• બ્રિટિશ યુનિ.માંથી ચોકલેટ પર ડોક્ટરેટ

Friday 03rd March 2017 01:17 EST
 

બ્રિટનની યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા ચોકલેટ પર ડોક્ટરેટ કરવા વાર્ષિક ૧૫,૦૦૦ પાઉન્ડની સ્કોલરશિપ આપવાની ઓફર કરાઈ હતી. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે સફળ ઉમેદવારે ચોકલેટ સાથે જોડાયેલાં જેનેટિક ફેક્ટર પર અલગ અલગ ફ્લેવરના પ્રભાવ તેમજ કોકો બીન્સના ફર્મેન્ટેશન થકી ચોકલેટમાં વિશેષ ફ્લેવર પર કેવી અસર સર્જાય છે તેનો અભ્યાસ કરવાનો રહેશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચોકલેટ ઉદ્યોગની માગ પર યુનિવર્સિટી આ રિસર્ચ કરવા જઈ રહી છે. સફળ ઉમેદવારને નોકરી આપવા મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ દ્વારા ઓફર પણ કરાઈ છે.

• દર્દીને પ્રેમપત્ર લખનાર મૂળ ભારતીય ડોક્ટર પ્રતિબંધિત

મેડિકલ પ્રેકટિશનર ટ્રિબ્યુનલ સર્વિસે ડોકટરના વ્યવસાયનો દુરૂપયોગ કરી મહિલા દર્દીને પ્રેમપત્ર લખનારા ભારતીય મૂળના સર્જન સચિન્દ્ર અમરાગીરીને પ્રેકટિસ કરતાં અટકાવ્યા હતા. સુનાવણી પછી ડોકટર સચિન્દ્રનું નામ યુકેના મેડિકલ પ્રેક્ટિશનર રજીસ્ટરમાંથી દૂર કરાયું હતો. કેસની સુનાવણીમાં જણાવાયું હતું કે ડો. સચિન્દ્ર તેમની સારવાર હેઠળની મહિલા દર્દીના એકતરફી પ્રેમમાં પડયા હતા. પ્રેમપત્ર મળ્યા પછી દર્દીએ પોલીસને ફોન કર્યો અને કહ્યું કે પત્ર મળ્યા પછી હું ઘણી દુઃખી થઇ છું.

• ચેમ્પિયનશિપ જીતવા રોજની ૬૦ ગોળી ખાય છે

ઇંગ્લેન્ડના બ્લેકપૂલમાં રહેતી ૧૮ વર્ષીય એમિલી બોની ફેફસાંમાં કફ ભરાવાની જીનેટિક બીમારી સિસ્ટિક ફાઇબ્રોસિસથી પીડિત છે. આમ છતાં, ચીયરલીડરની વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનું સપનું છોડ્યું નથી. તે હવે રોજ ૬૦ ગોળીઓ ખાઇને પોતાના ફેફસાં તંદુરસ્ત રાખે છે. બે મહિનાની સખત તાલીમ બાદ તેણે એપ્રિલમાં થનારી સ્પર્ધા માટે પેરાચિયર કેટેગરીમાં ક્વોલિફાય પણ કરી લીધું છે. તે કહે છે કે દવાઓ વિના એક સીડી ચઢવાનુંય તેના માટે શક્ય નથી પણ તે જિંદગી જીવવા ઇચ્છે છે અને ગમે તે હદે જવા તૈયાર છે. ભવિષ્યમાં વિશ્વભ્રમણનું સપનું પણ સાકાર કરવા ઇચ્છે છે.

• સાઈકલ ચોરવાની અનોખી ધૂન

ઇંગ્લેન્ડના ઓક્સફોર્ડમાં એક ચોર માત્ર સાઇકલ ચોરતો હતો. એક દિવસ એક સાથે બે સાઇકલ લઈ જતી ૪૮ વર્ષીય વ્યક્તિને જોતા પોલીસે શંકાના આધારે તેની પૂછપરછ આદરી હતી. તેના ઘેર દરોડો પણ પાડવામાં આવ્યો હતો. વરંડામાં ૧૬૪ સાઇકલ જોઈને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. તેની ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેણે સાઇકલ ચોરવાની ધૂન હોવાની વાત કબૂલી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter