યુકેમાં કામ કરતા લોકોની સંખ્યા વધવા સાથે બેરોજગારી ૧૧ વર્ષમાં ૪.૮ ટકાના તળિયે પહોંચ્યો છે. ગયા વર્ષે આ દર ૫.૩ ટકા હતો. આ વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં બેકાર લોકોની સંખ્યા ૩૭,૦૦૦ ઘટી ૧.૬ મિલિયન થઈ હતી, જે ૨૦૦૬ પછી સૌથી ઓછી છે. જોકે, નોકરીઓનું બજાર ઠંડુ પડી રહ્યું હોવાની નિશાનીઓ હોવા અંગે ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ દ્વારા ચેતવણી અપાઈ છે. શેડો વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી ડેબી અબ્રાહમ્સે કહ્યું હતું કે રોજગારીમાં વૃદ્ધિ આવકાર્ય હોવાં છતાં ટોરી સરકાર સમગ્ર બ્રિટિશ અર્થતંત્રને ઊંચુ લાવવામાં નિષ્ફળ ગઈ છે.
• ત્રણમાંથી એક વર્કિંગ ફેમિલીને એનર્જી બિલ ચુકવવામાં મુશ્કેલી
ગરીબ ગ્રાહક પરિવારોને સસ્તા સોદાઓ તરફ જવામાં એનર્જી કંપનીઓએ મદદ કરવી જોઈએ તેવું દબાણ વધી રહ્યું છે. USwitch દ્વારા એક અભ્યાસમાં જણાવાયું છે કે ઘરમાં ભારે ઠંડી હોય તો પણ ૨૯ ટકા પરિવાર હીટિંગ સિસ્ટમ ચાલુ કરતા નથી. ત્રણમાંથી એક વર્કિંગ ફેમિલી તેમનું એનર્જી બિલ ભરવામાં મુશ્કેલી અનુભવે છે. બે તૃતીઆંશ પરિવાર માને છે કે નાણા બચાવવા માટે એનર્જીનો ઉપયોગ ઘટાડીશું તો પરિવારના આરોગ્યને નુકશાન પહોંચશે. આવી સ્થિતિમાં સપ્લાયર્સે વોર્મ હોમ ડિસ્કાઉન્ટ (WHD) જેવી ખર્ચ બચાવતી યોજનાઓ અપનાવવા ગ્રાહકોને જણાવવું જોઈએ. ઓછી આવકના પેન્શનરો સહિત અસલામત જૂથોના ૨૫૦,૦૦૦થી વધુ ગ્રાહકોને ૧૪૦ પાઉન્ડ ડિસ્કાઉન્ટ આપવાની કંપનીઓને ફરજ પડી છે. જોકે, આ લાભ આપવામાં ભારે વિલંબ કરાય છે.
• ઝીરો-અવર્સ કોન્ટ્રાક્ટ પરના કેર વર્કર્સની સંખ્યા વધી
કેર સેક્ટરમાં ૬૦૦,૦૦૦થી વધુ લોકો ઝીરો-અવર્સ કોન્ટ્રાક્ટ અને ઓછામાં ઓછાં વેતન પર કામ કરે છે. આ વર્ષે સાતમાંથી એક કેર વર્કર ઝીરો-અવર્સ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા, જે પ્રમાણ ૨૦૧૫માં દસમાંથી એક વર્કરનું હતું. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટા અનુસાર આ વર્ષના એપ્રિલ-જૂન ગાળામાં અશક્ત લોકોને ઘરમાં સેવા આપતા અથવા કેર હોમ્સમાં નોકરી કરતા ૭૬૯,૦૦૦માંથી ૧૧૩,૦૦૦ કેર વર્કર્સ અનિશ્ચિત કલાકો સાથેના કરારમાં હતા.
• હોગાર્થના પેઈન્ટિંગ પર નિકાસ પ્રતિબંધ
કલ્ચરલ મિનિસ્ટર મેટ હેનકોકે બ્રિટિશ ચિત્રકાર વિલિયમ હોગાર્થના લગભગ ૧૭૨૮માં તૈયાર કરાયેલા પેઈન્ટિંગ ‘ધ ક્રાઈસ્ટનિંગ’ એટલે કે ‘નામકરણ વિધિ’ને વિદેશ જતું અટકાવવા હંગામી નિકાસ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પેઈન્ટિંગની કિંમત ૧,૨૩૩,૨૧૦ પાઉન્ડ બોલાય છે. એટલે બ્રિટિશ ખરીદારને આટલી રકમ એકત્ર કરી શકવાનો સમય મળી રહે તે આશયથી ફેબ્રુઆરી મહિના સુધી પ્રતિબંધ લગાવાયો છે. આ પેઈન્ટિંગમાં ૧૮મી સદીના ઈંગ્લેન્ડમાં ધનવાનોની જીવનશૈલી પર વ્યંગ કરવામાં આવ્યો છે. એક્સપોર્ટ લાયસન્સ મુલતવી રાખવાનો નિર્ણય સલાહકારી પેનલ RCEWA દ્વારા લેવાયો હતો.
• દરરોજ ૬૪૦ ટ્રેન રદ થાય છે
બ્રિટનમાં ગત ૧૨ મહિનામાં પ્રવાસીઓની હાડમારી વધારતા ૨૩૩,૬૦૬ ટ્રેન પ્રવાસ રદ કરવામાં આવ્યા હતા. આમાં આશરે ૮૩,૦૦૦ ટ્રીપ રદ કરવા સાથે સૌથી ખરાબ હાલત સધર્ન ટ્રેન્સ ચલાવતી ગોવિઆ થેમ્સલિન્ક રેલવેની છે, જે થેમ્સલિન્ક, ગ્રેટ નોર્ધર્ન અને ગેટવિક એક્સપ્રેસ સર્વિસ પણ ઓપરેટ કરે છે. લંડનથી આવતા અને જતાં પ્રવાસીઓએ દૈનિક સરેરાશ ૨૨૮ ટ્રેન રદ થવાની મુશ્કેલી સહન કરવી પડી હતી. રેલ કંપનીઓએ ગયા વર્ષે ટ્રેનો મોડી પડવાના કારણે પ્રવાસીઓને ૪૫ મિલિયન પાઉન્ડનું વળતર ચુકવવું પડ્યું હતું, જે તેની અગાઉના વર્ષે ૨૬ મિલિયન પાઉન્ડ હતું. જોકે, તેની સામે કંપનીઓને અચાનક ટ્રેનસેવા ખોરવાઈ જવાના મામલે નેટવર્ક રેલ પાસેથી ૧૦૫ મિલિયન પાઉન્ડ મળ્યા હતા.
• આલ્કોહોલ આધારિત કેન્સરથી ૧૩૫,૦૦૦ મૃત્યુની ચેતવણી
લોકોને શરાબપાનના જોખમોથી પૂરતાં જાગૃત કરવામાં નહિ આવે તો આલ્કોહોલ આધારિત કેન્સરથી મૃત્યુનો આંકડો ૨૦૩૫ સુધીમાં વધીને ૧૩૫,૦૦૦ થશે અને NHSને બે બિલિયન પાઉન્ડનો બોજ સહન કરવાનો થશે તેવી ચેતવણી આરોગ્ય નિષ્ણાતોએ આપી છે. આ મૃત્યુ ઘટાડવા અને હેલ્થકેર ખર્ચમાં ૧.૩ બિલિયન પાઉન્ડની બચત કરવા યુનિટની લઘુતમ કિંમત ૫૦ પેન્સ રાખવાની હિમાયત કેન્સર રીસર્ચ યુકે દ્વારા કરવામાં આવી છે.

