• બેઠાડું કાર્યશૈલીની આરોગ્યને ખરાબ અસર

Monday 02nd January 2017 05:38 EST
 

ડેસ્ક પર બેસીને કામ કરવાની કાર્યશૈલીની સંસ્કૃતિ અને પારિવારિક દબાણોનાં કારણે મધ્યમ વયના ૧૦માંથી આઠથી વધુ વયસ્ક લોકોનું આરોગ્ય ગંભીરપણે જોખમી બની રહ્યું હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. હેલ્થ સર્વે ફોર ઈંગ્લેન્ડના આંકડા અનુસાર ૪૦-૬૦ વયજૂથના ૮૩ ટકા લોકો વધારે પડતું ખાય છે, ઓવરવેઈટ છે અથવા પૂરતી કસરત કરતાં નથી. આ વયજૂથના ૭૭ ટકા પુરુષ અને ૬૩ ટકા સ્ત્રીઓ સ્થૂળ કે ઓવરવેઈટ છે. ગત બે દાયકામાં સ્થૂળતા દર ૧૬ ટકા વધી ગયો છે.

• બેનિફિટ છેતરપિંડી બદલ જેલ

ખોટી રીતે ૮૦,૦૦૦ પાઉન્ડ જેટલાં વેલ્ફેર બેનિફિટ્સ મેળવનારી ૬૫ વર્ષીય માલિહા પરવીનને મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટ, માન્ચેસ્ટર દ્વારા આઠ મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. રોચડેલની પરવીનને ૨૦૦૪માં પણ બેનિફિટ્સ ફ્રોડની દોષિત ઠરાવાઈ હતી. રોચડેલની રેડવૂડ સેકન્ડરી સ્કૂલમાં ૨૦૦૮થી ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હોવાં છતાં તેણે કામ કરતી ન હોવાનો ખોટો દાવો કરી વેલ્ફેર બેનિફિટ્સ લેવાનું શરુ કર્યું હતું. જજ જોનાથન ફોસ્ટર QCએ કહ્યું હતું કે, ‘આ નાણા મારા જેવા દરેક નાગરિક પાસેથી ચુકવાયા હતા.’

• હોસ્પિટલોને પાર્કિંગમાંથી ધરખમ આવક

NHS હોસ્પિટલોને ૨૦૧૫-૧૬ના વર્ષમાં કાર પાર્કિંગમાંથી ૧૨૦ મિલિયન પાઉન્ડથી વધુ ધરખમ આવક થઈ હતી. ઈંગ્લેન્ડની હોસ્પિટલોને પેશન્ટ્સ, સ્ટાફ અને મુલાકાતીઓ પાસેથી કાર પાર્કિંગ અથવા પાર્કિંગ દંડમાંથી ૧૨૦,૬૬૨,૬૫૦ પાઉન્ડની જોરદાર આવક મળી હતી. આ આવકમાં દંડ તરીકે ૬૦૦,૦૦૦થી વધુ પાઉન્ડનો સમાવેશ થાય છે. આની અગાઉના વર્ષની સરખામણીએ આવકમાં પાંચ ટકાનો વધારો થયો હતો.

• ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગનો ખર્ચ વધુ

ડિઝલ વાહનોની સરખામણીએ ઈલેક્ટ્રિક કાર પાછળના ખર્ચા વધી રહ્યાં છે ત્યારે ગ્રીન વ્હીકલના ઉપયોગ ઘટવાની ચિંતા છે. ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગનો ખર્ચ વધુ આવે છે. ઈલેક્ટ્રિક કારને અડધો કલાક ચાર્જ કરવા ૭.૫૦ પાઉન્ડ ચુકવવા પડે તેવી ચિંતાના પરિણામે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હસ્તક્ષેપની વિચારણા છે. તેના દ્વારા મહત્તમ ચાર્જિંગ પ્રાઈસ અને પબ્લિક ચાર્જ પોઈન્ટ્સની જાહેરાત થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter