બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ અને ડેપ્યુટી લીડર કાઉન્સિલર માઈકલ પેવીએ બ્રેન્ટના રહેવાસીઓ માટે વધુ ભંડોળની માગણી કરી છે. બજેટ બેઠકો અગાઉ નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલને વ્યક્તિદીઠ ૨૫૫ પાઉન્ડનું સરકારી ભંડોળ અપાય છે તો આવી જ જરૂરિયાતો ધરાવતી બ્રેન્ટ કાઉન્સિલને ૧૭૬ પાઉન્ડ શા માટે અપાય છે. બ્રેન્ટ જેવી લોકલ ઓથોરિટીઝ સ્થાનિક લોકોને વધુ સારી સુવિધા આપે તેના વખાણ થાય છે, પરંતુ આવી સેવા માટે જરૂરી ભંડોળ ચાન્સેલર આપતા નથી.
• ચર્ચમાં હાજરીમાં વિક્રમી ઘટાડો
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતી જવાથી ચિંતામાં છે. વૃદ્ધ શ્રદ્ધાળુઓનાં મોત થવા સાથે રવિવારે ચર્ચમાં લોકોની હાજરી ૨૨,૦૦૦ જેટલી ઘટીને ૭૬૪,૭૦૦ની સંખ્યાએ પહોંચી છે. ઈંગ્લેન્ડની વસ્તીના માત્ર ૧.૪ ટકા લોકો રવિવારે સવારે એન્ગ્લિકન સર્વિસીસમાં હાજરી આપે છે. આર્ચબિશપ ઓફ કેન્ટરબરીએ ચેતવણી આપી છે કે એન્ટી ક્રિશ્ચિયન સંસ્કૃતિમાં વધારો થવાથી ચર્ચ અસ્તિત્વ જાળવવાની લડાઈ લડી રહ્યું છે.
• જેલમાં સિમ કાર્ડ્સના સ્મગલિંગ બદલ જેલ
વેલફર્ડ રોડ પર લેસ્ટરની જેલમાં ભાઈને સિમ કાર્ડ્સ પહોંચતા કરવાનો પ્રયાસ કરનારા ૨૨ વર્ષીય ઈબ્રાહીમ અહેમદની ધરપકડ પછી છ માસ જેલની સજા ફરમાવાઈ હતી. જેલમાં બંધ ભાઈની મુલાકાત લેવા જતા સમયે તેની તપાસ કરાઈ ત્યારે તેની પાસેથી ત્રણ સિમ અને ડેટા કાર્ડ જપ્ત કરાયા હતા. તેણે બચાવમાં કહ્યું હતું કે તે આ વસ્તુઓ વિઝિટર લોકરમાં મૂકવાનું ભૂલી ગયો હતો. લેસ્ટર ક્રાઉન કોર્ટે જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા બદલ તેને દોષિત ઠરાવ્યો હતો.
• લેસ્ટર ઈકો હોમ્સના રહેવાસીઓની ફરિયાદો
લેસ્ટર સિટી કાઉન્સિલના ઈકો હોમ્સના રહેવાસીઓએ પાંચ જ વર્ષ જૂની એસ્ટેટની ખામીઓની ફરિયાદો કરી છે. એસ્ટેટમાં ૧૪૨ ઘર છે અને તેના રહેવાસીઓએ સોલાર પેનલ્સ, હીટિંગ, ભેજ, ટોઈલેટમાં ગળતર અને છતના ગાબડાં સહિત અનેક ફરિયાદ સિટી કાઉન્સિલર સ્યૂ હન્ટર સમક્ષ કરી છે. થોડાં સમય અગાઉ હેલ્થ કેર આસિસ્ટન્ટ ઝિનત જુસબના માથે સીલિંગ પેનલ પડવાથી ઈજા થઈ હતી.
• સીરિયામાં શહીદ થવાની તારીનાની ઈચ્છા
ઈસ્લામિક સ્ટેટના ગઢમાંથી બ્રિટન પરત આવેલી પ્રથમ મહિલા તારીના શકીલ સામે ત્રાસવાદનો કેસ ચાલી રહ્યો છે. તારીના ઓક્ટોબર ૨૦૧૪માં માત્ર ૧૪ મહિનાના બાળક સાથે ઈસ્લામિક સ્ટેટમાં જોડાવા સીરિયા પહોંચી હતી. તેણે પિતાને ‘હું અહીં જ શહીદ તરીકે મરવા ઈચ્છું છું’ એમ કહ્યાંનું મનાય છે. તારીનાએ પોલીસને એમ જણાવ્યું હતું કે ઈસ્લામિક સ્ટેટ દ્વારા તેનું અપહરણ કરાયું હતું. બર્મિંગહામ ક્રાઉન કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે તારીનાએ યુકેમાં તેના મિત્રો અને સગાંને તે સીરિયામાં ખુશ હોવાના સંદેશા મોકલ્યાં હતાં. તેણે ત્યાં કોઈ જેહાદી સાથે લગ્ન કર્યાની કે લગ્ન થવાના હોવાનું પણ કોર્ટ સમક્ષ જણાવાયું હતું.
• સાંસદે દૂધ અને ટીબેગ્સનો ખર્ચ પણ માગ્યો
કન્ઝર્વેટિવ સાંસદ જ્યોફ્રી કોક્સે દૂધ માટે ૪૯ પેન્સ અને ટીબેગ્સ માટે બે પાઉન્ડનો ખર્ચ મેળવવાનો ક્લેઈમ કર્યો હતો, જેને એક્સપેન્સીસ વોચડોગે નકારી કાઢ્યો છે. સાંસદ કોક્સે બે વર્ષના ગાળામાં તેમની કમાણી ૮૨૦,૦૦૦ પાઉન્ડ હોવાની જાહેરાત કરી હતી. સાંસદે બચાવમાં કહ્યું હતું કે ક્લેઈમ કરવાના નિયમોમાં ફેરફાર થયાની બાબત સ્ટાફના ધ્યાન બહાર ગઈ હતી. જોકે, લેબર પાર્ટીના સાંસદ સ્ટીફન કિનોકનો ‘મિલ્ક બ્રધર’ માટે ૩૪.૯૯ પાઉન્ડનો ક્લેઈમ સફળ રહ્યો હતો.
• મુસ્લિમ બોયફ્રેન્ડ ગુમાવવાના ભયથી આપઘાત
એરેન્જ્ડ મેરેજ થવાથી મુસ્લિમ બોયફ્રેન્ડ ગુમાવવો પડશે તેવા ભયથી ફેશન ડિઝાઈનર સુક યિન ચેન્ગે આપઘાત કર્યો હોવાનું તેની ઈન્ક્વેસ્ટમાં જણાવાયું હતું. ગત જુલાઈમાં ‘કાલી’ નામે પણ ઓળખાતી ૨૦ વર્ષીય યુવતીએ લોરી સામે પડતું મૂક્યું હતું. તેણે આપઘાતના અડધો કલાક પહેલા બોયફ્રેન્ડ કાહિલ મોહમ્મદને પણ ફોન કરી પ્રેમ પ્રદર્શિત કર્યો હતો. ચાઈનીઝ ચેન્ગે પોતાની ચિંતા મિત્રો અને સોશિયલ મીડિયામાં પણ દર્શાવી હતી.

