શકે છે. તેઓ કહે છે કે લેખકો, વિચારકો અને ઐતિહાસિક વ્યક્તિત્વો વિશે અભ્યાસ કરવાનો હોય છે ત્યારે મોટા ભાગના શ્વેત યુરોપિયનો હોવાથી અશ્વેત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ માનસિક રીતે વિનાશક બની રહે છે. માલિઆએ વિદ્યાર્થીકાળમાં મારો અભ્યાસક્રમ શા માટે શ્વેતલક્ષી છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.
• ડોક્ટરોએ ખાનગી આવક જાહેર કરવી પડશે
NHSના ડોક્ટરોએ સૌપ્રથમ વખત તેમના તમામ ખાનગી કામકાજમાંથી મળતી આવકો જાહે કરવી પડશે. દરેક હોસ્પિટલોએ હિતોના સંભવિત સંઘર્ષને ખુલ્લાં પાડવા એપ્રિલ મહિનાથી તેમના કન્સલ્ટન્ટ્સની બાહ્ય આવક માટેનું રજિસ્ટર જાહેર કરવું પડશે. કેટલાક ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ તરફ વધુ ધ્યાન આપી જુનિયર તબીબો પર કામનો બોજો વધારે છે. બહારની પ્રેક્ટિસ વધારવા દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ વધારતા હોવાનો પણ આક્ષેપ થાય છે.

