યુરોપિયન યુનિયનમાંથી યુકેના બહાર નીકળવા માટે બે વર્ષનો એટલે કે માર્ચ ૨૦૧૯ સુધીનો સમયગાળો રાખવામાં આવ્યો છે. જોકે, બ્રેક્ઝિટ ટ્રાન્ઝીટ સોદો ત્રણ વર્ષનો કરવા માટે બ્રિટિશ બિઝનેસ અગ્રણીઓ વડા પ્રધાન થેરેસા મે પર દબાણ કરી રહ્યા છે. આના પરિણામે, બ્રિટિશ કોર્પોરેટ્સ અને ઈયુમાંથી બનતી ઝડપે બહાર નીકળવા ઈચ્છતા યુરોસેપ્ટિક કેબિનેટ મિનિસ્ટર્સ વચ્ચે સંઘર્ષ સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
• વિદ્યાર્થીઓની ખોરાકની આદતો બદલાઈ
એક અભ્યાસ અનુસાર વિદ્યાર્થીઓની ખોરાકની આદતોમાં બદલાવ આવ્યો છે. મોડી રાત્રિના આહાર, બિયર, બેક્ડ બીન્સ અને રોલ્સ અપનું સ્થાન એવોકેડોઝ, સ્મૂધીઝ અને જીમની કસરતોએ લીધું છે. અભ્યાસમાં ૧૯૯૦ના દાયકામાં ૧,૦૦૦ વિદ્યાર્થીઓની ખોરાક અને કસરતોની આદતોની સરખામણી વર્તમાન યુગના ૧,૦૦૦ વિદ્યાર્થીઓની આદતો સાથે કરવામાં આવી હતી. તારણો અનુસાર પબ જેટલી જ લોકપ્રિયતા જીમની જોવા મળી છે
• શાળાનો સમય મોડો રાખવાનો પ્રયોગ
રીડિંગ નજીક કેવરશામની ક્વીન એન્સ સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓ માટે શાળાનો સમય સવારના ૧૧.૦૦થી સાંજના ૭.૦૦ કલાક સુધીનો કર્યો છે. ધોરણ ૬ના વિદ્યાર્થીઓ માટે આ ઉનાળામાં એક સપ્તાહ માટે આ પ્રયોગ કરાશે. એક અભ્યાસમાં જણાવાયું હતું કે ટીનેજર્સ મધ્યરાત્રિની આસપાસ સૂવા માટે જાય છે અને તેમની બાયોલોજિકલ ઘડિયાળ પણ આ રીતે ગોઠવાતી હોવાથી તેઓ મોડાં ઉઠે છે. તેઓ ૧૦.૦૦ વાગ્યા સુધી બરાબર જાગ્રત ન હોવાથી શાળાનાં અભ્યાસમાં બરાબર ધ્યાન પરોવી શકતાં નથી.
• વિદ્યાર્થી દેવાં માફીની લેબર યોજના બોજો લાવશે
લેબર નેતા જેરેમી કોર્બીને તેમની સરકાર ૨૦૧૨થી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર દેવાંનો બોજ માંડવાળ કરશે તેમ જણાવ્યું છે. જોકે, તેમની આ યોજના રાષ્ટ્રીય દેવાંમાં ૬૦ બિલિયન પાઉન્ડનો બોજો વધારશે. આ ઉપરાંત, ભાવિ વિદ્યાર્થીઓ માટે ફી નાબૂદ કરવાનો ખર્ચ વાર્ષિક ૧૧ બિલિયન પાઉન્ડ આવશે તેમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિસ્કલ સ્ટડીઝ દ્વારા જણાવાયું છે. વિકસિત વિશ્વમાં બ્રિટિશ વિદ્યાર્થીઓ દેવાંનો સૌથી વધુ બોજ ધરાવે છે ત્યારે લેબર પાર્ટીની આ દરખાસ્ત યુવાન મતદારોમાં લોકપ્રિય બની રહેશે. પોલ અનુસાર ૪૭ વર્ષથી નીચેના તમામ વયજૂથોમાં લેબર પાર્ટી કન્ઝર્વેટિવ્ઝ પર સરસાઈ ધરાવે છે. હવે ટોરી પાર્ટી યુવાવર્ગમાં પોતાની લોકપ્રિયતા વધારે તેવી નીતિઓ શોધવા પ્રયાસ કરી રહી છે.
• થંડરસ્ટોર્મ્સની સુગંધનો વેપાર
વિજ્ઞાનીઓએ ગર્જના સાથેના વાવાઝોડાંની વિશિષ્ટ સુગંધને અલગ તારવી છે. વાવાઝોડાં પહેલા અને પછીની હવાના સેમ્પલો થકી મેળવાયેલી સુગંધોનો અભ્યાસ કરતા જણાયું હતું કે તેમાં તાજા કપાયેલાં ઘાસ અને ભીની માટીની સુગંધ જોવાં મળે છે. હવે આ સુગંધનો વેપારમાં ઉપયોગ પણ કરાશે. ગ્રાહકો થંડરસ્ટોર્મની સગંધ સાથેના પરફ્યુમ્સની માગણી કરી રહ્યા છે. આ સુગંધનો ઉપયોગ ઘરેલુ વસ્તુઓ, બોડી વોશ અથવા શાવર જેલ માટે પણ થઈ શકશે.

