નોર્થમ્બ્રિયા પોલીસના વડા ચીફ કોન્સ્ટેબલ સ્ટીવ અશ્માને આશંકા વ્યક્ત કરી છે કે યુકે ઈયુને છોડ્યા પછી વિદેશી ક્રિમિનલ્સ માટે વધુ આકર્ષક સ્થળ બની રહેશે. યુરોપિયન બ્લોકને છોડ્યા પછી યુકેમાંથી કામગીરી કરતા વિદેશી ક્રિમિનલ્સમાં ઘટાડો થશે તેવી દલીલને ફગાવતા તેમણે કહ્યું હતું કે અલગ થયા પછી યુકે પોલીસ યુરોપિયન એરેસ્ટ વોરન્ટનો અમલ કરી શકશે નહિ અથવા તેમના સમકક્ષ યુરોપીય સાથીઓ પાસેથી સર્વેલન્સ કે માહિતીમાં સહભાગી થવાની સિસ્ટમની સુવિધા મેળવી શકશે નહિ. તમે લોકોના પ્રત્યાર્પણની તાકાત ગુમાવી દેશો તો ચોક્કસ ક્રિમિનલ ગેંગ માટે યુકે લલચાવનારું સ્થળ બની જશે.
• ડાઈવોર્સના ખર્ચનો અડધો હિસ્સો વકીલોના ખિસ્સામાં
યુકેના દંપતીઓમાં ડાઈવોર્સનું પ્રમાણ વધવા સાથે તે પાછળનો ખર્ચ પણ સરેરાશ ૭૦,૨૪૩ પાઉન્ડ જેટલો વધી ગયો છે. આ રકમમાંથી અડધો હિસ્સો તો વકીલોના ખિસ્સામાં જાય છે તેમ નવા સર્વેમાં જણાયું છે. જો દંપતી પાસે ઘર, કાર અને પેન્શન ફંડ જેવી પ્રોપર્ટી અને રોકાણો સંયુક્ત નામે હોય તે વેચવાની પણ ફરજ પડે છે, જેમાં સૌથી વધુ ખોટ જાય છે. સર્વે અનુસાર ડાઈવોર્સ લેતાં દંપતી વકીલોને સરેરાશ ૧૭,૦૦૦થી ૩૦,૦૦૦ પાઉન્ડ જેટલી ફી ચૂકવે છે.
• હોમ કેર સર્વિસ કંપનીઓએ માલિકોને લાખો ચૂકવ્યા
વૃદ્ધોને હોમ કેર સર્વિસ પૂરી પાડતી પાંચ સૌથી મોટી કંપનીઓએ સેવાના ધોરણોની કટોકટી હોવાં છતાં તેના માલિકોને ૩૬ મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં છે. કોર્પોરેટ વોચ ગ્રૂપના અભ્યાસ મુજબ કંપની એકાઉન્ટ્સમાં ૩૪ મિલિયન પાઉન્ડની જવાબદારીઓ પણ છે. મોટી કંપનીઓ દ્વારા ૧૯૨ ડોમિસિલિયરી કેર સર્વિસીસનું સંચાલન કરવામાં આવે છે, જેમાંથી ૮૦ સર્વિસને સુદારાની જરુર હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
• મોટરવે પર સ્પીડ લિમિટ વધારાશે
માર્ગો પરની ભીડ ઓછી કરવાની યોજનામાં વાહનચાલકોને મોટરવે રોડવર્ક્સ નજીક પ્રતિ કલાક ૫૦ માઈલથી વધુ ઝડપે નહિ હંકારવાના નિયમો રદ કરવામાં આવે તેવી શક્યતા છે. આ યોજનાના ભાગરુપે રોડવર્ક્સ પર ગતિનું ધ્યાન રાખતાં સરેરાશ સ્પીડ કેમેરામાં સુધારા કરવામાં આવશે. શેફિલ્ડ નજીક એમ-વન પર ચાર માઈલના પટ્ટામાં પહેલી વખત પ્રતિ કલાક ૬૦ માઈલની ગતિમર્યાદાને મંજૂરી અપાઈ હતી.

