બ્રિટનના અર્થતંત્રે વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં વધુ ગતિ પકડી છે. એપ્રિલ-જૂન સુધીના ત્રણ મહિનામાં અર્થતંત્રનો વિકાસ ૦.૭ ટકા રહ્યો હતો, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૦.૪ ટકા હતો. આ સુધારા માટે સર્વિસ સેક્ટર કારણભૂત રહ્યું છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી અને અન્ય સર્વિસીસ નબળાં પડેલાં આર્થિક વિકાસને મજબૂત બનાવી રહેલ છે. ઊંચા નોર્થ સી પ્રોડક્શનના કારણે ઔદ્યોગિક પેદાશોમાં પણ ઉછાળો આવ્યો છે. જોકે, મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર નબળાં રહ્યાં છે.
• વડા પ્રધાન બનવા ઈચ્છુક જેહાદી યુવાનનું મોત
બ્રિટનના પ્રથમ એશિયન વડા પ્રધાન બનવાની તમન્ના ધરાવતા કાર્ડિફના ૨૧ વર્ષના ઈસ્લામિક સ્ટેટ જેહાદી રીયાદ ખાનનું સીરિયામાં મોત થયું હતું. રીયાદ નવેમ્બર ૨૦૧૩માં સીરિયા પહોંચ્યો હતો. કેન્ટોનિયન હાઈ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ખાને ૨૦૦૯માં યુથ ક્લબમાં પૂર્વ શેડો ચાન્સેલર એડ બોલ્સ સાથે મુલાકાતમાં પોતાની રાજકીય મહેચ્છા જાહેર કરી હતી. તે ગયા વર્ષે Isis ના પ્રચાર વિડીઓમાં પણ દેખાયો હતો.
• તરુણ બ્રિટિશ ત્રાસવાદી પોલીસની નજર હેઠળ હતો
બ્રિટનનો સૌથી નાની વયનો ત્રાસવાદી ઓસ્ટ્રેલિયામાં બોમ્બહુમલાની યોજના ઘડી રહ્યો હતો ત્યારે પણ પોલીસ અને સિક્યુરિટી સર્વિસીસની નજર હેઠળ હતો. ઈસ્લામિક સ્ટેટ સંગઠનનો ૧૪ વર્ષીય સમર્થક મેલબોર્નમાં પરેડ દરમિયાન પોલીસ અધિકારીના શિરોચ્છેદ માટે ઓસ્ટ્રેલિયન તરુણને ઉશ્કેરી રહ્યો હતો તેની પણ પોલીસને કોઈ શંકા ગઈ ન હતી. અન્ય મુદ્દે તેની ધરપકડ પછી ફોનની તપાસમાં બધી વિગતો બહાર આવી હતી. તેણે બ્લેકબર્નમાં વિસ્કોટકોના પરીક્ષણની પણ યોજના ઘડી હતી.
• એશિયન પુરુષોની ગેંગ દ્વારા હુમલો
ટાવરબ્રિજ ખાતે ૧૦થી ૧૨ એશિયન પુરુષોના જૂથ દ્વારા ૨૯ વર્ષના એકલા યુવક પર હુમલો કરાયાના આઘાતજનક સીસીટીવી ફૂટેજ જાહેર કરાતા ખળભળાટ મચ્યો છે. આ યુવક રવિવાર, ૩૧ મેની રાત્રે તેના મિત્રના લગ્નમાં હાજરી આપી ઘેર પાછો ફરી રહ્યો હતો ત્યારે ૧૦થી ૧૨ એશિયન યુવાનો કોઈ ઉશ્કેરણી વિના જ તેના પર તૂટી પડ્યા હતા. પોલીસે આ હુમલાખોરો વિશે માહિતી આપવા નાગરિકોને વિનંતી કરી છે.
• આ વર્ષ વિક્રમજનક ગરમીનું રહેશે
સ્પેન અને ફ્રાન્સમાં ગરમીનો પ્રકોપ, કેલિફોર્નિયા અને પોર્ટુગલમાં દુકાળ, ભારતમાં ગરમીના કારણે હજારોનાં મોત અને અલાસ્કાના જંગલોમાં આગની ઘટનાઓ સૂચવે છે કે આ વર્ષનું હવામાન અતિ વિષમ રહેશે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફરિક એડમિનિસ્ટ્રેશનના આંકડા અનુસાર વર્ષના જાન્યુઆરીથી જૂન સુધીના પ્રથમ છ મહિનામાં સરેરાશ વૈશ્વિક તાપમાન ૧૩૬ વર્ષોમાં સર્વોચ્ચ સ્તરે હતું. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આગામી ૫૦ વર્ષમાં સમુદ્રની સપાટીમાં ૧૦ ફૂટ જેટલો વધારો થશે, જેના પરિણામે ન્યૂ યોર્ક અને મિયામી જેવા શહેરો પર સંકટ આવશે.
