બ્રેક્ઝિટની આર્થિક અસર અગાઉની દારણાની સરખામણીએ તીવ્ર નહિ રહે પરંતુ, તેની પીડા લાંબો સમય રહેશે તેમ ટ્રેઝરીના આગાહી મોડેલનો ઉપયોગ કરતી EY Item Clubના ચીફ ઈકોનેમિક એડવાઈઝર પીટર સ્પેન્સર દ્વારા જણાવાયું છે. ક્લબની ધારણા છે કે આ વર્ષે અર્થતંત્રની વૃદ્ધિ ૧.૩ ટકા રહેશે, જે અગાઉની આગાહીઓમાં માત્ર ૦.૮ ટકાની વૃદ્ધિ જ જણાવાઈ હતી. જોકે, અર્થતંત્ર કન્ઝ્યુમર્સના ખર્ચથી દૂર થઈ નિકાસો તરફ જવાનું અનુકૂલન સાધશે તેથી ૨૦૧૮માં માત્ર ૧.૦ ટકાની વૃદ્ધિ થવાની ધારણા ક્લબે કરી છે.
• પ્રદુષણ ડામવા સ્પીડ લિમિટ અને દંડ
હાઈવેઝ ઈંગ્લેન્ડ દ્વારા બ્રિટનના સૌપ્રથમ પ્રદુષણ સંબંધિત ગતિમર્યાદા અને દંડ લાદવાના નિયમો વિચારાઈ રહ્યા છે. M1 રોડ પર અતિ વ્યસ્ત સમયગાળામાં પ્રતિ કલાક ૬૦ માઈલની ગતિમર્યાદાથી વધુ ઝડપે વાહન ચલાવનારે દંડ ચુકવવો પડશે. શેફિલ્ડ નજીક M1 રોડ સ્કીલ્સ અને રહેણાંક વિસ્તાર પાસે થઈને પસાર થાય છે ત્યાં આ નિયમો લાગુ કરવામાં આવશે. આ વિસ્તારોમાં હવાઈ પ્રદુષણ અનેક વખત યુકે અને યુરોપિયન યુનિયનની મર્યાદાને પાર થાય છે. ટ્રાન્સપોર્ટ વિભાગ ૧૦૬ મિલિયન પાઉન્ડના ખર્ચે સ્માર્ટ મોટરવે ખુલ્લો મૂકવાનું છે ત્યારે માર્ચ મહિનાથી ગતિમર્યાદા અને દંડના નિયમો લાગુ કરાશે. હાલ આ માર્ગ પરથી દિવસના ૧૩૦,૦૦૦ વાહનો પસાર થાય છે પરંતુ, સ્માર્ટ મોટરવેના કારણે તેમાં રોજના ૫,૦૦૦થી ૧૦,૦૦૦ વાહનોનો ઉમેરો થશે.
• ટ્રાઈડન્ટ મિસાઈલના ફિયાસ્કાનો ઢાંકપિછોડો
સરકારે બ્રિટનના મહત્ત્વાકાંક્ષી ટ્રાઈડન્ટ મિસાઈલના ફિયાસ્કાનો ઢાંકપિછોડો કર્યાનું બહાર આવતા સનસનાટી મચી છે. ન્યુક્લીઅર વોરહેડ્સથી સજ્જ ટ્રાઈડન્ટ II DS મિસાઈલ લાખો લોકોને ખતમ કરી શકે છે. ગયા વર્ષે ફ્લોરિડાના તટે બ્રિટિશ સબમરિનમાંથી લોન્ચ કરાયેલા આ મિસાઈલને નિષ્ફળતા સાંપડી હતી. બ્રિટિશ મિસાઈલનું ચાર વર્ષમાં પ્રથમ ફાયરિંગ પરીક્ષણ હતું, જેની નિષ્ફળતાથી વેપન્સ સિસ્ટમની વિશ્વનીયતા અને સલામતી બાબતે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ડાઉનિંગ સ્ટ્રીટે આ સમાચાર પર બ્લેકઆઉટ પાથરી દીધો હતો.
• ફ્રોડ અને સાયબર ક્રાઈમ સૌથી વધુ
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં સપ્ટેમ્બર સુધીના ૧૨ મહિનામાં ૧૧.૮ મિલિયન ક્રાઈમ નોંધાયા હતા, જેમાંથી લગભગ અડધાથી ઓછાં ક્રાઈમ ફ્રોડ અને સાયબર ક્રાઈમ સંબંધિત હતા. આવા ગુનાના ઉછાળામાં બેન્કોને પણ અંશતઃ કારણભૂત ગણવામાં આવે છે. ગુનાઓમાં ૧૯૮૧થી રેકોર્ડ નોંધાતા થયા ત્યારથી સર્વેમાં ચોરીનો ગુનો ગયા વર્ષે ૩.૬ મિલિયન સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. બેન્કો અને બિલ્ડિંગ્સ સોસાયટીઓ દાવો કરે છે કે તેઓ ફ્રોડના પ્રયાસોના ૬૦ ટકાને સફળ થવા દેતી નથી. જોકે, ફ્રોડના ૪૦ ટકા પ્રયાસ સફળ થાય છે તે ચિંતાજનક બાબત છે. સૌથી ઝડપે વધી રહેલા કૌભાંડમાં ઠગારાઓ પોલીસ અથવા બેન્કના પ્રતિનિધિના સ્વાંગમાં વૃદ્ધ શિકારનો ફોન પર સંપર્ક કરે છે અને તેમની સલામતી માટે તેમના બેન્કખાતામાં રહેલી જીવનભરની બચતો સમાન રકમો કહેવાતાં ‘સલામત એકાઉન્ટ’માં ટ્રાન્સફર કરવા સમજાવે છે.
• રેલપ્રવાસીઓએ રીફન્ડ માગ્યું
સધર્ન રેલવેના સંખ્યાબંધ રોષિત પ્રવાસીઓએ વિલંબ, કેન્સલેશન્સ અને નબળી સેવાના કારણે તેમના ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડર્સ પાસેથી રીફન્ડની માગણી કરી છે. શોન નામના એક પ્રવાસીને અમેરિકન એક્સપ્રેસ દ્વારા ૨,૪૦૦ પાઉન્ડનું રીફન્ડ અપાયું પણ છે. યુકે કાર્ડ્સ એસોસિયેશન દ્વારા જણાવાયું છે કે કાર્ડ ઈસ્યુ કરનારા ‘ચાર્જબેક’ સ્કીમ હેઠળ રીટેઈલર્સ બેન્ક પાસેથી નાણા રીક્લેઈમ કરી શકે છે. ટ્રેનોનાં કેન્સલેશન્સ અને વિલંબ માટે કુખ્યાત બનેલી સધર્ન રેલવેએ વાર્ષિક સીઝન ટિકિટધારકો માટે એક મહિનાના પ્રવાસ સુધીના વળતરની સ્કીમ જાહેર કરી છે. તેણે ટ્રેનોનાં પ્રવાસમાં ૧૫ મિનિટથી વધુ વિલંબ થાય તો પણ વળતરની સ્કીમ અમલી બનાવી છે. જોકે, પેસેન્જર્સ કહે છે કે વળતરના દાવાની પ્રક્રિયા ભારે કંટાળાજનક હોવાં ઉપરાંત, ટેકનિકલ કારણો આગળ ધરી દાવા ફગાવી દેવાનું પ્રમાણ પણ વધારે છે.

