• બેબી બૂમર્સ માટે શરાબ અને ડ્રગ્સની આદત જોખમી બની

Tuesday 29th August 2017 04:36 EDT
 

બેબી બૂમર્સમાં આડેધડ દવાઓ લેવાની અને શરાબપાનની આદત ઝડપથી વધતી સમસ્યાનું મૂળ હોવાની ચેતવણી ડોક્ટરોએ આપી છે. વર્ષ ૨૦૧૫માં આલ્કોહોલ સંબંધિત કારણોથી હોસ્પિટલોમાં દાખલ કરાતા લોકોનાં ૪૫ ટકા ૫૫-૭૪ વયજૂથના હતા. આ ટકાવારી ૨૦૦૫માં ૩૬ ટકા જ હતી. બેબી બૂમર્સનાં યુવાકાળમાં જ આલ્કોહોલની અનિયંત્રિત જાહેરાતો અને ગાંજા-ચરસ જેવી ડ્રગ્સ તરફ છૂટછાટનું વલણ આ સમસ્યાનું કારણ બની રહ્યાં છે. નિવૃત્તિ અને જીવનસાથીની ચિરવિદાય જેવી ઘટનાઓ તેમને વધુ શરાબપાન અને ડ્રગ્સ તરફ તરફ લઈ જાય છે.

પોલીસ પર હુમલો છતાં સજામાં ઘટાડો

બ્રિટનમાં તપાસ વિના ઘૂસણખોરી કર્યા પછી બે પોલીસ અધિકારી પર હથોડાથી હુમલો કરનારા અફઘાન હત્યારા જામશિદ પિરુઝની આજીવન કેદની સજા ઘટાડીને અપીલ કોર્ટ દ્વારા ત્રણ વર્ષ કરી દેવાઈ હતી. હવે તે ૩૦ મહિના જેલમાં વીતાવ્યા પછી મુક્ત થઈ જશે. પિરુઝે ૨૦૦૬માં એક મહિલાનું ગળું કાપી નાખતા તેને નેધરલેન્ડ્ઝમાં સજા કરાઈ હતી. બ્રિટનમાં ૨૦૧૫માં ઘૂસણખોરી પછી પિરુઝે જાન્યુઆરી ૨૦૧૬માં ચોરીની ઘટનામાં બે પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો.

સુપરમાર્કેટ રેન્કિંગમાં લિડલ આગળ 

દેશના સૌથી મોટા સુપરમાર્કેટ તરીકેના રેન્કિંગમાં ડિસ્કાઉન્ટ રિટેઈલર લિડલ સાતમા ક્રમે આવ્યું છે. તેણે આ ક્રમે રહેલા વેઈટરોઝને પછડાટ આપી હતી. કાન્ટાર વર્લ્ડપેનલના સંશોધન મુજબ ઓગસ્ટ ૧૪ સુધીના ૧૨ સપ્તાહમાં લિડલે તેનો બજારહિસ્સો વિક્રમી ૫.૨ ટકા વધાર્યો હતો.

કચરો એકત્ર કરવાની વિક્રમરુપ ફરિયાદો 

કાઉન્સિલ્સ દ્વારા કચરાને એકત્ર કરવા મુદ્દે ફરિયાદોનો વિક્રમ થઈ રહ્યો છે. આના પરિણામે, કચરો એકત્ર કરાતો ન હોય તેવા સંખ્યાબંધ પરિવારોને વળતર ચુકવવું પડે છે. ગત વર્ષમાં ૪૦૦થી વધુ બિન કલેક્શન વિવાદોને લોકલ ગવર્મેન્ટ અને સામાજિક સંભાળ લોકાયુક્તે માન્ય ઠરાવ્યા હતા. આ સંખ્યા તેની અગાઉના વર્ષે ૨૮૭ હતી.

હુમલાખોર અચોક્કસ મુદત સુધી હોસ્પિટલમાં રખાશે

ગત વર્ષે ૧૨ ડિસેમ્બરે લંડન ઓવરગ્રાઉન્ડ ટ્રેનમાં મુસ્લિમ પ્રવાસી મુહમ્મદ અલીને માથા અને પેટમાં ચાકુના છ ઘા મારનારા સાઉથ-ઈસ્ટ લંડનના એડ્રિયન બ્રાઉનને અચોક્કસ મુદત સુધી હોસ્પિટલમાં રાખવામાં આવનાર છે. બ્રાઉને હુમલો કર્યા પછી ‘હું તમામ મુસ્લિમોને ખતમ કરી નાખીશ’ની બૂમો પણ પાડી હતી. માનસિક અસ્થિર હુમલાખોર બ્રાઉનને મેન્ટલ હેલ્થ એક્ટની જોગવાઈ મુજબ હોસ્પિટલમાં જ રાખવાનો જજે આદેશ આપ્યો હતો.        


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter