લંડનઃ કન્ઝર્વેટિવ સાંસદ અને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ફોર સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીઝ (CBDC)ના ચેરમેન મારકસ ફીશે વડા પ્રધાન રિશિ સુનાક અને ચાન્સેલર જેરેમી હન્ટને પત્ર લખી સેન્ટ્રલાઈઝ્ડ ડિજિટલ કરન્સી જોખમી હોવા વિશે ચિંતા વ્યક્ત કરી ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેનાથી પ્રાઈવસી જળવાશે નહિ અને તેની સામે જોખમ ઉભું થશે. ફીશે તેના આર્થિક લાભો મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ડિજિટલ કરન્સી જારી કરવા બાબતે કન્સલ્ટેશન અંગે આવેલા પ્રતિભાવો જાહેર કરવાની માગણી પણ કરી હતી. બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા સંભવતઃ જારી કરાનાર બ્રિટિશ સીબીડીસી સ્ટર્લિંગનું નવું સ્વરૂપ હશે જે ‘બ્રિટકોઈન’ નામે ઓળખાશે અને નાણાના ઉપયોગ જેવું જ હશે તેમજ કન્ઝ્યુમર્સ ઓનલાઈન ઉપયોગ માટે વર્ચ્યુઅલ વોલેટમાં રાખી શકાશે.
તેજસ્વી વિદ્યાર્થીનું ઓક્સફર્ડમાં અભ્યાસનું સ્વપ્ન રોળાયું
લંડનઃ માત્ર આઠ વર્ષની વયે મેથ્સ GCSE પાસ કરનારા તેજસ્વી વિદ્યાર્થી જેક ગ્રેહામનું ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે. એક્ઝામ બોર્ડ દ્વારા જેકના પેપર ગુમ થઈ ગયા હોવાથી ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેને પ્રવેશ નકારી કાઢ્યો છે. ગ્રેહામને આ વર્ષે પ્રતિષ્ઠિત લિંકન કોલેજમાં મેથેમેટિક્સના અભ્યાસની શરતી ઓફર મળી હતી. જેક ગ્રેહામે મે મહિનામાં A લેવલ મેથ્સની પરીક્ષા આપી હતી અને તેને ગ્રેડ મળવાની ધારણા હતી પરંતુ, એક્ઝામ બોર્ડ OCR દ્વારા જેકનું એક પેપર આડુંઅવળું થઈ જતાં તેને A ગ્રેડ અપાયો હતો. જેના સહાધ્યાયીઓની સરેરાશ પર આ ગ્રેડની ગણતરી કરવામાં આવી હતી જેનાથી જેકને નુકસાન ગયું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશના ધારાધોરણો પૂર્– કરવામાં નિષ્ફળ જવાથી તેને કરાયેલી પ્રવેશની ઓફર ફગાવી દેવાઈ હતી. જેક હવે યુકેમાં મેથેમેટિક્ટ્સ માટે ત્રીજા ક્રમની શ્રેષ્ઠ વોરવિક યુનિવર્સિટીમાં ચાર વર્ષ અભ્યાસ કરશે.
ટોરી એજીએમમાં એશિયન નેતાઓ અને કાર્યકરો સાથે વંશીય ભેદભાવનો આરોપ
લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટીની બ્લેક કન્ટ્રી શાખા ખાતે આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં વંશીય ભેદભાવ કરાયો હોવાનો આરોપ ડઝનો એશિયન કાર્યકર્તાઓએ મૂકી પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરી છે. 9 સપ્ટેમ્બરે આલ્ડબ્રિજ-બ્રાઇનહીલ્સ કન્ઝર્વેટિવ એસોસિએશનની મિટિંગમાં ભેદભાવની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવતાં કાર્યકરોએ મિટિંગનો બહિષ્કાર કરી દીધો હતો. કેટલાક કાર્યકરોએ તો પાર્ટી છોડી દેવા તો કેટલાકે ફરીવાર વાર્ષિક સામાન્ય સભા યોજવાની માગ કરી હતી. ટોરી પાર્ટીના અગ્રણીઓએ ફરિયાદ કરનારાઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ મિટિંગની સમીક્ષા કરી રહ્યાં છે.
ચૂંટાયેલા એશિયન કાઉન્સિલરો અને કાર્યકર્તાઓએ ગંભીર આરોપ મૂકતા જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં પ્રવેશ માટે તેમની પાસે ફોટો આઇડીની માગ કરાઇ હતી જ્યારે શ્વેત નેતાઓ અને કાર્યકરો પાસે આ પ્રકારની કોઇ માગ કરાઇ નહોતી.
હન્ટ અને ગોવની બેઠકો પર એડ ડેવીની નજર
લંડનઃ લિબરલ ડેમોક્રેટ નેતા સર એડ ડેવી ગઠબંધન સરકારના એક સમયના સાથીઓ જેરેમી હન્ટ અને માઈકલ ગોવની રાજકીય કારકીર્દિ ખતમ કરવા વિચારી રહ્યા છે. લિબરલ ડેમોક્રેટ્સ આગામી જનરલ ઈલેક્શનમાં લંડનના કોમ્યુટર બેલ્ટનાં સંસદીય બેઠકો હાંસલ કરવા ધારે છે ત્યારે તેમની નજરમાં ચાન્સેલર હન્ટનું સરે મતક્ષેત્ર પણ મુખ્ય છે. લિબ ડેમ્સ લંડન અને વ્યાપક સાઉથ ઈસ્ટની બેઠકો વિમ્બ્લડન, કાર્લટોન એન્ડ વેલિંગ્ટન, એસ્થર એન્ડ વોલ્ટન, ગિલ્ડફોર્ડ, સરે હીથ (માઈકલ ગોવ), એશ એન્ડ ગોડાલ્મિંગ (હન્ટ), સાઉથ વેસ્ટ સરે, વિન્ચેસ્ટર, સાઉથ કેમ્બ્રિજશાયર, લ્યૂઝ, ઈસ્ટબોર્ન, હિટચીન, હાર્પેન્ડેન, એન્ડ બેર્ખેમસ્ટીડ,વોકિંઘામ, સેન્ટ નીઓટ્સ એન્ડ મિડ કેમ્બ્સ સંસદીય બેઠકો પર લાંબા સમયથી નિશાન સાધી રહ્યા છે.
ઓંકાર સાહોટાએ સમર્થન ગુમાવ્યું
લંડનઃ મેયર સાદિક ખાનના સાથી અને ઈલિંગ એન્ડ હિલિંગ્ડોનના લંડન એસેમ્બલીના પ્રતિનિધિ ડો. ઓંકાર સાહોટા ઉલેઝના વિસ્તરણને સમર્થન મુદ્દે પાર્ટીમાંથી સ્થાનિક કાર્યકરોના વિરોધનો સામનો કરી રહ્યા છે. ડો. સાહોટાની બેઠકમાં છ સંસદીય મતક્ષેત્રમાંથી ત્રણમાં લેબર એસોસિયેશન્સે સંપૂર્ણ સિલેક્શન પ્રોસેસ મુદ્દે મતદાનમાં બહુમતી પ્રાપ્ત કરી છે. આના પરિણામે, આગામી મે મહિનામાં તેમણે ફરી ચૂંટાવું હશે તો સંપૂર્ણ સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થવું પડશે. 2024માં લેબર પાર્ટીના ઉમેદવાર બનવા અન્યો પણ મેદાનમાં આવી શકે છે.

