વડા પ્રધાન થેરેસા મેએ બોક્સિંગ ડેના દિવસે દુકાનો બંધ રાખવા દુકાનદારોને ફરજ પાડવાનો ઈનકાર કરતાં કહ્યું છે કે બિઝનેસ કેવી રીતે કરવો તે જણાવવું સરકારનું કામ નથી. ક્રિસમસ પછીના દિવસે તમામ રીટેઈલ બિઝનેસીસ બંધ રાખવાની પિટિશનમાં ૧૪૦,૦૦૦થી વધુ સહીઓ થયા પછી સાંસદો તેના પર ચર્ચા કરશે ત્યારે બ્રિટિશ રીટેઈલ કોન્સોર્ટિયમે જણાવ્યું છે કે વર્ષોથી બોક્સિંગ ડે ખરીદી માટે લોકપ્રિય દિવસ છે. યુકેના ખરીદારોએ ૨૦૧૫માં બોક્સિંગ ડે ખરીદીમાં ૩.૭૪ બિલિયન પાઉન્ડ ખર્ચ્યા હતા, જે ૨૦૧૪ની સરખામણીએ છ ટકા વધુ હતા. હાઉસ ઓફ કોમન્સ લાઈબ્રેરીના રિપોર્ટ મુજબ ૨૦૧૪માં બોક્સિંગ ડેના દિવસે યુકે રીટેઈલ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત લોકોના લગભગ ૧૨ ટકા એટલે કે ૩૬૫,૦૦૦ લોકોએ દુકાનોમાં કામ કર્યું હતું.
• એકલવાયી મહિલાને ફરી બ્રેસ્ટ કેન્સરથી મોતનું જોખમ
બ્રેસ્ટ કેન્સરમાંથી બચી ગયેલી એકલવાયી મહિલાઓમાં ૬૦ ટકાને સામાજિક રીતે વધુ સક્રિય મહિલાઓની સરખામણીએ ઉથલો મારેલા બ્રેસ્ટ કેન્સરથી મોત થવાનું જોખમ રહે છે. આશરે ૧૦,૦૦૦ પેશન્ટ્સના અભ્યાસના તારણો અનુસાર સામાજિક રીતે એકલી પડેલી સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર ફરી દેખા દે તેવી શક્યતા વધુ રહે છે. કેલિફોર્નિયામાં કૈસર પરમેન્ટે ડિવિઝન ઓફ રિસર્ચના ડો. કેન્ડીસ ક્રોએન્કેએ જણાવ્યું હતું કે જીવનસાથી અને સગાંવહાલા સાથેના સંપર્કો કેન્સરગ્રસ્ત સ્ત્રીઓના બચવામાં મોટી ભૂમિકા ભજવે છે. જર્નલ કેન્સરમાં પ્રસિદ્ધ અભ્યાસમાં બ્રેસ્ટ કેન્સરના નિદાન પછી સાડા દસ વર્ષની સરેરાશ સાથે ૯,૨૬૭ સ્ત્રી પર નજર રખાઈ હતી. આ ગાળામાં ૧,૪૪૮ સ્ત્રીને ફરી બ્રેસ્ટ કેન્સર થયું હતું, ૧,૫૨૧નાં મોત થયાં હતાં, જેમાંથી ૯૯૦ મોત બ્રેસ્ટ કેન્સરથી થયાં હતાં.
• બોરિસ જ્હોન્સનનો ટીપ્પણી વિવાદ
ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને પ્રોક્સી યુદ્ધોમાં સાઉદી અરેબિયાની કથિત ભૂમિકાઓ વિશે પોતાની વિવાદાસ્પદ ટીપ્પણીઓમાંથી પીછેહઠનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની ટીપ્પણીઓની ખોટી રજૂઆત કરવામાં આવી છે. તેમણે રિયાધમાં કહ્યું હતું કે બ્રિટન માટે સાઉદી અરેબિયા વિશેષ મહત્ત્વ ધરાવે છે. બીજી તરફ, સાઉદી સરકારે આ ટીપ્પણીથી બે દીર્ઘકાલીન મિત્ર રાષ્ટ્રોના સંબંધને કોઈ અસર થયાનું નકારી આ પ્રકરણ બંધ થયાનું જણાવ્યું હતું.
• વર્કર્સમાં ગરીબોની સંખ્યા વધી
યુકેના વર્કર્સમાં ગરીબોની સંખ્યા વધી છે. આશરે ૩.૮ મિલિયન અથવા આઠમાંથી એક વર્કરને ગરીબીની અસર થઈ હોવાનું જોસેફ રાઉનટ્રી ફાઉન્ડેશનના અભ્યાસમાં બહાર આવ્યું છે. ૨૦૧૦ પછી મધ્યમવર્ગીય ૬૦ ટકા તરીકે વ્યાખ્યા કરાયેલા સમગ્રતયા ગરીબોની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ, કામ કરતા ગરીબોની સંખ્યામાં ૧.૧ મિલિયનનો વધારો થયો છે. આ માટે હાઉસિંગ કોસ્ટ અને ખાનગી ભાડાંના સેક્ટરમાં અસલામતીને કારણભૂત ગણાયાં છે.
• વિશાળ કમરથી ૯૨ ટકા સ્ત્રીઓને જોખમ
જીવનના પચાસમા અને સાઈઠના દાયકામાં જીવતા ૯૨ ટકા સ્ત્રી અને ૮૦ ટકા પુરુષ અતિ વિશાળ કમર ધરાવે છે, જેના કારણે તેમનું જીવન હાર્ટ ડીસીઝ અને ડાયાબીટીસના કારણે ભારે જોખમમાં મૂકાય છે. ચીફ મેડિકલ ઓફિસર ડેમ સેલી ડેવિસના જણાવ્યા અનુસાર દેશનું સ્વાસ્થ્ય સુધારવા માટે લોકોની કમરની સાઈઝની સમસ્યા ઉકેલવી ખાસ જરુરી છે. બેબી બૂમ જનરેશનના સભ્યોએ તેમનું વજન ઘટાડવાની ખાસ આવશ્યકતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ૫૦-૭૦ વયજૂથની ૬૬ ટકા સ્ત્રીઓ અને લગભગ ૫૦ ટકા પુરુષ ઓવરવેઈટ હોવાનું તેમણે કહ્યું હતું.