• દોષિત પાદરી કોર્ટમાંથી નાસી છૂટ્યો
લગ્નો, અંતિમવિધિઓ અને કબ્રસ્તાન મેમોરિયલ્સ માટે ૨૪,૦૦૦ પાઉન્ડની ફી ખિસાભેગી કરવાના આરોપમાં દોષિત ઠરેલા ફાર્નહામ, સરેના પાદરી સિમોન રેનોલ્ડ્સને જ્યુરી સજા ફરમાવે તે પહેલા શેફિલ્ડ ક્રાઉન કોર્ટમાંથી નાસી છૂટ્યા હતા. સાઉથ યોર્કશાયરમાં બાર્ન્સ્લી નજીક ડાર્ટનના ઓલ સેઈન્ટ્સ ચર્ચના ઈન્ચાર્જ પાદરી રેનોલ્ડ્સ વિરામમાં ભોજન માટે ગયા પછી પરત આવ્યા ન હતા. હતા ત્યારે તેમણે શોકાતુર પરિવારો અને લગ્નોત્સુક દંપતીઓ દ્વારા અપાયેલી ફી ચર્ચને આપી ન હતી. તેની ધરપકડ માટે વોરન્ટ જારી કરાયું હતું.
• કોમ્પ્યુટર નિષ્ણાતે ૧,૪૦૦ની હત્યા માટે રિસિન પાઉડર ખરીદ્યો
લોકપ્રિય યુએસ ટેલિવિઝન સીરિઝ ‘બ્રેકિંગ બેડ’ પરથી પ્રેરિત સોફ્ટવેર પ્રોગ્રામર મોહમ્મદ અહમેર અલીને ઈન્ટરનેટ પરથી જીવલેણ રિસિન ઝેર ખરીદવા બદલ દોષિત ઠરાવાયો છે. તેને ૧૮ સપ્ટેમ્બરે સજા જાહેર કરાશે. જસ્ટિસ સૌન્ડર્સે સ્પષ્ટ કર્યું હતું કે અલી ત્રાસવાદી હુમલો કરવાનો હતો તેવાં કોઈ પુરાવા નથી. કોમ્પ્યુટર નિષ્ણાત મોહમ્મદ અલીએ ઈન્ટરનેટ મારફતે કાળાબજારમાં ૧,૪૦૦ વ્યક્તિની હત્યા થઈ શકે તેવા શક્તિશાળી રિસિન પાઉડરની પાંચ વાયલ ખરીદવા પ્રયાસ કર્યો હતો. તેણે આ માટે £૩૨૦ ચુકવ્યા હતા. જોકે, તેણે જેની પાસેથી આ પાઉડર ખરીદવા પ્રયાસ કર્યો તે FBI માટે કામ કરતો અન્ડરકવર એજન્ટ હતો અને તેણે અલીના લિવરપૂલના ઘરના સરનામે બનાવટી પાઉડર મોકલ્યો હતો. જોકે, અલી ત્રાસવાદી પ્રવૃત્તિ કે સંસ્થાઓ સાથે સંકળાયો હોવાના કોઈ પુરાવા પોલીસને સાંપડ્યા નથી. અલીએ રાસાયણિક વેપન્સ ધરાવવાના પ્રયાસના ગુનાનો ઈનકાર કર્યો છે.
• મહિલા પોલીસ અધિકારીએ બાળાનો જીવ બચાવ્યો
વેસ્ટ લંડનના માર્ગ પર જ અસ્થમાના હુમલાના કારણે પાંચ વર્ષની બાળા એડલીન માર્ક્વીસે શ્વાસ લેવાના બંધ કર્યા ત્યારે બહાદુર મહિલા પોલીસ અધિકારી મેલિસ્સા એલન-ટર્નરે તેનો જીવ બચાવ્યો હતો. એડલીન તેના માતાપિતા સાથે કારમાં મુસાફરી કરી રહી હતી ત્યારે તેને અસ્થમાનો એટેક આવ્યો હતો. એડલીનની છાતી પર વારંવાર દબાણ આપી મેલિસ્સાએ કાર્ડિયાક એરેસ્ટનું જોખમ દૂર કર્યું હતું. આ પછી તેને તત્કાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી.