• બે મિલિયન લોકોએ ધૂમ્રપાન છોડ્યું

Friday 07th July 2017 08:44 EDT
 

બ્રિટનમાં એક દાયકા અગાઉ પબ અને ક્લબોમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકાયા પછી ધૂમ્રપાન કરતા લોકોની સંખ્યામાં બે મિલિયનનો ઘટાડો નોંધાયો છે. તેના પરિણામે હજારો લોકોની જિંદગી બચાવી શકાશે તેમ નિષ્ણાતોનું માનવું છે. ખાસ કરીને યુવાનોમાં ધૂમ્રપાનનું પ્રમાણ ખૂબ ઝડપથી ઘટ્યું હતું. જ્યારે તમાકુના સેવનની તરફેણ કરતાં લોકોનાં જણાવ્યાં મુજબ ઈ-સિગારેટ્સ લોકપ્રિય બન્યાં પછી ધૂમ્રપાન કરનારાની સંખ્યા ઘટી હતી. બ્રિટનમાં ૨૦૦૭માં પુખ્તો પૈકી ૨૦.૯ ટકા ધૂમ્રપાન કરતા હતા જે ઘટીને ૧૬.૧ ટકા થયું છે.

• હે ફીવરના દર્દીઓની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો 

હે ફીવર માટે GPની તબીબી સહાય મેળવતા દર્દીઓની સંખ્યામાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ૫૦ ટકાનો વધારો નોંધયો હતો. રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટિશનર્સ (RCGP) એ જણાવ્યું હતું કે ખાસ કરીને હે ફીવરની શરૂઆત જૂનના મધ્યભાગમાં થાય છે અને તેની સૌથી વધુ અસર ૫થી ૧૪ વર્ષના બાળકોમાં અને તે પછી ૧૫થી ૨૪ની વયના યુવાનોમાં જોવા મળે છે.

• મુસ્લિમ કિશોરી પર બેકન ફેંકનારને છ મહિનાની જેલ

વીડિયોમાં મુસ્લિમ કિશોરી પર બેકન ફેંકતા ઝડપાયેલા નોર્થ ઈસ્ટ લંડનના વોલ્ટહામ ક્રોસમાં રહેતા ૩૬ વર્ષીય એલેક્સ શીવર્સને હાઈબરી કોર્નર મેજિસ્ટ્રેટ્સ દ્વારા છ મહિનાની જેલની સજા કરવામાં આવી હતી. એલેક્સે ગઈ ૮ જૂને નોર્થ લંડનના એન્ફિલ્ડમાં કિશોરી અને તેની માતાને અપશબ્દો બોલીને તેમનો પીછો કરવાનું અને આવેશમાં આવીને કિશોરીના ચહેરા પર બેકન ફેંકવાનું કબૂલ્યું હતું.

દવા કંપનીઓ દ્વારા અપાતી રકમ જાહેર કરવા ડોક્ટરોને તાકીદ 

ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ડોક્ટરોને અપાતી કેશ અને આતિથ્ય સરભરાની રકમ વધીને ૧૧૬ મિલિયન પાઉન્ડ થઈ છે. તેમાં ૨૦૧૬માં ૧૧૫ કંપનીઓએ આપેલી રકમ સામેલ છે. ૨૦૧૫માં ૫૫ ટકાની સામે ૨૦૧૬માં ૬૫ ટકા ડોક્ટરોએ માહિતી જાહેર કરી હતી. જોકે, હજુ ઘણા ડોક્ટરો આ માહિતી આપવાનો ઈનકાર કરી રહ્યા છે. આવી વિગતો જાહેર કરવા ડોક્ટરો પર દબાણ ઉભું કરવા કાયદામાં સુધારો કરવાની માગ ઉઠી છે.

બ્રેક્ઝિટ પછી બ્રિટન ૨૦૦ માઈલના ફિશીંગ રાઈટ્સ મેળવશે 

બ્રિટન દરિયાકાંઠાથી ૨૦૦ માઈલ સુધીના માછીમારીના તમામ હક્ક બ્રેક્ઝિટ પછી પરત મેળવશે. ઈયુમાંથી બહાર નીકળ્યા પછી યુકેને યુરોપની સમાન માછીમારી નીતિનું બંધન રહેશે નહીં અને માછીમારી માટે તેને યુએનના નિયમો લાગૂ પડશે. હાલ ઈયુની નીતિ હેઠળ બ્રિટનને ૧૨ માઈલની રક્ષિત જળસીમા મળે છે તે યુએન હેઠળ વધીને ૨૦૦ માઈલની થશે.    


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter