• બ્રેક્ઝિટ પછી પણ યુરોપતરફીનું વર્ચસ્વ

Tuesday 07th June 2016 08:20 EDT
 

ઈયુ રેફરન્ડમમાં બ્રેક્ઝિટ છાવણીનો વિજય થાય તો પણ યુરોપતરફી સાંસદો બ્રિટનને સિંગલ માર્કેટ છોડતા અટકાવવાની લડત આપશે. જનમત પછી યુરોપ સાથે સંબંધોની વાટાઘાટ ચલાવનારાઓને સ્પષ્ટ કહી દેવાયું છે કે જો નવી વ્યવસ્થા દેશના હિતમાં નહિ હોય તો તેમને છૂટો દોર નહિ મળે. પાર્લામેન્ટના ૬૫૦ સાંસદોમાં ૨૦૦થી ઓછાં સાંસદ બ્રેક્ઝિટને સમર્થન આપી રહ્યા છે. આમ રીમેઈન છાવણી હજુ પણ સંસદમાં પ્રભાવી રહેશે.

• બ્રેક્ઝિટ પછી બોરિસ જ્હોન્સનને સમર્થન

એક સર્વેમાં ધ ડેઈલી ટેલિગ્રાફના લગભગ ૧૯,૦૦૦ લવાજમી ગ્રાહકોમાંથી ૬૯ ટકાએ ઈયુ રેફરન્ડમમાં બ્રેક્ઝિટને સમર્થન આપવાનો ઈરાદો જાહેર કર્યો છે. ૪૨ ટકા મતદારોએ જનમત પછી ડેવિડ કેમરનના સ્થાને બોરિસ જ્હોન્સન ટોરી પાર્ટીના નેતા બને તેવી પણ તરફેણ કરી હતી. ટોરી પાર્ટીના નેતા તરીકે બ્રેક્ઝિટના બીજા અગ્રણી અને જસ્ટિસ સેક્રેટરી માઈકલ ગોવને ૧૬ ટકા, હોમ સેક્રેટરી થેરેસા મેને ૧૩ ટકા અને ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નને માત્ર આઠ ટકાએ સમર્થન આપ્યું હતું.

• શ્વેત પુરુષોને લઘુમતી ચર્ચામાં હાજર ન રહેવા દેવાયા

ધ યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયનની ડાઈવર્સિટી અંગેની ચર્ચામાં ભાગ લેતા શ્વેત પુરુષ સભ્યોને અટકાવાયા હતા. આ માટે તેઓ લઘુમતી પ્રશ્નોની સમજ ધરાવતા ન હોવાનું કારણ અપાયું હતું. વાર્ષિક ઈક્વલિટી કોન્ફરન્સમાં હાજરી આપવાની અરજી કરતી વેળાએ સભ્યોએ તેઓ સમલિંગી, વિકલાંગ અથવા વંશીય લઘુમતીના છે કે કેમ તે જણાવવું પડે છે.

• રોધરહામ ઈન્કવાયરી આઠ વર્ષ ચાલશે

રોધરહામ ગ્રૂમિંગ કૌભાંડમાં ક્રિમિનલ ઈન્કવાયરી બ્રિટનમાં સૌથી મોટી બાળ યૌનશોષણ તપાસ બની છે, જેમાં ૧૦,૦૦૦ કડીઓની તપાસ ચાલી રહી છે. આ તપાસ ઓછામાં ઓછા આઠ વર્ષ ચાલશે અને તેની પાછળ ૩૦ મિલિયન પાઉન્ડથી વધુ ખર્ચ થશે તેમ મનાય છે. રોધરહામ વિસ્તારમાં ૧૬ વર્ષના સમયગાળામાં સેંકડો શકમંદોના હાથે ૧,૦૦૦થી વધુ બાળાઓ સામે જઘન્ય ગુના આચરવામાં આવ્યા હતા.

• ટોરી સાંસદ ડબલની સહાયક સાથે એફેર

સેન્ટ ઓસ્ટેલ એન્ડ ન્યુક્વાયના ૪૯ વર્ષીય કન્ઝર્વેટિવ સાંસદ સ્ટીવ ડબલે તેમની ૨૬ વર્ષીય પરીણિત ઓફિસ આસિસ્ટન્ટ સારાહ બન્ટ સાથે એફેર હોવાનો સ્વીકાર કર્યો છે. નવાઈની વાત એ છે કે સ્ટીવ ડબલ પારિવારિક મૂલ્યોના મંચ પર પ્રચાર કરીને સાંસદ બન્યા પહેલા પાદરી હતા. તેમણે પોતાની પત્ની એનને દુઃખ પહોંચાડવા બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter