પેમેન્ટ પ્રોટેક્શન ઈન્સ્યુરન્સ (PPI)ના ગેરકાયદે વેચાણના કૌભાંડનો માર બ્રિટિશ બેન્કો હજુ સહન કરી રહી છે. બેન્કોએ માસિક ૩૦૦ મિલિયન પાઉન્ડ અલગ ફાળવણી કરવી પડે છે. સૌથી મોટા પાંચ ધીરાણકારો લોઈડ્ઝ, રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ, બાર્કલેઝ, HSBC અને સેન્ડેન્ડર PPIના ઐતિહાસિક ક્લેઈમ્સ માટે તેમના અર્ધવાર્ષિક હિસાબોમાં લાખો પાઉન્ડ અલગ રાખશે તેવી ધારણા છે.
બેન્કો માટે અત્યાર સુધી ૩૦ બિલિયન પાઉન્ડથી વધુ ખર્ચ ઉભો કરનાર PPI માટે નવા પ્રચારથી ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ ખોટી રજૂઆતોથી પ્રોડક્ટ વેચાણના આ કૌભાંડથી નુકસાન થયું હોય તેની ફરિયાદ કરવા ઓગસ્ટ ૨૦૧૯ સુધીની મુદત આપી છે. હજુ પણ ૫૦ બિલિયન પાઉન્ડના ક્લેઈમ્સ નોંધાય તેવી ધારણા છે.
• ડિજિટલ વોલેટ્સમાંથી £૩૧ મિલિયન ચોરાયા
અચાનક લોકપ્રિય બનેલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું નુકસાનકારક બની શકે છે. ૩૭ વર્ષના બ્રિટિશ પ્રોગ્રામર ગાવિન વૂડની પેરિટી ટેકનોલોજીસ દ્વારા સર્જાયેલા ડિજિટલ વોલેટ્સમાંથી ઈથરિઅમ અથવા ઈથર ટોકનની શ્રેણીબદ્ધ ચોરીઓથી ૩૧ મિલિયન પાઉન્ડની ચોરી થઈ હતી. હેકર્સને ડિજિટલ વોલેટ્સના કોડમાં બગ મળી આવતા તેમણે લાભ લઈ લીધો હતો. બ્રિટિશ પ્રોગ્રામરે બિટકોઈનની સામે ઈથરિઅમનું સર્જન કર્યું છે. સ્વાર્મ સિટી, એજલેસ કેસિનો અને એઈટર્નિટી કંપનીઓનાં ઈ વોલેટ્સમાંથી ૧૫૦,૦૦૦ ટોકનની ચોરી કરાઈ હતી. આ કંપનીઓએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પ્રાથમિક કોઈન ઓફરિંગ્સમાં ૧.૩ બિલિયન ડોલરથી વધુ એકત્ર કર્યા હતા.
• માત્ર ૧૦ સેકન્ડ્સમાં દાંતની સફાઈ
ડેન્ટિસ્ટની ગાઈડલાઈન્સ મુજબ દાંતને બ્રશ કરવામાં દરરોજ ૨૪૦ સેકન્ડ ગુમાવવી પડે તે બધાને ગમતું નથી પરંતુ, દાંતની સફાઈ તો જરૂરી જ છે. એક સ્ટાર્ટ-અપ કંપનીએ તેની પાસે ક્રાંતિકારી જવાબ હોવાનો દાવો કર્યો છે. તેણે તૈયાર કરેલા ઈલેક્ટ્રિક એમાબ્રશથી માત્ર ૧૦ સેકન્ડ્સમાં દાંત અને પેઢાંની સંપૂર્ણ સફાઈ થતી હોવાનો દાવો કરાય છે.
એમાબ્રશના શોધકો કહે છે કે સામાન્ય બ્રશથી આપણા દાંતની સફાઈમાં જીવનનાં અમૂલ્ય ૧૦૮ દિવસ વેડફાય છે. અડધા લોકો તો બ્રશ કરવાનું ટાળે છે. ક્રાઉડફંડિંગ વેબસાઈટ કિકસ્ટાર્ટરના ૫૦,૦૦૦ યુરો એકત્ર કરવાના લક્ષ્ય સામે ૧૬,૦૦૦ લોકોએ ૧.૮૫ મિલિયન યુરો (૧.૬૬ મિલિ. પાઉન્ડ)ની બાંહેધરી આપી છે અને હજુ સમય બાકી છે. ઓસ્ટ્રિયન સરકાર અને યુરોપિયન કમિશને પણ ભંડોળની ખાતરી આપી છે. ૭૯ યુરોની બેઝિક કિટની ડિલિવરી ડિસેમ્બરથી શરુ કરાનાર છે.
• વધુ ખોરાક સગર્ભા અને બાળક માટે જોખમી
સગર્ભાવસ્થામાં બે વ્યક્તિ માટે આહાર લેવાનું દબાણ થનાર માતા અને બાળક પર રહે છે પરંતુ, આનાથી સગર્ભા અને બાળકનાં સ્વાસ્થ્યને નુકસાન થવાની ચેતવણી નિષ્ણાતોએ ઉચ્ચારી છે. એક સર્વે અનુસાર યુકેની બે તૃતીઆંશથી વધુ ભાવિ માતાઓ ગર્ભાવસ્થા દરમિયાન વધારાની કેટલી કેલરી જોઈએ તેનો અંદાજ ધરાવતી નથી. જોકે, ૬૩ ટકાથી વધુ સગર્ભાએ ‘બે જીવ માટે આહાર’ની ફિલોસોફીના દબાણ હેઠળ હોવાનું સ્વીકાર્યું હતું. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સની સત્તાવાર ગાઈડલાઈન્સ અનુસાર સગર્ભાવસ્થાના પ્રથમ છ મહિના સુધી સ્ત્રીને વધારાની કેલરીઝની જરૂર હોતી નથી.

