બોર્ડર પોલીસે ગત વર્ષમાં ૫૬,૦૦૦ માઈગ્રન્ટ્સને ફ્રાન્સમાંથી બ્રિટનના કેન્ટમાં ગેરકાયદે પ્રવેશ કરતા અટકાવ્યાં છે. પોલીસ ઓફિસરોએ દરરોજ લગભગ ૧૫૩ પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા, જે ગત સાત વર્ષમાં બીજા ક્રમે આવે છે. આંકડાઓ મુજબ મુખ્યત્વે ફ્રાન્સના કેલે અને ડન્કર્ક પોર્ટ્સ તેમજ યુરોટનલ અને યુરોસ્ટાર ટર્મિનલ્સમાં છુપાઈને યુકેમાં ઘૂસણખોરીના પ્રયાસ કરાયા હતા.
• યુકેના માર્ગો પર ડ્રાઈવરલેસ લોરીઓ દોડશે
યુએસ અને યુરોપના માર્ગો પર નવી ટેકનોલોજીના સફળ પ્રયોગો પછી યુકેમાં પણ આગામી વર્ષે માર્ગો પર ડ્રાઈવરલેસ લોરીઓ દોડાવવાનો પ્રયોગ હાથ ધરાશે તેવી જાહેરાત મિનિસ્ટર્સ દ્વારા કરવામાં આવી છે. ઓટોમેટેડ કોન્વોય તરીકે ત્રણ લોરી દોડાવાશે, જેમાં પ્રથમ લોરીમાં એક ડ્રાઈવરના હાથમાં વાહનની ગતિ અને બ્રેકની સિસ્ટમનું નિયંત્રણ રહેશે. જોકે, AA દ્વારા વિરોધ સાથે ચેતવણી અપાઈ છે કે આ યોજના વાહનચાલકો માટે જોખમ સર્જી શકે છે. આ ટેકનોલોજી યુકેના માર્ગો માટે યોગ્ય નથી.
• ગ્રેનફેલ રીહાઉસિંગ યોજનાને મંજૂરી
કેન્સિંગ્ટન અને ચેલ્સી કાઉન્સિલે ગ્રેનફેલ ટાવરની આગમાં બચી ગયેલા લોકોને નવા ઘરમાં વસાવવા માટે ૭૬.૫ મિલિયન પાઉન્ડના પેકેજને બહાલી આપી છે. આ પેકેજમાં ખાનગી સોશિયલ હાઉસિંગ પ્રોવાઈડર્સ પાસેથી મકાન ખરીદવા ૪૦ મિલિયન પાઉન્ડ તેમજ ખુલ્લા બજારમાંથી મકાનો ખરીદવા વધુ ૨૦ મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે. ટાવરમાં અથવા પાસેના ગ્રેનફેલ વોકમાં ફ્લેટ્સના માલિકોએ પોતાના ઘર છોડવાની ફરજ પડી હતી તેમને પણ ૧૬.૫ મિલિયન પાઉન્ડ વળતર આપવામાં ખર્ચાશે.
• નેશનલ ટ્રસ્ટે ભાડાંમાં ૧૦,૦૦૦ ટકા વધારાની માગણી કરી
દેશના સૌથી મોટી કન્ઝર્વેશન ચેરિટી નેશનલ ટ્રસ્ટે સેંકડો લીઝહોલ્ડ ભાડૂતો પાસેથી ગ્રાઉન્ડ રેન્ટમાં ૧૦,૦૦૦ ટકા સુધી વધારાની માગણી કરતાં તેની સામે ભારે નફો રળવાનો આક્ષેપ લગાવાયો છે. નેશનલ ટ્રસ્ટના ટેનન્ટ એસોસિયેશને ચેરિટીના વર્તન સામે તપાસની માગણી ઉઠાવી છે. ચેરિટીએ ૮૭ વર્ષના એક વૃદ્ધ નિવાસીને તેનું વાર્ષિક ભાડું ૧૪૮ પાઉન્ડથી વધારી ૧૫,૦૦૦ પાઉન્ડ કરવામાં આવ્યું હોવાની નોટિસ પાઠવતા હોબાળો મચ્યો છે.

