યુકે કેર હોમનું ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન

Tuesday 26th September 2023 14:46 EDT
 

લંડનઃ કેર ક્વોલિટી કમિશને કેર હોમ્સના નિવાસીઓ સાથે ખરાબ વર્તનના સંદર્ભે સરેના લક્ઝરિયસ રેઈગેટ ગ્રેન્જ કેર હોમનું ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે. ડિમેન્શીઆથી પીડાતા 88 વર્ષીય પેશન્ટ એન કિંગ સાથે કેર હોમના સ્ટાફ દ્વારા શારીરિક અને મૌખિક અત્યંત ખરાબ અમાનવીય વર્તાવ કરાતો હોવાનું ગુપ્ત વીડિયો કેમેરાના ફૂટેજમાં બહાર આવ્યા પછી આ પગલું લેવાયું છે. એન કિંગના બાળકો દ્વારા પોલીસને આની માહિતી અપાઈ હતી. ગયા વર્ષે યુકેના કેર હોમ્સમાં બેકાળજી અથવા ખરાબ વર્તાવના 1000થી વધુ આક્ષેપો કરાયા હતા પરંતુ, કોઈની સામે ક્રિમિનલ ચાર્જ લગાવાયો ન હતો. ઈંગ્લેન્ડમાં તપાસ કરાયેલા તમામ કેર હોમ્સમાં લગભગ અડધોઅડધ સ્થળોએ બરાબર સારસંભાળ લેતી ન હોવાનું જણાયું હતું.

ડેટિંગ સાઈટ્સ પર મહિલાઓ સાથે ફ્રોડ

લંડનઃ ડેટિંગ સાઈટ્સ પર મળેલી એકલવાયી મહિલાઓ પાસેથી હજારો પાઉન્ડ પડાવનારા 44 વર્ષીય ખાલિદ મહમૂદને ખોટી ઓળખ અને ચોરીના ગુના બદલ ઈનર લંડન ક્રાઉન કોર્ટ દ્વારા નવ મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. જોકે, આ સજા નવ મહિના માટે સસ્પેન્ડ રખાઈ હતી. તેણે 20,000 પાઉન્ડનું વળતર ચૂકવવા ઉપરાંત, 200 કલાક અવેતન કામ કરવાનું રહેશે. તેણે ખોટી ઓળખ અને ચોરીના ગુના કબૂલી લીધા હતા. તેણે માર્ચ 2020માં કિંગ્સ ક્રોસ સ્ટેશનની બહાર મળેલી મહિલાને 6,000 પાઉન્ડની ચૂકવણી કરાય તો ગોલ્ડ ટ્રેડિંગ ક્લબની એક્સ્ક્લુઝિવ મેમ્બરશિપ આપવાનો વાયદો કર્યો હતો. નાણા મેળવીને તે નાસી ઝૂટ્યો હતો. નવેમ્બરમાં પણ તેણે અન્ય મહિલા પાસેથી 7,000 પાઉન્ડ ઓળવી લીધા હતા. જુલાઈ 2021માં પણ અન્ય મહિલા સાથે તેણે આ રીતે 4,000 પાઉન્ડની છેતરપિંડી કરી હતી. ગયા વર્ષે એપ્રિલમાં બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે તેની ધરપકડ કરી હતી.

બનાવટી પોલીસનો વૃદ્ધ દંપતી પાસે નાણા પડાવવાનો કારસો

લંડનઃ પોલીસ ઓફિસર હોવાનો દાવો કરતી વ્યક્તિએ વૃદ્ધ દંપતીને તેમના એકાઉન્ટમાંથી નાણા ઉપાડવા જણાવવાની ઘટનામાં થેમ્સ વેલી પોલીસે તેની ધરપકડ કરી છે. મેઈડનહીડમાં ખોટી ઓળખ આપી છેતરપીંડીના ગુનાની આ ઘટના 13 સપ્ટેમ્બરની હતી જેમાં વેસ્ટ લંડનની 25 વર્ષીય વ્યક્તિએ વૃદ્ધ દંપતીનો સંપર્ક કર્યો હતો અને તેમના ખાતામાંથી નાણા ઉપાડવા જણાવ્યું હતું. તપાસ ચાલી રહી છે ત્યાં સુધી આ વ્યક્તિને જામીન પર છોડાયો છે. સેન્ટ્રલ ફ્રોડ યુનિટના ડિટેક્ટિવ ડન્કન વિને જણાવ્યું હતું કે પોલીસ અથવા તો બેન્ક દ્વારા કદી તમારા પિન નંબર પૂછાતા નથી, બેન્ક કાર્ડ્સ, ફોન અથવા કિંમતી ચીજવસ્તુઓ મેળવવા કુરિયર મોકલાતા નથી કે નાણા ઉપાડવા કે ટ્રાન્સફર કરવા તમને કહેવાતું નથી.

શોપ મેનેજરે 15,000 પાઉન્ડની ઉચાપત કરી

લંડનઃ લેસ્ટરમાં નારબરો રોડ પરની વન સ્ટોપ કન્વિનીઅન્સ શોપના મેનેજર ઝીશાન વોરાએ માત્ર આઠ દિવસના ગાળામાં આશરે 15,000 પાઉન્ડની ઉચાપત કરી હતી. જોકે, તેના અપરાધ રીટેઈલ ચેઈનની હેડ ઓફિસની નજરમાં આવી ગયા હતા. યુકેમાં વર્કિંગ વિઝા પર રહેતા ઝીશાને મોટા ભાગની ઉચાપત ભારતમાં રહેતા તેના પિતાના મેડિકલ બિલ્સ ચૂકવવા કરી હોવાની રજૂઆતના પગલે તેને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા આઠ મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી પરંતુ, તેને 18 મહિના સસ્પેન્ડ રાખવામાં આવી હતી. ઝીશાનની પત્નીના પિતાએ ચાર સપ્તાહમાં વન સ્ટોપ શોપને 14,910 પાઉન્ડ વળતર ચૂકવી આપવાની તૈયારી દર્શાવી હતી. ઝીશાનને 425 પાઉન્ડ કોર્ટ કોસ્ટ ચૂકવવા અને તેની કોમ્યુનિટીમાં 100 કલાક અવેતન કામ કરવા આદેશ કરાયો હતો. જજે અપરાધના કેસ દાખલ કરવામાં ભારે વિલબ બદલ લેસ્ટરશાયર પોલીસની આકરી ટીકા કરી હતી.

 ડ્રગ્સ ભરેલી સૂટકેસ સાથે મનજિન્દર પામાને ઝડપી લેવાયો

લંડનઃ પોલીસે મિડલેન્ડ્સના વિસ્તારોમાં ડ્રગ્સનો સપ્લાય કરતા મનજિન્દર પામાને એક આખી સૂટકેસ ભરેલા ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો.વૂલ્વરહેમ્પટનમાં છૂપાવાના સ્થળેથી ડ્રગ્સ લઇને નીકળતા મનજિન્દરને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસને એક મોબાઇલ ફોનમાંથી ડ્રગ્સની માગ કરતા મેસેજ મળી આવ્યા બાદ મનજિન્દરનો નંબર ટ્રેસ કરીને તેના છૂપાવાના સ્થળે દરોડો પડાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter