બીરેવમેન્ટ બેનિફિટમાં કાપ મૂકાતા હજારો પેરન્ટ્સ માટે તેમના નાના બાળકોનું ભરણપોષણ કરવા વિધુર પેરન્ટ્સે વધુ સમય કામ કરવું પડશે. તેથી તેઓ પરિવાર માટે પણ ખૂબ ઓછો સમય આપી શકશે. હાલ પતિ-પત્નીમાંથી કોઈ એકનું મૃત્યુ થાય તો જીવંત સાથીને તેમનું સોથી નાનું બાળક ફૂલ ટાઈમનો અભ્યાસ પૂરો કરે ત્યાં સુધી દર મહિને ૨૦૦૦ પાઉન્ડની ઉચ્ચક રકમ અને મન્થલી સપોર્ટ પેમેન્ટ્સ મળે છે. નવા નિયમ મુજબ ૬ એપ્રિલ બાદ વિધુર-વિધવા થયેલી વ્યક્તિને દર મહિને ૩૫૦ પાઉન્ડ ચૂકવાશે, જે માત્ર ૧૮ મહિના સુધી જ અપાશે.
• હવે NHS સામાન્ય દવા માટે રકમ નહિ ચૂકવે
નાણા બચાવવાના અભિયાનના ભાગરૂપે NHS હવે રોજીંદા વપરાશમાં લેવાતી પેઈનકિલર્સ અને કફ મિક્સચર્સ જેવી સામાન્ય દવાઓ માટે નાણા ચૂકવશે નહીં. હેલ્થ સર્વિસના વડા સાયમન સ્ટીવન્સે જણાવ્યું હતું કે દર્દીઓએ હવે હે ફીવર, અપચો અને ગ્લૂટન ફ્રી આહાર જેવી સામાન્ય વસ્તુઓ માટે રકમ ચૂકવવી પડશે. હેલ્થ સર્વિસના બીલમાં ૧ બિલિયન પાઉન્ડનો ઘટાડો કરવા આ પગલું લેવાયું છે.
• વંશીય લઘુમતીઓ માટે ચર્ચ દ્વારા બિશપની નિમણુંક
વંશીય લઘુમતીના લોકોને લાભ મળે તે હેતુથી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા આ વર્ષના અંત સુધીમાં નવા બિશપની નિમણુંક કરવામાં આવશે. લફબરો માટે નીમાનારા બિશપ લેસ્ટરના હશે. તેઓ આ વિસ્તારમાં થયેલા સાંસ્કૃતિક પરિવર્તનને દર્શાવે તેવા નવા ચર્ચની રચના પર ધ્યાન આપશે. તેઓ યુવાનો અને ખાસ કરીને વંશીય લઘુમતી પર ધ્યાન સાથે ગામડાં અને વંચિત વિસ્તારોમાં કાર્ય કરશે.
• ટોચની યુનિવર્સિટીઓમાં પણ નકલી સંશોધન
સંશોધન પર મુખ્યત્વે કાર્યરત રહેતી રસેલ ગ્રૂપની ૨૪ પૈકી ૨૩ યુનિવર્સિટીમાં ૨૦૧૧ અને ૨૦૧૬ના પાંચ વર્ષ વચ્ચે બનાવટી સંશોધનના ૩૦૦ જેટલા દાવા નોંધાયા હોવાનું એક તપાસમાં જણાયું છે. તેના પરિણામે ૩૦ જેટલા શોધપત્ર પણ પાછા ખેંચી લેવાયાં હતાં. તેમાં સાહિત્યસામગ્રીની ચોરી, ઉપજાવી કાઢેલી વાતો અને ખામીઓનો સમાવેશ થાય છે.
• ફેક ન્યૂઝ સામે લડવા eBay જંગી રકમ ખર્ચશે
eBayના બિલિયોનેર સ્થાપક પીયરે ઓમીદયાર બનાવટી ન્યૂઝનો સામનો કરવા અને ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પાછળ આગામી ત્રણ વર્ષમાં ૮૦ મિલિયન પાઉન્ડની જંગી રકમ ખર્ચશે. ઓમીદયાર મીડિયા પર વૈશ્વિક ભરોસાની કમીને દૂર કરવા માટે આ પ્રોજેક્ટ્સમાં નાણા રોકશે. ગયા વર્ષે પનામા પેપર્સ જાહેર કરનાર ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સને ૪૫ મિલિયન પાઉન્ડ મળશે. જ્યારે ઉશ્કેરણીજનક ઓનલાઈન નિવેદનથી ઉભા થતાં જોખમને પહોંચી વળવા સિલિકોન વેલીમાં સેન્ટર ઉભું કરવા એન્ટિ ડિફેમેશન લીગને ગ્રાન્ટ અપાશે.

