પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે રાજકારણમાં પાછા ફરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. તેમણે કહ્યું હતું કે હાર્ડ બ્રેક્ઝિટની રુઢિચુસ્તતા અને અતિ ડાબેરી લેબર પાર્ટીના પડકારને ઝીલી શકે તેવા મધ્ય રાજકીય પરિબળે ઉભાં થવું જ જોઈએ. આવું મધ્ય પરિબળ લેબર પાર્ટીમાંથી ઉભું થશે અને તેમાં પોતાની ભૂમિકા હોઈ શકે તેમ બ્લેરે જણાવ્યું હતું. પાર્ટીને ચૂંટાઈ આવવામાં મદદ કરે તેવી રાજકીય ભૂમિકા શોધવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જેરેમી કોર્બીન વિશે જણાવ્યું હતું કે તેમનું રાજકારણ બ્રિટનને ૧૯૬૦ના દાયકામાં પાછું લઈ જશે. ટોની બ્લેર ગત નવ વર્ષથી મુખ્ય રાજકારણની બહાર છે.
• હીથ્રોના ત્રીજા રનવેને પરવાનગી મળે તો રાજીનામું
સરકાર હીથ્રો એરપોર્ટના ત્રીજા રનવેને મંજૂરી આપશે તેવા અહેવાલો મધ્યે રિચમન્ડના સાંસદ ઝેક ગોલ્ડસ્મિથે રાજીનામું આપી દેવાનો ઈરાદો જાહેર કર્યો છે. લંડનના મેયરપદની સ્પર્ધામાં પરાજિત કન્ઝર્વેટિવ સાંસદ હીથ્રોના ત્રીજા રનવેના ભારે વિરોધી છે. તેમણે કહ્યું હતું કે ૨૦૧૦માં ચૂંટાયો ત્યારે પણ મારું આ વલણ હતું, જેમાં કોઈ ફેરફાર થયો નથી. સરકાર કોઈ પણ નિર્ણય લેશે પરંતુ ત્રીજા રનવેથી કોઈ ફાયદો થવા અંગે પ્રશ્નાર્થ છે.
• બ્રિટિશ ફિલ્મોમાં અશ્વેત પાત્રોનો છેદ ઉડાવાયો
બ્રિટિશ ફિલ્મ ઈન્સ્ટિટ્યુટ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતા ડેવિડ ઓયેલોવોએ કહ્યું હતું કે બ્રિટિશ ઈતિહાસમાંથી રંગીન વર્ણના લોકોનો છેદ ઉડાવી દેવાયો છે. ગત ૧૦ વર્ષમાં નિર્મિત ૬૦ ટકા બ્રિટિશ ફિલ્મોમાં કોઈ પ્રખ્યાત અશ્વેત પાત્રનો ઉલ્લેખ કરાયો નથી અને માત્ર ૧૩ ટકા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અશ્વેત એક્ટર અભિનય કરે છે. છેક ૧૯૧૧થી યુકેની ૧,૧૭૨ ફિલ્મોના અભ્યાસ મુજબ ગત દસકામાં પાંચ મહિલા સહિત ૧૫ અશ્વેત અભિનેતાએ જ મુખ્ય ભૂમિકા ભજવી છે. બ્રિટિશ ફિલ્મોના સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ૧૦૦ એક્ટર્સની યાદીમાં માત્ર ચાર અશ્વેત એક્ટરને સ્થાન મળ્યું છે.

