સ્થાનિક હર્ટ્સમીઅર બરો કાઉન્સિલની પ્લાનિંગ કમિટીના આયોજકોએ લંડનમાં ઉત્તર એલ્ડનહામમાં ISKCON ભક્તિવેદાંત મેનોર ખાતે કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સર્વાનુમતે સત્તાવાર પરવાનગી આપી છે. મંદિર દ્વારા બે માળના કોમ્યુનિટી બિલ્ડિંગ અથવા હવેલીના નિર્માણ તેમજ હાલની પોલી ટનેલ્સ, ગ્રીનહાઉસીસ અને પ્લેગ્રાઉન્ડને અન્યત્ર ખસેડવા અરજી કરી હતી. મંદિરના મેનેજિંગ ડિરેક્ટર ગૌરી દાસે કોમ્યુનિટી ફેસિલિટી માટે પરવાનગી મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
• ISISયુરોપ પર અણુહુમલાનું કાવતરું ઘડે છે
ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ બ્રિટન અને યુરોપ પર બાયોલોજિકલ અને ન્યુક્લિયર એટક કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. યુરોપિયન યુનિયન અને નાટો સિક્યુરિટીના વડાએ આપેલી વોર્નિંગ મુજબ સીરિયા અને ઇરાકમાં સક્રિય આતંકવાદીઓ પશ્ચિમી દેશોમાં મોટી તબાહી મચાવવા બાયોલોજિકલ, કેમિકલ અને રેડિયોએક્ટિવ શસ્ત્રસામગ્રી એકત્ર કરી રહ્યા છે. ISIS આ હુમલાઓને અંજામ આપવા સિક્યુરિટીથી બચવાની પદ્ધતિઓ પણ ડેવલપ કરી રહ્યું છે. તેઓ માનવશરીરમાં બોમ્બ ઇમ્પ્લાન્ટ કરવાના અને ડ્રાઇવરલેસ કારોને હેક કરવાની ટેક્નિક ડેવલપ કરી રહ્યા છે, જેથી સરળતાથી હુમલા થઈ શકે.
• બ્રિટનના ૧૦૦ મોસ્ટ કનેક્ટેડ મેનમાં ત્રણ ભારતીય
બ્રિટનમાં વર્ષ ૨૦૧૬ના મોસ્ટ કનેકટેડ ૧૦૦ વ્યક્તિની યાદીમાં ભારતીય મૂળના ત્રણ વ્યક્તિ છે. યાદીમાં મુંબઇના વકીલ સરોશ ઝરીવાલા, ફેસબુક યુકેના જાહેર નીતિના વડા રિશી સહાય અને ફંડિગ સર્કલના ડાયરેકટર સમીર દેસાઇનો સમાવેશ થયો છે. યાદી તૈયાર કરવા માટે જી ક્યુ યુકે મેગેઝિને હોબ્સબાવનના નેટવર્કીંગ બિઝનેસ અને સંપાદકિય માહિતીનો ઉપયોગ કર્યો હતો. યાદીમાં સામેલ લોકોને ક્રમાંક અપાતા નથી, પરંતુ લોકોની પરોપકારી સેવા, તેમના નેટવર્ક તેમજ ક્ષમતાના આધારે જ પસંદગી કરાય છે.
• આમિર ભાટિયા હાઉસ ઓફ લોર્ડસમાંથી ફરી સસ્પેન્ડ
ભારતીય મૂળના આમિર ભાટિયાને બ્રિટનના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડસમાંથી આઠ મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમના પર ખોટા ખર્ચા બતાવવાનો આક્ષેપ છે. ૨૦૧૦માં પણ ૨૭,૪૪૬ પાઉન્ડના ખોટા ખર્ચ બતાવવા બદલ તેમને સસ્પેન્ડ કરાયા હતા. ૮૪ વર્ષના ભાટિયા હાઉસ ઓફ લોર્ડસના કરોડપતિ સભ્ય છે. તેમના પરના આરોપની તપાસ કરતી હાઉસ ઓફ લોર્ડસ સમિતિએ રજૂ કરેલા રિપોર્ટમાં ભાટિયાના સસ્પેન્શનની ભલામણ કરી હતી. રિપોર્ટ અનુસાર ભાટિયાએ જાન્યુઆરીથી જુલાઈ ૨૦૧૦ સુધી ૬૩ વખત સંસદ સભ્યોના આર્થિક મદદ સંબંધિત નિયમોનું ઉલ્લઘન કર્યું છે.

