ગ્રાહકોના નિષ્ક્રિય ખાતાઓમાં રહેલી રોકડ રકમને છુપાવવા બદલ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS) સામે સિટી વોચડોગ દ્વારા તપાસની શક્યતા છે. બ્રિટિશ કરદાતાઓની ૭૩ ટકા માલિકી સાથેની બેન્કે ૪,૫૦૦ ગ્રાહકોને તેમના નિષ્ક્રિય ખાતાઓમાં કોઈ રકમ નહિ હોવાની ગેરમાહિતી આપ્યાની કબૂલાત કરી છે. આ ગ્રાહકોએ તેમના ખાતામાં રહેલી રકમ પાછી માગતા બેન્કે તેની પાસેના ખાતાઓમાં તેમની બચતો ન હોવાનું જણાવ્યું હતું. જોકે, બેન્કના સત્તાવાળાઓએ કોમ્પ્યુટર સોફ્ટવેરનો વાંક કાઢ્યો છે.
• પોલીસના સીનિયર રેન્ક્સ પર સીધી ભરતી
પોલીસ દળોને વધુ લચકદાર અને યુવા પેઢી માટે આકર્ષક બનાવવા સુપરમાર્કેટ્સના મેનેજર, બેન્કર્સ અને સિવિલ સર્વન્ટ્સને પોલીસના સીનિયર રેન્ક્સ પર સીધી ભરતીમાં લેવાનો નિર્ણય કરાયો છે. આમ, રીક્રુટ્સ સીધા જ ઈન્સ્પેક્ટરની રેન્કમાં પ્રવેશ મેળવી શકશે. સામાન્ય રીતે આ રેન્ક પર પહોંચતા ઘણા વર્ષો લાગી જાય છે. યુવા પેઢીને પડકારજનક કારકીર્દિ જોઈએ છે, પરંતુ પગાર ઓછો પડતો હોવાથી ખચકાટ અનુભવે છે. ઈન્સ્પેક્ટરનું વેતન ૫૪,૦૦૦ પાઉન્ડથી થોડું ઓછું હોય છે, જ્યારે પોલીસમાં ભરતી કરાતા નવા કોન્સ્ટેબલને પ્રારંભિક તાલીમ પછી મહત્તમ ૨૬,૦૦૦ પાઉન્ડથી થોડું ઓછું વેતન મળે છે.
• પ્રવાસીને ટ્રેન સામે ફેંકનારો દેવિન્દ્ર કસ્ટડીમાં સોંપાયો
નોર્થ લંડનના કેન્ટિશ ટાઉન સ્ટેશને કમલેશ રામજીને બુધવાર, બીજી ડિસેમ્બરે રેલવે ટ્રેક પર ધક્કો મારી ફેંકી દેનાર નોર્થ લંડનના કોલિન્ડેલનો નિવાસી દેવિન્દ્ર ફર્ગ્યુસન ચોથી ડિસેમ્બરે હાઈબરી કોર્નર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. હત્યાના પ્રયાસના આરોપ સાથે દેવિન્દ્રને કસ્ટડીમાં સોંપાયો હતો. ટ્રેન સાથે અથડાયેલા કમલેશને ખોપરીમાં ફ્રેક્ચર થતા ગંભીર ઈજા સાથે હોસ્પિટલમાં મુર્છાવસ્થામાં છે. દેવિન્દ્ર સામે બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટમાં ટ્રાયલ ચલાવાશે.
• બ્રિટિશ અધિકારીની હાજરીમાં અત્યાચાર ગુજારાયો
અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકો દ્વારા બ્રિટિશ નિવાસી શાકેર આમેર પર અત્યાચાર ગુજારાયો ત્યારે બ્રિટિશ ઈન્ટેલિજન્સ અધિકારીની હાજરી હોવાનું કહેવાય છે. આ અધિકારી પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરની સાથે જ બ્રિટિશ વાયુદળના વિમાનમાં હતો તેવો દાવો ગુઆન્ટાનામો બેના પૂર્વ કેદી આમેરે કર્યો છે. આ આક્ષેપ પછી આમેર સાથે વ્યવહારની જાણકારી સ્પષ્ટ કરવા બ્લેર પર દબાણ વધી રહ્યું છે. આમેરને કોઈ આરોપ વિના ક્યુબાસ્થિત અમેરિકી જેલમાં ૧૩ વર્ષ ગોંધી રખાયો હતો. આમેરે કહ્યું હતું કે તેને પકડવામાં આવ્યો ત્યારે તે ઈસ્લામિક ચેરિટી માટે કામ કરી રહ્યો હતો.
