યુવાન બ્રિટિશ મહિલાઓનું વલણ બદલાઈ રહ્યું છે. સ્ત્રીઓ પોતાના હાથ-પગ કે બગલને વાળ વગરની દેખાડવા માટે રેઝરનો ઉપયોગ કરતી આવી છે પરતું, હવે તેમાં બદલાવ જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર, ૧૬-૨૪ વયજૂથની ૨૫ ટકા યુવતીઓ પરંપરાનો ભંગ કરી બગલના વાળ જાહેરમાં દેખાય તેમાં શરમ અનુભવતી નથી. અગાઉ, ૨૦૧૪માં ૧૦માંથી એક યુવતી આવું વલણ ધરાવતી હતી. આ વયજૂથમાં જ પોતાનાં પગના વાળનું શેવિંગ નહિ કરતી યુવતીઓની સંખ્યા બમણી એટલે કે ૧૦માંથી એકની જગ્યાએ ૧૦માંથી બેની થઈ છે. કુદરતી દેખાવના યુવતીઓનાં આ વલણથી શેવિંગ અને અણગમતા વાળ દૂર કરવાની પ્રોડક્ટ્સનું વેચાણ પાંચ ટકા ઘટી ગયું છે. આ ઉપરાંત, તંદુરસ્ત આહારના વેચાણનું પ્રમાણ પણ વધ્યું છે.
• મધરકેરના સ્ટોર્સ બંધ કરાશે
વૈશ્વિક રીટેઈલર મધરકેર યુકેમાં તેના હાઈ સ્ટ્રીટ સ્ટોર્સમાંથી કેટલાંક બંધ કરશે. મધરકેરનું ડિજિટલ વેચાણ વધી રહ્યું છે અને ચાવીરુપ ક્ષેત્રોમાં તે પ્રાદેશિક હાજરી જાળવી રાખશે. મધરકેર યુકેમાં ૧૫૨ સ્ટોર ધરાવે છે, જે ઘટાડીને ૮૦થી ૧૦૦ સ્ટોરની સંખ્યામાં લાવવામાં આવશે.
• સોશિયલ મીડિયાએ માંદગીની ખોટી રજાઓ ઘટાડી
ઈન્સ્યુરન્સ ફર્મ અવિવાના અભ્યાસ અનુસાર માંદગીની ખોટી રજા મૂકનારા કર્મચારીની સંખ્યામાં ઘટાડો થયો છે અને આ માટે સોશિયલ મીડિયા કારણભૂત છે. માંદગીની રજા ખોટી હોવાનું બોસ જાણી જશે તેની ચિંતા કર્મચારીને થવા લાગી છે. ચારમાંથી એક જેટલા કર્મચારીએ જરુર ન હોવાં છતાં માંદગીની રજા લેતાં હોવાનું સ્વીકાર્યું હતું. બીજી તરફ, બીમાર હોવાં છતાં ૬૯ ટકા કર્મચારી કામધંધા પર જતાં હતાં. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા કહે છે કે ૧૯૯૩માં માંદગીની રજાના વાર્ષિક સરેરાશ દિવસો ૭.૨ હતા તેની સામે ૨૦૧૬માં આ સંખ્યા ઘટીને ૪.૩ દિવસની થઈ છે.
• કચરા માટે દંડ કરનારાને £૧,૦૦૦નું બોનસ અપાયું
કચરાના નિકાલ પર દેખરેખ રાખતા કાઉન્સિલ વોર્ડન્સને દોષિતોને દંડ કરવા બદલ માસિક ૧,૦૦૦ પાઉન્ડ જેટલું બોનસ અપાઈ રહ્યું છે. આના પરિણામે, એવી ચિંતા પણ સર્જાઈ છે કે વાંક વિના અથવા અજાણતા જ નારંગીનું છોતરું નખાઈ ગયું હોય તેવા કિસ્સામાં પણ દંડ ફટકારી દેવાય છે. બીબીસીના પેનોરમા કાર્યક્રમમાં જાણવા મળ્યું હતું કે ડઝનબંધ કાઉન્સિલો માટે કચરાની દેખરેખ રાખતી ખાનગી કંપનીએ દંડની ટિકિટ્સ ઈસ્યુ કરવા બદલ તેના અધિકારીઓને આવું બોનસ આપ્યું હતું.

