• બ્રેક્ઝિટથી સ્કોટલેન્ડ ૮૦,૦૦૦ નોકરી ગુમાવશે

- Tuesday 11th October 2016 06:50 EDT
 

યુકે યુરોપિયન સિંગલ માર્કેટમાંથી નીકળી જાય તો સ્કોટલેન્ડના અર્થતંત્રને એક દસકામાં આઠ બિલિયન પાઉન્ડની ખોટ જવાની ચેતવણી ફ્રેઝર ઓફ અલાન્ડર્સ ઈન્સ્ટિટ્યુટ થિન્કટેન્કે આપી છે. હાર્ડ બ્રેક્ઝિટથી સ્કોટલેન્ડ ૮૦,૦૦૦ જેટલી નોકરીઓ ગુમાવશે અને માથાદીઠ વાર્ષિક ૨,૦૦૦ પાઉન્ડ જેટલું વેતન ઘટશે. સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ બ્રેક્ઝિટની શરતો વિશે મતદાનની માગણી કરી શકે છે. નોર્વેની માફક યુકે ઈયુની બહાર રહી સિંગલ માર્કેટનું સભ્ય બની રહે તો પણ સ્કોટિશ અર્થતંત્રને ૧૦ વર્ષમાં આઠ બિલિયન પાઉન્ડ જેટલી ખોટ જશે.

• બ્રિટનમાં LGB ઓળખનું પ્રમાણ વધ્યું

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ૨૦૧૫ના સર્વે અનુસાર બ્રિટનમાં ૧૬-૨૪ વયજૂથના ૩.૩ ટકા લોકો અથવા ૩૦માંથી આશરે એક વ્યક્તિ (૩૩૪,૦૦૦) પોતાને લેસ્બિયન, ગે અથવા બાયસેક્સ્યુઅલ (LGB) તરીકે ઓળખાવી રહ્યા છે. બ્રિટનમાં ૨૦૧૨માં ૩૮માંથી એક (૨૩૦,૦૦૦) વ્યક્તિ આવી ઓળખ આપતી હતી. રાષ્ટ્રીય સરેરાશ ૬૦માંથી એક વ્યક્તિની છે. લંડન વિસ્તારમાં સૌથી વધુ LGB પ્રમાણ ૨.૬ ટકાનું હતું, જ્યારે ઈસ્ટ ઓફ ઈંગ્લેન્ડમાં સૌથી નીચું ૧.૨ ટકાનું પ્રમાણ હતું.

• TalkTalkને વિક્રમી ૪૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ

ઈન્ફોર્મેશન કમિશનર ઓફ્સે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર TalkTalk ને સાયબર એટેક સંદર્ભે સલામતી નિષ્ફળતાના મુદ્દે વિક્રમી ૪૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. TalkTalk ના ૧૫૦,૦૦૦થી વધુ ગ્રાહકોની ઓક્ટોબર ૨૦૧૫ના સાયબર એટેકમાં અંગત વિગતો હેક કરાઈ હતી, જેમાં ૧૫,૦૦૦ ગ્રાહકોની અતિ ગુપ્ત વિગતોનો પણ સમાવેશ થયો હતો. ઈન્ફોર્મેશન કમિશનર એલિઝાબેથ ડેન્હામે કહ્યું હતું કે પાયાની સાયબર સલામતી વિશે થોડી કાળજી લેવાઈ હોત તો આ હુમલો નિવારી શકાયો હોત. અગાઉ, ૪૬ મિલિયન ન્યુસન્સ કોલ્સ મુદ્દે સ્પામ-કોલિંગ કંપની પ્રોડાયલને સૌથી વધુ ૩૫૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો હતો.

• જસ્ટિન ગ્રીનિંગની હીથ્રો રનવે મુદ્દે લડત

એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગ હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવેના મુદ્દે લડત ચલાવતાં રહેશે. જોકે, તેમણે આ મુદ્દે રાજીનામું આપવા ઈનકાર કર્યો છે. ગ્રીનિંગનો પટની મતવિસ્તાર હીથ્રો એરપોર્ટની નજીક જ હોવાથી અવાજનું પ્રદુષણ વધી જવાની દલીલ કરે છે. અનેક ટોરી સભ્યો પણ હીથ્રોના વધારાના રનવેનો વિરોધ કરી રહ્યા છે. થેરેસા મેએ પણ અગાઉ તેમના મેઈડનહીડ મતવિસ્તારમાં અવાજ અને વાયુ પ્રદુષણ વધતું હોવાના મુદ્દે હીથ્રો સાથે સંઘર્ષ કર્યો હતો. જોકે, હવે તેઓ ત્રીજા રનવેની તરફેણ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter