• બ્રિટનના ૬૩ ટકા પુખ્તો સ્થુળકાય

Wednesday 22nd November 2017 08:12 EST
 

બ્રિટનમાં અન્ય કોઈ વિકસીત દેશ કરતાં વધુ ઝડપે મેદસ્વીતા વધતી હોવાથી પશ્ચિમ યુરોપમાં બ્રિટન સૌથી મેદસ્વી દેશ ગણાય છે. બે દાયકામાં મેદસ્વીતાનો દર વધીને બમણો થઈ ગયો છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના અહેવાલ મુજબ બે વર્ષ અગાઉ સૌથી મેદસ્વી વિકસીત દેશોમાં દસમા ક્રમેથી બ્રિટન છઠ્ઠા ક્રમે આવી ગયો છે.

• બ્રિટિશ પરિવારો પાલતુ પ્રાણીઓને લઈ જઈ શકશે નહીં

બ્રેક્ઝિટના ઈયુના મુખ્ય વાટાઘાટકાર માઈકલ બાર્નિયરે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટ વાટાઘાટો પડી ભાંગશે તો બ્રિટિશ પરિવારો તેમના પાલતુ ડોગ અથવા કેટને યુરોપિયન યુનિયનના દેશોમાં લઈ જઈ શકશે નહીં. બ્રિટિશ લોકોને પ્રાણીઓને હડકવાની રસી અપાઈ હોવાનું પ્રમાણિત કરતો પેટ પાસપોર્ટ અપાય છે.

• છેતરપિંડી કરતા ઝડપાતા શિક્ષકોના પ્રમાણમાં વધારો

પોતાના વિદ્યાર્થીઓનું GCSE અને A લેવલનું પરિણામ ઉંચુ લાવવા છેતરપિંડીનો આશ્રય લેતા ઝડપાયેલા શિક્ષકોની સંખ્યા છેલ્લાં ચાર વર્ષમાં વધીને ચાર ગણી થઈ છે. રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના સંશોધનમાં જણાયું હતું કે ટેસ્ટ, લીગ ટેબલ્સ અને ઈન્સ્પેક્શનમાં વિદ્યાર્થીઓને વધુ પડતી મદદ કરવા માટે શિક્ષકોને ગયા વર્ષે કુલ ૩૮૮ પેનલ્ટી ઈસ્યુ કરાઈ હતી. જ્યારે ૨૦૧૩માં ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ૯૭ પેનલ્ટી ઈસ્યુ થઈ હતી.

• ગે ટાઈમ્સના વડા દ્વારા લઘુમતીઓની ટીકા

બ્રિટનના સૌથી જૂના ગે મેગેઝિન 'ગે ટાઈમ્સ'ના નવા તંત્રી ૩૧ વર્ષીય જોશ રીવર્સે જ્યુઈશ, સમલૈંગિક, એશિયન, મહિલાઓ અને વિકલાંગ લોકો વિશે કરેલા અપમાનજનક ટ્વીટ્સ બદલ થોડા અઠવાડિયા માટે તેમને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવાયા હતા. યુકેમાં પુરુષો માટેના આ મેગેઝિન માટે તેઓ પ્રથમ વંશીય લઘુમતિના તંત્રી હતા.

• વિકલાંગ જેહાદીએ ભાઈને ISમાં જોડાવા મદદ કરી

વિકલાંગ જેહાદી ૨૪ વર્ષીય અબ્દલરઉફ અબ્દલ્લાએ પોતાના ૨૬ વર્ષીય ભાઈ મોહમ્મદ અબ્દલ્લાને આઈએસમાં જોડાવા માટે સીરિયા જવા પોતાના સંપર્કોનો ઉપયોગ કર્યો હતો. તેણે ભાઈ માટે ૨૦૦૦ પાઉન્ડ અને મશીનગનની પણ વ્યવસ્થા કરાવી હતી. માન્ચેસ્ટરના મોસ સાઈડના મોહમ્મદ પર આઈએસનો સભ્ય હોવાના આરોપસર ઓલ્ડ બેઇલી કોર્ટમાં કાર્યવાહી ચાલે છે. ૨૦૧૧માં લીબિયામાં લડાઈમાં ગોળી વાગતા તે વિકલાંગ બન્યો હતો.

લેબર એક્ટિવિસ્ટને કાઉન્સિલની ચૂંટણી લડવા પર પ્રતિબંધ

જ્યુઈશ લોકો વિરોધી નિવેદન કરવા બદલ લેબર એક્ટિવિસ્ટ ૩૭ વર્ષીય નસરીન ખાનને બ્રેડફર્ડમાં લેબર વોર્ડ માટેની ચૂંટણીની આખરી યાદીમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. રિસ્પેક્ટ પાર્ટીના આ પૂર્વ સભ્યે ૨૦૧૨માં ઓનલાઈન નિવેદન આપ્યું હતું કે હીટલર ખરાબ હતા તેવું બાળકોના મનમાં ઠસાવવા ટીચરો વિદ્યાર્થીઓનું બ્રેઈનવોશ કરે છે. કાઉન્સિલના બે ઉમેદવારો પૈકી તેઓ એક હતા.

બ્રેસ્ટ કેન્સરને અટકાવવામાં સફળ દવાને માન્યતા

બ્રેસ્ટ કેન્સરને ઓછામાં ઓછું દસ મહિના સુધી અટકાવી રાખવામાં સફળ પૂરવાર થયેલી બે દવાને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (Nice) દ્વારા માન્યતા અપાઈ હતી. Nice એ આ બે દવા પાલ્બોસીક્લીબ અને રિબોસીક્લીબને ઈંગ્લેન્ડમાં વ્યાપક ઉપયોગ માટે મંજૂરી આપી હતી.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter