દેશમાં જેરેમી કોર્બીનની સંભવિત સરકાર સામે તેમના જ પક્ષના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે ચેતવણી ઉચ્ચારી છે. બ્લેરે બીબીસી સાથે ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે લેબર પાર્ટીના નેતા કોર્બીન અથવા તેમના જેવા ડાબેરી કે જમણેરી પોપ્યુલિસ્ટ રાજકારણીઓ થકી સરકાર રચવાનો અખતરો દેશ માટે ખતરો બની શકે છે. કોર્બીન રાજકીય પરિબળ કરીકે ઉપસી આવવા પાછળ પોતે જવાબદાર હોવાના સૂચનને પૂર્વ લેબર વડા પ્રધાને ફગાવી દીધું હતું. ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં વિજેતા રહેલા બ્લેર અને કોર્બીન એકબીજાના વિરોધી છે.
• બળાત્કાર માટે ઊંઘમાં ચાલવાનો બચાવ ન ચાલ્યો
ઊંઘમાં ચાલવાની બીમારીનું કારણ આગળ ધરીને સ્કોટલેન્ડમાં બળાત્કારના કેસમાંથી છૂટી ગયેલા આર્મી સાર્જન્ટ જોસેફ શોર્ટને ઈંગ્લેન્ડમાં અન્ય બે મહિલા સામે બળાત્કારના કેસમાં જ્યુરીએ ૧૧ વર્ષની કેદની સજા ફરમાવી છે. જ્યુરીએ તેનું ‘સેક્સોમ્નિયા’નું તબીબી કારણ ફગાવી દીધું હતું. એડિનબરામાં પોસ્ટિંગ ધરાવતા શોર્ટ સામે ૨૦૧૧માં બળાત્કાર સંબંધે પોલીસ તપાસ થઈ હતી. બળાત્કારી હુમલા સમયે તે જાગ્રતાવસ્તામાં ન હોવાની દલીલ પછી ક્રાઉન દ્વારા કેસમાં આગળ ન વધવા નિર્ણય લીધો હતો. હલમાં અન્ય કેસમાં પણ તેણે આ જ દલીલ કરી હતી. જોકે, ઈંગ્લેન્ડમાં જ્યુરીએ આ દલીલ માન્ય રાખી ન હતી.
• સ્કોટલેન્ડમાં કેન્સરની વન્ડર ડ્રગને માન્યતાની વિનંતી
બ્રેસ્ટ કેન્સર ધરાવતી સ્કોટિશ માતા લેસ્લી ગ્રેહામે ઈંગ્લેન્ડમાં ઉપયોગમાં લેવાતી કેન્સર ડ્રગને સ્કોટલેન્ડમાં માન્યતા આપવાની માગણી કરી હતી. લેસ્લીએ હેલ્થ સેક્રેટરી શોના રોબિન્સનને આ વિશે પત્ર લખી NHSમારફત આ મોંઘી દવા સ્કોટલેન્ડમાં પણ મળી શકે તેવી વિનંતી કરી છે, જેથી તેનું જીવન છ મહિના લંબાઈ શકે. વન્ડર ડ્રગ કેડસાયલા અત્યંત મોંઘી હોવાથી સ્કોટલેન્ડમાં તેના ઉપયોગને માન્યતા અપાઈ નથી. એક વર્ષનો દવાનો કોર્સનો ખર્ચ ૯૦,૦૦૦ પાઉન્ડ જેટલો થાય છે, જે સામાન્ય લોકોની પહોંચની બહાર છે.
• બીમાર બિઝનેસીસને રાહત મળશે
ઈન્સોલવન્સી સર્વિસ દ્વારા સંઘર્ષ કરી રહેલી પેઢીઓને ત્રણ મહિના દેવાંમોકુફીનો ગ્રેસ પીરિયડ આપવાની દરખાસ્ત કરાઈ છે. સરકારના આ પ્રસ્તાવથી આવી કંપનીઓ બંધ કરવા લેણદારોના સતત દબાણનો સામનો કરી રહેલી કંપનીઓ-બિઝનેસીસને થોડી રાહત મળશે. ‘બિઝનેસને બચાવવા માટે દેવાંમોકુફી’ મારફત કંપનીઓને તેમની કામગીરીને સુધારવાની ફ્લેક્સિબિલિટીની સાથે જ ‘લેણદારો દ્વારા દબાણ અને કાનૂની કાર્યવાહીથી મુક્તિ’ મળશે. મોટા ભાગની નાદારીની પ્રક્રિયાઓમાં ૨૦૦૪થી લગભગ કોઈ ફેરફાર થયો નથી તેવી સ્થિતિમાં આ પ્રક્રિયાઓ સંબંધિત હેતુઓ માટે યોગ્ય છે કે નહિ તેનું મૂલ્યાંકન થઈ રહ્યું છે.
• કેમ્બ્રિજને નડતી હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત
બ્રિટનમાં સૌથી ઝડપે વિકસતા ટેકનોલોજી બિઝનેસ સેન્ટરોમાં એક કેમ્બ્રિજને આવા અન્ય કેન્દ્રોથી પાછળ પડી જવાનો ભય ઊભો થયો છે. એક અભ્યાસ અનુસાર બોસ્ટન જેવા કેન્દ્રની સરખામણીએ તેને હાઉસિંગ, ઓફિસ અને રિસર્ચ સ્પેસ તેમજ ટ્રાન્સપોર્ટ સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત નડી રહી છે. કેમ્બ્રિજમાં ૪,૩૦૦થી વધુ જ્ઞાન આધારિત કંપનીઓ છે, જેમાં ૫૮,૦૦૦થી વધુ લોકો કામ કરે છે. આમાના મોટા ભાગના લોકો ત્યાંની કોલેજોમાંથી જ કામે લાગે છે.
• અશ્વેત વિદ્યાર્થીઓ દ્વારા જેલનાબૂદીનો ઠરાવ
અશ્વેત વિદ્યાર્થીઓની એક કોન્ફરન્સમાં આફ્રિકન અને કેરેબિયન કેદીઓના ઊંચા પ્રમાણ વિશે ચિંતા વ્યક્ત કરી જેલો નાબૂદ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. બ્રેડફર્ડમાં ૨૮ મે, શનિવારે નેશનલ બ્લેક સ્ટુડન્ટ્સ કોન્ફરન્સમાં જેલો સેક્સવાદી, રંગભેદી હોવા સાથે ફરી અપરાધ કરવાનું પ્રમાણ સ્વીકારી ન શકાય તેવું ઊંચુ ગણાવી જેલોને નાબૂદ કરવા ‘પ્રિઝન્સ આર ઓબ્સોલેટ, એબોલિશ ધેમ’ મથાળા સાથેનો ઠરાવ પસાર કરાયો હતો.

