બ્રિટન સીધા વિદેશી મૂડીરોકાણ (FDI) માટે ગયા વર્ષે યુરોપમાં ટોચના સ્થાને અને દુનિયામાં અમેરિકા પછી બીજા સ્થાને હતું. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના આંકડા મુજબ બ્રિટનમાં ૨૦૧૫માં મૂડીરોકાણ ૩૩ બિલિયન પાઉન્ડ હતું તે ખૂબ વધીને ચીન કરતાં વધારે ૨૫૩. ૭ બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયું હતું. ચીનમાં ૧૭૦.૬ બિલિયન પાઉન્ડનું રોકાણ થયું હતું. યુકેમાં ૨૦૦૫ પછીનું આ સૌથી વધુ મૂડીરોકાણ હતું.
• પાઉન્ડની ઓછી રકમ ચૂકવતા એરપોર્ટ મનીચેન્જર્સ
પાઉન્ડમાં સુધારો થયો હોવા છતાં એરપોર્ટ પરના બ્યૂરેક્સ દ ચેન્જ યુરોની સરખામણીમાં પાઉન્ડની ઓછી કિંમત ચૂકવે છે. વેકેશન ગાળવા જતા પ્રવાસીઓને સાઉધમ્પટન એરપોર્ટ પર પાઉન્ડના હાલના મૂલ્ય કરતાં ૨૦ ટકા ઓછું મૂલ્ય ચૂકવાયું હતું. તેમને એક પાઉન્ડની સામે ૦.૯૪ યુરો અપાયા હતા.
• સીટ છોડનારા પ્રવાસીને એરલાઈન્સ૧૦૦૦૦ ડોલર અપાશે
યુનાઈટેડ એરલાઈન્સે હવે ઓવરસોલ્ડ ફ્લાઈટ્સમાં પોતાની સીટ જતી કરનારા પ્રવાસીને વળતર તરીકે ચૂકવવાની રકમ વધારીને ૧૦ હજાર ડોલર (૭,૭૫૦ પાઉન્ડ) કરી છે. કંપનીએ ઓવરબુકિંગ ઘટાડવાની પણ ખાતરી આપી હતી.
• ‘મને મત ન આપશો’ ઉમેદવારની અપીલ
સામાન્ય રીતે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે ઉમેદવારો પોતાને મત આપવા માટે મતદારોને સમજાવતા હોય છે. પરંતુ, લેર્વિક નોર્થની શેટલેન્ડ કાઉન્સિલ બેઠક માટેના કન્ઝર્વેટિવ પાર્ટીના ૭૩ વર્ષીય ઉમેદવાર થોમસ વિલિયમસને લોકોને પોતાને મત ન આપવા આગ્રહ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમને ભૂલથી ઉમેદવાર બનાવાયા છે. જ્યારે પક્ષના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિલિયમસને ઉમેદવાર તરીકે સંમતિ આપતા પેપર્સ પર સહી કરી છે.
• યુકે દ્વારા ૧૧૮,૦૦૦ ઈમિગ્રન્ટ્સને સિટીઝનશિપ
યુકેએ ૨૦૧૫માં ઈયુના સભ્ય દેશોમાં બીજા ક્રમે ૧૮,૪૦૦ ભારતીય, ૧૩,૦૦૦ પાકિસ્તાની અને ૮,૧૦૦ નાઈજીરીયન સહિત ૧૧૮,૦૦૦ ઈમિગ્રન્ટને નવી સિટીઝનશીપ આપી હતી. ઈયુમાં દર સાત નવા નાગરિકમાં એક બ્રિટનનો હતો. ઈયુમાં આ ગાળામાં ૮૪૦,૦૦૦ લોકોને નાગરિકત્વ અપાયું હતું, જેમાં ૧૭૮,૦૦૦ લોકોને નાગરિકત્વ આપીને ઈટાલી સૌથી ટોચ પર હતું.

