બાળકોના શિક્ષણના ખર્ચથી તેઓ ગરીબ બને છે તેવી ફરિયાદ કરતા બ્રિટિશ પેરન્ટ્સ વિશ્વના અન્ય કેટલાક દેશની સરખામણીએ ઘણો ઓછો ખર્ચ કરે છે. HSBCના સર્વે અનુસાર સરકારી શાળામાં અભ્યાસ કરાવવા બ્રિટિશ પેરન્ટ્સ ૧૨,૩૦૦ પાઉન્ડ (૧૬,૦૦૦ ડોલર) ખર્ચે છે તેની સામે હોંગ કોંગના પેરન્ટ્સ (૯૭,૦૦૦ ડોલર), સિંગાપોરના પેરન્ટ્સ (૬૬,૦૦૦ ડોલર) અને યુએસના પેરન્ટ્સ (૪૦,૦૦૦ ડોલર) બાળકોના શિક્ષણ માટે ખર્ચે છે. બ્રિટિશ પેરન્ટ્સ ખાનગી ટ્યુશન માટે ૨૩ ટકા ખર્ચ કરે છે જ્યારે વિશ્વની સરેરાશ ૬૬ ટકાની છે.
• મેનોપોઝ સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સરની દવાઓ છોડાવે છે
મધ્ય વયની મહિલાઓ બ્રેસ્ટ કેન્સરની સંભવિત જીવનરક્ષક દવાઓ લેવાનું બંધ કરે છે કારણકે તેઓ મેનોપોઝ કે વૃદ્ધત્વની નિશાનીઓને દવાની આડઅસર તરીકે ગણે છે. એક અભ્યાસ અનુસાર કેન્સરની ટેમોક્સિફેન અથવા પ્લેસબો દવાઓ લેતી હોય ત્યારે માથાના દુઃખાવા અને બકારી કે મોળ આવવાની ફરિયાદ કરે છે અને સારવારને છોડે છે. આ દવા છોડનારી ૨૦ ટકા મહિલાને ડ્રગની આડઅસર ન હતી. વાસ્તવમાં આ દવાની આડઅસર નથી પરંતુ,મેનોપોઝની અસરોને દવાની અસર તરીકે માની લેવામાં આવે છે.
• પુરુષનો સ્વાંગ ધરનારી મહિલાને ફરી જેલ
બે કરતા વધુ વર્ષ સુધી પુરુષનો સ્વાંગ રચી મહિલામિત્રને સેક્સ માણવા લલચાવનારી ૨૭ વર્ષની મહિલા ગાયેલ ન્યુલેન્ડને માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે રીટ્રાયલ પછી ફરી જેલની સજા ફરમાવી હતી. ન્યુલેન્ડ કોર્ટમાં ભાંગી પડી હતી અને તેણે ‘મારે જેલમાં નથી જવું’ની બૂમો પાડી હતી. તેણે અન્ય મહિલાને પણ આ રીતે છેતરી હોવાનું બહાર આવ્યા પછી રીટ્રાયલ ચાલી હતી. અગાઉ, નવેમ્બર ૨૦૧૫માં ચેસ્ટર ક્રાઉન કોર્ટની જ્યુરીએ તેને આઠ વર્ષની સજા સંભળાવી હતી, જે કોર્ટ ઓફ અપીલે રદ કરી હતી.
• સાઈબરક્રાઈમ સામે પોલીસ ફોર્સ નિષ્ફળ
બ્રિટનમાં સાઈબરક્રાઈમ સૌથી સામાન્ય ગુનો બન્યો હોવાં છતાં ૧૫૦માંથી માત્ર એક પોલીસ અધિકારી આ છેતરપીંડીની તપાસમાં ગંભીરતા દાખવે છે. નેશનલ ઓડિટ ઓફિસના રિપોર્ટ મુજબ બ્રિટિશરોએ ગયા વર્ષે સાઈબરક્રાઈમ ફ્રોડથી ૧૦ બિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા, જે પુખ્ત વ્યક્તિદીઠ વાર્ષિક ૨૦૦ પાઉન્ડની રકમ થવા જાય છે. સમગ્ર અર્થતંત્રને ૧૪૪ બિલિયન પાઉન્ડનો ખર્ચબોજો આવે છે, જે NHSના બજેટથી ૨૦ બિલિયન પાઉન્ડ વધુ છે.
• ડેવોન ટાઉનમાં ભિક્ષુક પર્યટકોની બોલબાલા
ટોટનેસના મેયર રોઝી આદમ્સની ફરિયાદ છે કે તેમનું સમૃદ્ધ નગર ડેવોન ભિક્ષુક પર્યટકો માટે આકર્ષણ બની ગયું છે. અનેક સ્થળોએથી આવતા ભિક્ષુક પર્યટકો દિવસના ૫૦થી ૧૦૦ પાઉન્ડની અને દર વર્ષે ૩૫,૦૦૦ પાઉન્ડની કમાણી કરે છે. આ ભિખારીઓ શહેરમાંથી પસાર થતાં લોકોની કનડગત કરતાં હોવાનું પોલીસે પણ કહ્યું છે. ઘણાં લોકો ઘરબારવિહોણા હોવાનું દેખા ય છે જે વાસ્તવિકતા હોતી નથી.

