બ્રસેલ્સના ચીફ નેગોશિયેટર માઈકલ બર્નિયરે ચેતવણી આપી છે કે થેરેસા મે આર્ટિકલ ૫૦નો આરંભ કરે તે પછી યુરોપિયન યુનિયન દ્વારા બ્રિટનને ૫૦ બિલિયન પાઉન્ડનું એક્ઝિટ બિલ અપાશે. તેમણે સાથીઓને કહ્યું હતું કે યુકેએ ૨૦૨૦ સુધી ઈયુ બજેટમાં વાર્ષિક સહયોગ આપતા રહેવું પડશે. આ ચુકવણીમાં બાકી પેન્શન્સ જવાબદારીઓમાં યુકેનો હિસ્સો, લોન ગેરન્ટીઓ અને યુકેસ્થિત પ્રોજેક્ટ્સમાં ખર્ચાનો સમાવેશ થાય છે. જોકે, વરિષ્ઠ કન્ઝર્વેટિવ સભ્યોએ આ માગણીને હસી કાઢી જણાવ્યું હતું કે આ વાટાઘાટો માટે ઈયુની પ્રાથમિક પોઝીશન હોઈ શકે છે.
• B&B ફેસિલિટીઝમાં ૨૫૦૦થી વધુ બાળકો ગેરકાયદે રખાયા
ઈંગ્લેન્ડની બેડ એન્ડ બ્રેકફાસ્ટ (B&B) ફેસિલિટીઝમાં ૨૫૦૦થી વધુ બાળકો સાથેના ૧૩૦૦ પરિવારને છ સપ્તાહથી વધુ સમય ગેરકાયદે રખાયા હોવાનું સત્તાવાર રિપોર્ટમાં જણાવાયું છે, જે ગત વર્ષની સરખામણીએ ૨૪ ટકાનો વધારો દર્શાવે છે. કાઉન્સિલો છેલ્લાં પગલાં તરીકે ઘરવિહોણાં પરિવારોને B&B ફેસિલિટીઝમાં રાખી શકે છે પરંતુ તે ગાળો છ સપ્તાહથી વધુ ન હોવો જોઈએ. ઈંગ્લેન્ડમાં ૧૧૭,૦૦ બાળકો સાથેના ૭૪,૬૩૦ પરિવારને તમામ પ્રકારના હંગામી ઘરમાં આશરો અપાયો હતો. એક અંદાજ અનુસાર ૨૫૦,૦૦૦થી વધુ લોકો હોસ્ટેલ્સ, હંગામી વસવાટ અથવા ગમે ત્યાં સૂઈ રહે છે.
• રુપર્ટ મર્ડોકનો સ્કાયને હસ્તગત કરવા પ્રયાસ
મીડિયા મુઘલ રુપર્ટ મર્ડોકની ટ્વેન્ટીફર્સ્ટ સેન્ટુરી ફોક્સ કંપનીએ પે-ટીવી ગ્રૂપ સ્કાયને હસ્તગત કરવા ૧૧.૭ બિલિયન પાઉન્ડની બોલી લગાવી છે. જો રેગ્યુલેટર્સ ઓઉકોમ આ સોદાને બહાલી આપશે તો મર્ડોકને યુકે, જર્મની અને ઈટાલીમાં પે-ટીવી ઓપરેશન્સ પર સંપૂર્ણ અંકુશ પ્રાપ્ત થશે. રેગ્યુલેટર્સ સ્કાયનું મૂલ્ય ૧૮ બિલિયન પાઉન્ડ લગાવે છે. ફોક્સે પ્રતિ શેર ૧૦.૭૫ પાઉન્ડની પ્રારંભિક ઓફરમાં કોઈ ફેરફાર કર્યો નથી. સ્વતંત્ર ડિરેક્ટર્સ સમિતિએ સ્વીકારેલી ઓફરનો માઈનોરિટી ગ્રૂપે વિરોધ કર્યો છે. કલ્ચરલ સેક્રેટરી કારેન બ્રેડલી યુકેના ન્યૂઝ મીડિયા પર મર્ડોકનો ઘણો કંટ્રોલ આવી જતો નથી તેની તપાસ કરવા રેગ્યુલેટર્સને જણાવે પછી ૪૦ દિવસમાં ઓફકોમ દ્વારા તપાસ રિપોર્ટ જાહેર કરાશે.
• શોષણનો શિકાર બાળકોને લાખો પાઉન્ડનું વળતર
લેમ્બેથ કાઉન્સિલ બરોમાં શર્લી ઓક્સ સહિત ચિલ્ડ્રન્સ હોમ્સમાં બાળશોષણનો ભોગ બનેલા બાળકોને વળતર તરીકે આશરે ૪૦ મિલિયન પાઉન્ડની ચુકવણી કરશે, જે કોર્ટ દ્વારા અપાતા સરેરાશ ૧૩,૦૦૦ પાઉન્ડના વળતર કરતા વધુ હશે. શર્લી ઓક્સ સર્વાઈવર્સ એસોસિયેશન દ્વારા કેર હોમના ૪૦૦ પૂર્વ રહેવાસી બાળકોનાં ઈન્ટરવ્યૂના પગલે હજારો બાળકોનું ૬૦ વિકૃત લોકો દ્વારા જાતીય અને શારીરિક શોષણ થયાનો રિપોર્ટ તૈયાર કરાયો હતો. યુકેમાં ૧૯૫૦ના દાયકાથી સૌથી મોટા બાળગૃહોમાં સ્થાન ધરાવતું શર્લી ઓક્સ ચિલ્ડ્રન્સ હોમ ૧૯૮૩માં બંધ કરી દેવાયું હતું.
• રીસાઈકલિંગ દર પ્રથમ વખત ઘટ્યો
ઈંગ્લેન્ડમાં રીસાઈકલિંગ દર પ્રથમ વખત ઘટ્યો છે. પરિવારો દ્વારા રીસાઈકલિંગ પ્લાન્ટ્સમાં મોકલાતાં કચરાનું પ્રમાણ એક દાયકા કરતાં વધુ સમયથી સતત વધતું રહ્યું છે પરંતુ, ગત ત્રણ વર્ષમાં એકસમાન રહ્યું છે. નવા આંકડા અનુસાર ઈંગ્લેન્ડમાં ૨૦૧૪માં રીસાઈકલિંગ દર ૪૪.૮ ટકા હતો, જે ૨૦૧૫માં ઘટીને ૪૩.૯ ટકા થયો હતો. ઈંગ્લેન્ડમાં લંડનના ન્યૂહામ બરોમાં આ દર સૌથી નીચો ૧૫ ટકાનો જ્યારે, સાઉથ ઓક્સફર્ડશાયરમાં સૌથી ઊંચો ૬૭ ટકાનો છે. વેલ્સ અને સ્કોટલેન્ડમાં રીસાઈકલિંગ દર અનુક્રમે ૬૧ ટકા અને ૪૪.૨ ટકા છે. ઈયુનો લક્ષ્યાંક ૨૦૨૦ સુધીમાં રીસાઈકલિંગ દર ૫૦ ટકાએ લાવવાનો છે.