• મુહાયાદિન સામે માર્ચ મહિનામાં ટ્રાયલ
લંડનના લેટનસ્ટોન અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર ચાકુથી હુમલો કરનારા શકમંદ મુહાયાદિન માઈર સામે હત્યાના પ્રયાસના આરોપ સાથે માર્ચ મહિનામાં ઓલ્ડ બેઈલી કોર્ટમાં ટ્રાયલ ચલાવાશે. માઈર સામે ‘You ain’t no Muslim, bruv’ની બૂમ પાડનારા હીરો જ્હોનને હવે Isis દ્વારા બદલો લેવાય તેવો ભય છે. તેણે કહ્યું હતું કે તે ખુદ મુસ્લિમ નથી, પરંતુ ઈસ્લામના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા Isis જેવા ત્રાસવાદી સંગઠનો સામે તેને રોષ છે. Isisને ખતમ કરી નાખવું જોઈએ.
• મહિલા નેટવર્ક પર ઈસ્લામિક ત્રાસવાદીઓનો મહિમા
ઈસ્લામિક ત્રાસવાદીઓનો મહિમા કરતી મહિલાઓની જેહાદી નેટવર્ક ‘ફ્રી અવર સિસ્ટર્સ (FOS)’ પર ઓસામા લાદેનના જન્મદિને ‘હેપી ૯/૧૧’ કેકની તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. ઓનલાઈન મહિલા નેટવર્ક બ્રિટિશ મહિલાઓ સહિત સજા પામેલા ત્રાસવાદીઓ અને તેમના પરિવારો માટે ભંડોળ એકત્ર કરવા સોશિયલ મીડિયા પર બિહામણી તસવીરો મૂકે છે. જર્મનીની કેટલીક મહિલાઓ દ્વારા આ વર્ષના આરંભે શરૂ કરાયેલી નેટવર્કના સભ્યોમાં બ્રિટિશ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કેનેડા, સ્વિટ્ઝર્લેન્ડ અને ઈન્ડોનેશિયા સહિત ઓછામાં ઓછાં આઠ દેશોની મહિલાઓનું તેને સમર્થન હોવાનું કહેવાય છે.
• જેહાદીઓ યુકેમાંથી ચાલ્યા જાવ
ગુઆન્ટાનામો બે જેલમાંથી ૩૦ ઓક્ટોબરે મુક્ત કરાયેલા બ્રિટિશ નિવાસી શાકેર આમેરે અખબારી મુલાકાતમાં યુકેના કટ્ટરવાદીઓ સામે રોષ ઠાલવ્યો છે. તેણે પ્રશ્ન કર્યો છે કે ‘ત્રાસવાદના કાવતરાં કરતા મુસ્લિમો યુકેમાં રહી જ કેવી રીતે શકે? આ દેશમાં રહેવાનો તેમને કોઈ અધિકાર નથી. યુદ્ધ હોય તો પણ બાળકો સહિત નિર્દોષ લોકોની હત્યા કેવી રીતે કરી શકાય. જો તમને આ દેશ સામે વાંધો હોય તો દેશ છોડી ચાલ્યા જવું જોઈએ.’
• વર્કર્સની વહેલી નિવૃત્તિથી ભારે બોજ
પચાસના દાયકામાં દાદા-દાદીઓ નિવૃત્ત થતાં હતાં તેની સરખામણી આજના વર્કર્સ વહેલા નિવૃત્ત થાય છે, જેના પરિણામે અર્થતંત્ર માટે બોજો વધી રહ્યો છે. દેશના કેટલાક વિસ્તારોમાં ૫૦-૬૪ વયજૂથના અડધા જ લોકો હજુ કામ કરતા હોવાનું પેન્શન મિનિસ્ટર બેરોનેસ ઓલ્ટમાનનું કહેવું છુ. આ લોકો વહેલાં નિવૃત્ત થાય છે અને મધ્યમ વયજૂથના લાખો લોકો કામ કરતા ન હોવાથી અર્થતંત્રને ભારે નુકસાન થતું હોવાનું મિનિસ્ટર માને છે.
• સીરિયા મુદ્દે મહિલા સાંસદને ધમકીઓ
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રથમ મુસ્લિમ મહિલા સાંસદ નુસરત ગનીને પણ સીરિયામાં હવાઈ હુમલાની તરફેણમાં મત આપ્યાં પછી ટ્વીટર અને ફેસબુક પર હિંસક ધમકીઓ મળી છે. વીલ્ડેન, ઈસ્ટ સસેક્સના સાંસદ નુસરત ગનીએ સોશિયલ મીડિયાના વપરાશકારોને મૂર્ખ ગણાવી કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચા તેમજ મતદારોનું પ્રતિનિધિત્વ અને સલામતી અંગે પોતાનું કામ ચાલુ રાખશે. સોશિયલ મીડિયા પર અપાયેલી ધમકીઓની તપાસ પોલીસે હાથ ધરી છે.

