એકાઉન્ટ્સી પેઢી મૂર સ્ટીફન્સે ચેતવણી આપી છે કે બ્રેક્ઝિટ વોટ પછી સ્ટર્લિંગ પાઉન્ડની કિંમત નીચી જવાથી આયાતી ફૂડ અને વાઈનની કોસ્ટ ઘણી ઊંચે ગઈ છે, જેના પરિણામે બ્રિટનમાં હજારો રેસ્ટોરાં બંધ પડી શકે છે. આગામી ત્રણ વર્ષમાં ૫,૫૭૦ રેસ્ટોરાં બિઝનેસીસ નાદારી નોંધાવે તેવું ૩૦ ટકા જોખમ છે. યુકે તેના ફૂડનો ૪૮ ટકા હિસ્સો આયાત કરે છે અને મોટા ભાગના રેસ્ટોરાં આયાતી ફૂડ અને વાઈન પર જ ભારે આધાર રાખે છે. આ ઉપરાંત, નેશનલ મિનિમમ વેજમાં વધારો થતાં શ્રમિકખર્ચ પણ વધ્યો છે. રેસ્ટોરાં સેક્ટરમાં ભારે સ્પર્ધા છે અને ગત વર્ષે લંડનમાં જ ૨૦૦ નવા રેસ્ટોરાં ખૂલ્યાં હતાં.
• સ્ત્રીઓની આત્મહત્યા વધી, પુરુષોમાં ઘટી
આ દાયકામાં સ્ત્રીઓની આત્મહત્યાનું પ્રમાણ સૌથી ઊંચુ ગયું છે અને પુરુષોમાં આ સંખ્યા ઘટી છે. યુકેમાં ગયા વર્ષે ૬,૧૮૮ આત્મહત્યા થઈ હતી, જે સંખ્યા ૨૦૧૪માં ૬,૧૨૨ હતી. દર ૧૦૦,૦૦૦ સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ૫.૨થી વધીને ૫.૪ થયું હતું, જે ૨૦૦૫ પછી સૌથી ઊંચો દર છે. આટલા જ પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ ૧૬.૮થી ઘટીને ૧૬.૬ થયું હતું. જોકે, તમામ આત્મહત્યામાં પુરુષોનો હિસ્સો ૭૫ ટકા જેટલો છે.
• ડિટેન્શન સેન્ટરમાં હુમલાથી મોત
વેસ્ટ લંડનના હર્મોન્ડ્સવર્થ ખાતે કોલ્નબ્રૂક ઈમિગ્રેશન રીમુવલ સેન્ટરમાં હુમલો કરાયાથી ૬૪ વર્ષના તારેક ચૌધરીનું મોત નીપજ્યું હતું. ચૌધરીને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ, ડોક્ટોરો તેમને બચાવી શક્યા ન હતા. શકમંદ ઝાના અસાદ યુસુફને હેન્ડોન મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં હાજર કરાયો હતો. કોલ્નબ્રૂક સેન્ટરમાં ૩૯૬ પુરુષ અને ૨૭ સ્ત્રીને અટકાયતમાં રખાયેલાં છે.
• ઓછી ઊંઘ હૃદય પર દબાણ લાવે
એક દિવસ પણ ઓછી ઊંઘ આવે તો તેનાથી હૃદય પર દબાણ આવે છે અને બીજા દિવસે તેને ૧૦ ટકા વધુ કાર્ય કરવું પડે છે. જે લોકો અગ્નિશમન અને ઈમર્જન્સી મેડિકલ સેવામાં તેમજ અન્ય ભારે તણાવ હેઠળ કામ કરવાની ફરજ બજાવે છે તેઓને ૨૪ કલાકની શિફ્ટ્સમાં કામ કરવાનું આવે છે, જેના પરિણામે તેમને ઓછી ઊંઘ મળે છે. અભ્યાસમાં ૧૯ પુરુષ અને એક પુરુષ રેડિયોલોજિસ્ટ્સને આવરી લેવાયાં હતાં. તેમને ૨૪ કલાકની શિફ્ટ્સ પહેલા અને પછી પરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.
• કારના રિમોટ લોક્સને જામર્સનું ગ્રહણ
વાહનચાલકો પોતાની કારને રિમોટ સંચાલિત લોક લગાવી ન શકે તે માટે ચોરો પણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હોવાની ચેતવણી પોલીસે આપી છે. રેડિયો સિગ્નલ્સ દ્વારા રિમોટથી કાર લોક કરવામાં આવે છે પરંતુ, જામર ટેકનોલોજીથી કારની ચાવીની કામગીરી અવરોધાય છે. આથી રિમોટ થકી કાર લોક કર્યા પછી પણ કારચાલકોએ હાથથી કાર બંધ થઈ છે કે નહિ તે તપાસી લેવું જોઈએ તેમ પોલીસે જણાવ્યું હતું.

