• બીબીસી સ્ટુડિયોઝના ૩૦૦ કર્મચારીને છૂટાં કરાશે

Monday 17th October 2016 12:14 EDT
 

બીબીસીના ૯૩ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ વખત તેની ગૌણ કંપની બીબીસી સ્ટુડિયોઝ દ્વારા ૩૦૦ કર્મચારીને છૂટાં કરવામાં આવશે. બીબીસીના કાર્યક્રમોનું પ્રોડક્શન કરતી ૪૦૦ મિલિયન પાઉન્ડની શાખા ખાનગીકરણના માર્ગે આગળ વધી રહી છે. આગામી વર્ષે બીબીસી સ્ટુડિયોઝ કોમર્શિયલ બની જશે અને અન્ય બ્રોડકાર્ટરો માટે પણ કાર્યક્રમોનું નિર્માણ કરશે. સોન્ગ્સ ઓફ પ્રેઈઝ અને હોલ્બી જેવા માતબર શોનું ટેન્ડર જાહેર કરાયું છે. બીબીસી સ્ટુડિયોઝ અલગ યુનિટમાં ફેરવી દેવાશે. આના પરિણામે, ડ્રામા, કોમેડી, એન્ટરટેઈન્મેન્ટ અને હકીકતદર્શક શોમાંથી સ્ટાફ છૂટો કરાશે. હાલ ૨૦૦૦ જેટલો સ્ટાફ કાર્યરત છે.

• હોસ્પિટલોમાં કાર પાર્કિંગ ચાર્જ સરેરાશ ૧૫ ટકા વધ્યા

ઈંગ્લેન્ડમાં ત્રીજા ભાગના હોસ્પિટલ ટ્રસ્ટોએ ગત ૧૨ મહિનામાં કાર પાર્કિંગ ચાર્જીસ વધાર્યા છે, જેમાંના કેટલાકે પ્રતિ કલાક ચાર પાઉન્ડનો પાર્કિંગ ચાર્જ લાગુ કર્યો છે. ઈંગ્લેન્ડમાં હોસ્પિટલ ટ્રસ્ટોએ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ના વર્ષોમાં પાર્કિંગ ચાર્જિસમાં સરેરાશ ૧૫ ટકાનો વધારો કર્યો છે. કેટલાક ટ્રસ્ટ પેશન્ટ અને વિઝિટર્સને ચાર્જ લાગુ થવાની પ્રથમ ૩૦ મિનિટ નિઃશુલ્ક પાર્કિંગની છૂટ આપે છે. કેટલાક ટ્રસ્ટોએ એક-બે કલાકના પાર્કિંગની સિસ્ટમ દૂર કરી સીધાં ત્રણ કલાકના પાર્કિંગ ચાર્જ લાગુ કર્યા છે.

• ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બળાત્કારની ફરિયાદો વધી

પાંચ વર્ષમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ સમક્ષ રેકોર્ડ કરાયેલી બળાત્કારની ફરિયાદો વધીને બમણી થઈ છે. જોકે, આક્ષેપો પછી સજા થવાના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું પણ પોલીસ અને પ્રોસીક્યુટર્સનું કહેવું છે. સત્તાવાળા માને છે કે હાઈ પ્રોફાઈલ કેસીસ બહાર આવ્યાં પછી ન્યાયપદ્ધતિમાં અવિશ્વાસ ઘટ્યો છે અને લોકોમાં જાતીય હુમલાઓને રિપોર્ટ કરવાની જાગૃતિ વધી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં મુખ્યત્વે સ્ત્રીઓ સહિત પુખ્ત વયના ૨૩,૮૫૧ લોકોએ બળાત્કારની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાવી છે, જ્યારે ૨૦૧૧-૧૨માં આ સંખ્યા ૧૦,૧૬૦ની હતી. આ જ રીતે ૨૦૧૧-૧૨માં ૫,૮૭૮ બાળકો પર બળાત્કારના કિસ્સા પોલીસમાં નોંધાવાયા હતા, જે સંખ્યા ૨૦૧૫-૧૬માં વધીને ૧૧,૯૪૭ થઈ હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દર ૧૦૦,૦૦૦ બાળકોમાંથી ૧૦૯ બાળક પર જાતીય હુમલો થતો હોવાનું આંકડા દર્શાવે છે.

• કરન્ટ એકાઉન્ટ પર વ્યાજદરમાં કાપ

સેન્ટાન્ડર બેન્ક પછી TSB અને લોઈડ્ઝ દ્વારા જાન્યુઆરીથી બચતકારોને સૌથી વધુ વળતર આપતાં કરન્ટ એકાઉન્ટ્સના વ્યાજદર પર કાપ મૂકાઈ રહ્યો છે. લોઈડ્ઝ દ્વારા તેના ક્લબ લોઈડ્ઝ એકાઉન્ટ પરનું ૪ ટકાનું વ્યાજ અડધોઅડધ બે ટકા કરાયાના પગલે TSBએ પણ આવી જાહેરાત કરાઈ હતી. TSBના ક્લાસિક પ્લસ એકાઉન્ટમાં જાન્યુઆરી ૨૦૧૭થી ૨૦૦૦ પાઉન્ડ સુધીના બેલેન્સ પર હવે ૫ ટકાનું ઉદાર વ્યાજ નહિ અપાય. હવે ૧૫૦૦ પાઉન્ડ સુધીના બેલેન્સ પર ૩ ટકાનું ઉદાર વ્યાજ અપાશે. આમ બચતકારને વાર્ષિક ૧૦૦ પાઉન્ડના વ્યાજ સામે હવે ૪૫ પાઉન્ડ જ મળશે.

• વિલ યન્ગે ‘સ્ટ્રીક્ટલી કમ ડાન્સિંગ’ કાર્યક્રમ છોડ્યો

પોપસ્ટાર અને અભિનેતા વિલ યન્ગે અંગત કારણો દર્શાવી બીબીસીનો લાંબા સમયથી ચાલતો ‘સ્ટ્રીક્ટલી કમ ડાન્સિંગ’ કાર્યક્રમ છોડી દીધો છે. જોકે, તેને કોન્ટ્રાક્ટનો ભંગ કરવા બદલ ૨૦,૦૦૦ પાઉન્ડનું નુકસાન સહન કરવું પડશે. તેને આ કાર્યક્રમ માટે ૨૫,૦૦૦ પાઉન્ડ ફી મળવાની હતી. એમ કહેવાય છે કે તેને આ કાર્યક્રમના જજ લેન ગૂડમેન સાથે કોઈ તકરાર થઈ હતી. આ સ્પર્ધા જીતવા માટે ફેવરિટ ગણાયેલો યન્ગ જજ દ્વારા ટીકાના પગલે નિરાશ જણાતો હતો. એક રિપોર્ટ મુજબ તેણે ડાન્સ પાર્ટનર કારેન ક્લિફ્ટન સાથે તાલીમ લેવાનું પણ નકાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter