યુકેના ફોરેન સેક્રેટરી બોરીસ જહોન્સને લંડનમાં યોજાયેલી એંગ્લો-ફ્રેન્ચ સમિટમાં સૂચવ્યું હતું કે બ્રિટન અને ફ્રાંસે બન્ને દેશને જોડવા માટે ખાડી પર પૂલ બાંધવો જોઈએ. ફ્રાંસના પ્રમુખ ઈમાનુએલ મેક્રોને જહોન્સનના વિચાર સાથે સંમતિ દર્શાવી હતી. જોકે, ફ્રાંસના ફાઈનાન્સ મિનિસ્ટરે જહોન્સનના વિચારને વિનમ્રપણે નકારતા જણાવ્યું હતું કે નવી યોજના વિશે વિચારીએ તે પહેલા જે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તે પૂરા કરવાના છે.
• હોમિયોપેથી ડોક્ટરો NHSને કોર્ટમાં લઈ જશે
વૈકલ્પિક દવાઓ માટેનું ભંડોળ અટકાવી દેવાના નિર્ણયને લીધે NHS સામે હોમિયોપેથ ડોક્ટરો દ્વારા કાનૂની પગલાંનો પડકાર ઉભો થયો છે. બ્રિટિશ હોમિયોપેથીક એસોસિએશન (BHS) એ NHSમાં હોમિયોપેથી પદ્ધતિના ઉપયોગને સમર્થન આપે તેવો કોઈ સ્પષ્ટ પુરાવો ન હોવાનું તારણ રજૂ કરનારી ‘સૈદ્ધાંતિક ક્ષતિવાળી’ પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષા માટે અરજી કરી છે. BHS દ્વારા જણાવાયું હતું કે તે દર્દીના વિકલ્પનું રક્ષણ કરવા માગે છે પરંતુ, કાનૂની પગલાંને લીધે નર્સોને ચૂકવવાના નાણાં વકીલોની ફી ચૂકવવામાં જશે.
• ‘હાઉસવાઈફે’ ગર્લફ્રેન્ડના મકાનમાં હિસ્સો માગ્યો
બે મહિલા ૪૩ વર્ષીય બેરોજગાર લો ગ્રેજ્યુએટ શ્રી લાડવા તેની ૪૫ વર્ષીય બિઝનેસવુમન પાર્ટનર બેવરલી ચેપમેન સાથે ૧૬ વર્ષ રહી હતી. પરંતુ, તેની કોઈ કાયમી નોકરી ન હતી. તેમના સંબંધનો ૨૦૧૬માં અંત આવ્યો હતો. નોર્થઈસ્ટ લંડનનાં ચીંગફર્ડમાં આવેલું તેમનું મકાન સંયુક્ત માલિકીનું છે. હવે તે ‘હાઉસવાઈફ’ હોવાનું કહીને તેમના ૧.૩ મિલિયન પાઉન્ડના મકાનમાં ભાગ માગી રહી છે. બિલ્ડીંગ કંપનીના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતી ચેપમેન તેમનો ખર્ચ ઉઠાવતી હતી અને મોર્ગેજ પણ તેણે ચૂકવ્યું હતું.
• બ્લડ ટેસ્ટથી સામાન્ય કેન્સરનું નિદાન થઈ શકશે
વૈજ્ઞાનિકોએ આઠ પ્રકારના સામાન્યપણે જોવા મળતા કેન્સરનું નિદાન થઈ શકે તેવો સરળ બ્લડ ટેસ્ટ વિક્સાવ્યો છે. તેમને આશા છે કે ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના સ્ક્રિનીંગમાં થશે અને રોગના લક્ષણો દેખાય તે પહેલા જ તેની જાણ થઈ શકશે. ‘કેન્સરસીક’ તરીકે ઓળખાતા આ ટેસ્ટ કેન્સર હોય ત્યારે લોહીમાં દેખાતા લક્ષણો શોધે છે. ગાંઠ દેખાયા પછી તે લોહીના પ્રવાહમાં ફેરફાર પામેલા DNA છોડે છે.
• બ્રેક્ઝિટ અનિશ્ચિતતાને લીધે ધીરાણમાં ઘટાડો
બ્રેક્ઝિટ અનિશ્ચિતતાને લીધે અરજદારો સતર્ક થતાં તેમજ યુરોપિયન ઈન્વેસ્ટમેન્ટ બેંકે વધારાની જોગવાઈઓ કરતાં બેંક દ્વારા બ્રિટનને અપાતા નવા ધીરાણમાં ગયા વર્ષ કરતાં લગભગ ૬૬ ટકા ઘટાડો થયો હતો. ૨૦૧૬માં ૫.૫૪ બિલિયન પાઉન્ડ સામે ૨૦૧૭માં માત્ર ૧.૮૯ બિલિયન પાઉન્ડનું ધીરાણ યુકેને કરાયું હતું. થેરેસા મેની સરકારે ઈયુ છોડવા માટે આર્ટિકલ ૫૦ની પ્રક્રિયા શરૂ કરી તેના નવ મહિના બાદ માત્ર ૩૭૭ મિલિયન પાઉન્ડનું ધીરાણ મળ્યું હતું.

