બીબીસીના ડિરેક્ટર-જનરલ લોર્ડ ટોની હોલે વાર્ષિક £૧૪૫.૫૦ના ચાર્જનો બચાવ કરતા કહ્યું હતું કે જો સ્કાય-ટીવી સ્ટાઈલની સબસ્ક્રીપ્શન ચાર્જ લાગુ કરાય તો લોકોએ વધુ ચુકવણી કરવાની થશે. તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષમાં બીબીસી લાયસન્સ ફી રદ થઈ શકે છે અને તેના બદલે ફરજિયાત ‘હાઉસહોલ્ડ ટેક્સ’ લાગુ કરાશે, જે ચુકવવાની તમામને ફરજ પડશે.
• કારની ટક્કરથી માતા અને ચાર સંતાનને ગંભીર ઈજા
બર્મિંગહામના હેન્ડ્સવર્થ ખાતે માતા અને તેના ચાર સંતાનો પાર્ક તરફ ચાલતાં જઈ રહ્યાં હતાં ત્યારે ભારે ઝડપથી આવતી કારે ટક્કર માર્યા પછી જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે. પોલીસે જોખમી ડ્રાઈવિંગની શંકાએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. કારની ટક્કરથી ૪ અને ૧૪ વર્ષના પુત્ર તેમજ ૭ અને ૧૨ વર્ષની પુત્રીઓ સાથે માતાને પણ ગંભીર ઈજા થઈ હતી.
• ટ્રાન્સજેન્ડર બ્યૂટી ક્વીન આરબ સાથે લગ્ન કરશે
ટ્રાન્સજેન્ડર બ્યૂટી ક્વીન ટિફાની-રોઝ ડેવિસ તેના મલ્ટિ-મિલિયોનેર આરબ બોયફ્રેન્ડ યાસીર સાથે લગ્ન કરી દુબાઈમાં સ્થિર થશે. ટિફાનીનો જન્મ પુરુષ તરીકે થયો હતો અને તેનું નામ નિઆલ હતું. ટિફાની બે વર્ષથી યાસીર સાથે રિલેશનશિપમાં છે. ટિફાની-રોઝ ડેવિસની સેક્સ ચેન્જ સર્જરી કરાવવા આરબ પ્રોપર્ટી ડીલરે £૫૦,૦૦૦ ખર્ચવાની પણ તૈયારી દર્શાવી છે.
• સગર્ભાવસ્થામાં શરાબપાન સલામત નથી
સગર્ભા સ્ત્રીએ આલ્કોહોલ ટાળવો જોઈએ તેવી ચેતવણી આરોગ્ય વિભાગે આપી છે. બ્રિટિશ મેડિકલ એસોસિયેશને માગણી કરી છે કે આલ્કોહોલની બોટલ્સ અને કેન્સ પર બાળકોને સંભવિત જોખમોની વધુ સ્પષ્ટ ચેતવણીઓ લગાવવી જોઈએ. સગર્ભાવસ્થામાં શરાબપાન વિશે સ્ત્રીઓ માટે સરકારની માર્ગરેખાઓ વિરોધાભાસી અને ગૂંચવણરુપ હોવાનું પણ એસોસિયેશનના વડાએ કહ્યું હતું.
• માઈકલ ગોવે સિવિલ સર્વન્ટ્સને ગ્રામર માટે સૂચના આપી
લોર્ડ ચાન્સેલર માઈકલ ગોવે તેમના પત્રવ્યવહાર અને માહિતીનોંધો તૈયાર કરવામાં વ્યાકરણનું ધ્યાન રાખવા સિવિલ સર્વન્ટ્સને ખાસ સૂચના આપી છે. વાક્યનો આરંભ કયા શબ્દોથી ન કરવો તેમજ ‘doesn’t’ જેવાં સંક્ષિપ્ત સ્વરુપો ન વાપરવા તે સહિતનો પરિપત્ર તેમણે વિભાગના ઈન્ટરનેટ પર મૂક્યો છે.
• ન્યાયને ગેરમાર્ગે દોરવાની શંકાથી બેરિસ્ટરની ધરપકડ
ન્યાયને ગેરમાર્ગે દોરવાની શંકાએ સેક્સ ગ્રૂમિંગ ટ્રાયલના બચાવપક્ષના બેરિસ્ટર મોહમ્મદ તય્યબ ખાનની ધરપકડ કરાઈ હતી. ખાને સ્ટોક-ઓન-ટ્રેન્ટ ક્રાઉન કોર્ટના અન્ય એક કેસમાં તેના અસીલને બીમારી ઉપજાવી કાઢવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. કોર્ટના સ્ટાફે ખાનને આરોપીને આવી સલાહ આપતા સાંભળી લીધો હતો. ખાનને વધુ તપાસ ચાલવા સુધી જામીન પર મુક્ત કરાયો હતો.
• રોયલ મેઈલના પોસ્ટેજ ચાર્જીસ પર મર્યાદાની શક્યતા
સરકારે રોયલ મેઈલમાં તેના £૭૫૦ મિલિયન કિંમતના શેર વેચાણ કર્યા પછી તેને પોસ્ટેજ ચાર્જીસ અને જથ્થાબંધ પ્રાઈસ વધારવા સામે પ્રતિબંધ આવવાની શક્યતા છે. રોયલ મેઈલ ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ્સની કિંમત ઈચ્છાનુસાર રાખી શકે છે, જ્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ્સની કિંમત ફૂગાવાને સુસંગત વધારી શકે છે. જોકે, તેના વ્હોલસેલ ચાર્જીસ પર કોઈ મર્યાદા નથી.