ત્રાસવાદી બનેલા ૨૧ વર્ષીય બ્રિટિશ કોમ્પ્યુટર હેકર જુનૈદ હુસૈન સીરિયાના રાક્કામાં ડ્રોન હુમલામાં માર્યા ગયાની જાહેરાત Isis જેહાદીઓ દ્વારા કરાઈ છે. અગાઉ, બર્મિંગહામના જુનૈદની બ્રિટિશ પત્નીએ તે જીવતો હોવાનો દાવો કર્યો હતો. સીરિયા અને ઈરાકમાં આ સાથે કુલ ૫૩ બ્રિટિશ જેહાદી મોતને ભેટ્યા છે. બ્રિટન, યુરોપ અને યુએસમાં પ્લોટ્સની મુખ્ય ભૂમિકા ધરાવતો જુનૈદ હુસૈન યુએસ લશ્કરી દળોનાં નિશાન પરની યાદીમાં ત્રીજા ક્રમે હતો.
• તરુણીએ ત્રાસવાદના અપરાધો કબૂલ્યાં
બ્રિટનના સૌથી નાની વયના ત્રાસવાદીની ૧૬ વર્ષીય તરુણ ગર્લફ્રેન્ડે તેની શાળાની સ્કેચ બુકમાં ‘બ્લુ પીટર’ વિસ્ફોટકો તૈયાર કરવાની માહિતી એકત્ર કરી હતી. માન્ચેસ્ટરની આ તરુણી તેના ૧૪ વર્ષીય ત્રાસવાદી મિત્ર સાથે સીરિયા નાસી જવા પણ તૈયાર હતી. તેણે સ્કૂલના કોમ્પ્યુટર્સ પર ત્રાસવાદ વિશે શોધખોળ ચલાવી હતી. ૧૪ વર્ષીય ત્રાસવાદીએ ઓસ્ટ્રેલિયામાં એન્જાક પરેડ પર ત્રાસવાદી હુમલો કરવાનું આયોજન કર્યાની કબૂલાત કરી હતી.
• બેથ્નલ ગ્રીન મર્ડર કેસમાં બાંગલાદેશી સામે આરોપો
બેથ્નલ ગ્રીન મર્ડર કેસમાં ૩૧ વર્ષીય બાંગલાદેશી સુલુક અહેમદને ૨૭ ઓગસ્ટે થેમ્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. તેની સામે ઈસ્ટ લંડનમાં વૃદ્ધ પિતા જમીર અલીની હત્યા અને પરિવારના ત્રણ બાળકો- ૧૧ વર્ષની છોકરી તેમ જ બે વર્ષ અને ૧૩ વર્ષના છોકરાને ચાકુથી ઈજા પહોંચાડવાના આરોપ લગાવાયા હતા. સુલુક અહેમદને પણ આ ઘટનામાં ઈજા થતા તેણે હોસ્પિટલમાં સારવાર લીધા પછી તેની ધરપકડ કરાઈ હતી.
• યુકેમાં હૃદયરોગથી મૃત્યુના દરમાં ઘટાડો
યુરોપમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોથી વર્ષે ચાર મિલિયનથી વધુ લોકોનાં મોત થાય છે એટલે કે તમામ મૃત્યુમાં લગભગ ૪૫ ટકા હિસ્સો તેનો રહે છે. આ સ્થિતિમાં યુકેમાં ૨૦૧૧ સુધી એક દસકાના ગાળામાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોથી મોતનાં પ્રમાણમાં ૪૦ ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે. નવા અભ્યાસ અનુસાર યુકેમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગોથી પુરુષોના મૃત્યુદરમાં ૪૪.૪ ટકા અને સ્ત્રીઓના મૃત્યુદરમાં ૪૩.૬ ટકાનો ઘટાડો જોવાં મળ્યો છે.
• યુકેમાં અફઘાન દુભાષિયાને આશ્રય માટે ઓનલાઈન પિટિશન
અફઘાન દુભાષિયાઓને બ્રિટનમાં રહેવા દેવાની માગણી સાથે ઓનલાઈન પિટિશન પર અત્યાર સુધી ૫૦,૦૦૦થી વધુ સહીઓ કરાઈ છે. પૂર્વ આર્મી વડા જનરલ સર રિચાર્ડ ડાન્નાટે અફઘાન દુભાષિયાઓને બ્રિટનમાં આશ્રય આપવા અનુરોધ કર્યો છે. અફઘાન યુદ્ધમાં લડેલા પૂર્વ સૈનિકો અને જાહેર જનતાને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે આપણી સાથે યુદ્ધમાં સાથે રહેલા અફઘાન ટ્રાન્સલેટર્સની સંભાળ રાખવા માટે બ્રિટનની નૈતિક જવાબદારી પણ છે.
• પેરન્ટ્સ બાળકોને કારમાં એકલા મૂકી જાય છે
એક સંશોધન અનુસાર સરેરાશ ૨૫ ટકા પેરન્ટ્સ પાંચ વર્ષ સુધીના નાના બાળકોને ૨૨ મિનિટ સુધી કારમાં એકલા મૂકી અન્ય કામે જાય છે. દર છમાંથી એક પેરન્ટ સજા તરીકે બાળકને કારમાં પૂરી જાય છે, જ્યારે ચારમાંથી એક પેરન્ટ બાળક કારમાં હોવાનું ભૂલી જાય છે. બાળકોને કારમાં મૂકી જવામાં ૧૮થી ૩૪ વર્ષ વયજૂથના યુવાન દંપતીઓ ૪૨ ટકા સાથે મોખરે છે.
• પાઉન્ડલેન્ડ દ્વારા 99p સ્ટોર્સને હસ્તગત કરવાને મંજૂરી
ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી તરફથી પ્રોવિઝનલ મંજૂરીના પગલે પાઉન્ડલેન્ડ દ્વારા £૫૫ મિલિયનમાં 99p સ્ટોર્સને હસ્તગત કરવાની પ્રક્રિયા આગળ વધશે. એપ્રિલના અભ્યાસમાં જણાયું હતું કે આ મર્જરથી ક્વોલિટી અને પ્રમોશન્સમાં ઘટાડા અથવા સ્ટોર્સ બંધ થવાની શક્યતાથી સ્પર્ધામાં નોંધપાત્ર ઘટાડો થશે. જોકે, ૫,૦૦૦ ગ્રાહકોના સર્વે તેમ જ કંપની દસ્તાવેજો અને કોમર્શિયલ ડેટાના વિશ્લેષણ પછી આગળ વધવાની મંજૂરી અપાઈ હતી.