હાઉસિંગ કટોકટીના ઉપાય તરીકે સ્થાનિક કાઉન્સિલોએ ભાડૂતોને તેમને હાંકી કાઢવામાં ના આવે ત્યાં સુધી ભાડે રાખેલી બાય-ટુ-લેટ પ્રોપર્ટી નહિ છોડવાની સલાહ આપી છે. આના પરિણામે મકાનમાલિકોએ કાનૂની કાર્યવાહીમાં સેંકડો પાઉન્ડનો ખર્ચ કરવો પડશે. જે મકાનમાલિકો વિદેશ રહ્યા પછી દેશમાં પોતાના મકાનોમાં પાછા ફરવા માગતા હોય તેમને પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. ભાડૂતોને ઘર ખાલી કરવાની કાર્યવાહીમાં સામાન્યપણે ચાર મહિના લાગે છે અને મકાનમાલિકોને સેંકડો પાઉન્ડનો ખર્ચ થાય છે.
• કેર હોમ અને માલિકને ભારે દંડ
બેલગ્રેવની પોર્ટલેન્ડ સ્ટ્રીટમાં ઓંકાર કેર હોમ અને તેના માલિક હરજાપસિંહ રિયાતને આરોગ્ય અને સલામતીના મુદ્દાઓ પર બેદરકારી સંબંધે ભારે દંડ કરાયો છે. રિયાત ૧૫ વર્ષથી કેર હોમ બિઝનેસમાં છે. લેસ્ટર કાઉન્સિલના અધિકારીઓએ નવેમ્બર ૨૦૧૪માં કેર હોમની મુલાકાત લઈ સુધારાનોટિસ આપી હતી. જાન્યુઆરી ૨૦૧૫માં બીજી મુલાકાત લેવાઈ ત્યારે કોઈ અમલ કરાયો ન હતો. કેર હોમને કુલ ૨૦,૧૨૦ અને રિયાતને કુલ ૨,૮૮૯ પાઉન્ડનો દંડ કરાયો હતો.
• પેન્શનરની હત્યાનો આરોપ
હેરોના ૪૪ વર્ષીય મોહસિન મનજી સામે અમિરઅલી મનજી નામના પેન્શનરની હત્યાનો આરોપ મૂકાયો છે. મોહસિને ૨૯ નવેમ્બરે અમીરઅલી પર હુમલો કર્યા પછી ત્રીજી ડિસેમ્બરે તેનું મોત નીપજ્યું હતું. આના પગલે ૧૩ જાન્યુઆરીએ મોહસિન સામે હત્યાનો આરોપ લગાવાયો હતો. અગાઉ, ૩૦ નવેમ્બરે ઈરાદાપૂર્વક શારીરિક ઈજા પહોંચાડવાનો આરોપ લગાવાયો હતો. તેને કસ્ટડીમાં રિમાન્ડ સોંપાયા હતા અને ૧૫ એપ્રિલે ઓલ્ડ બેઈલી કોર્ટમાં તેને હાજર કરાશે.
• ત્રણ લિથુઆનિયન બિલ્ડર ચોરીના રવાડે
પોલીસે ચોરીના રવાડે ચડેલા ત્રણ લિથુઆનિયન બિલ્ડરને સેટેલાઈટ નેવિગેશન ટેકનોલોજીની મદદથી ઝડપી લીધા હતા અને એક્સટર ક્રાઉન કોર્ટે આરોપીઓને છ વર્ષથી આઠ વર્ષ સુધીની સજા ફરમાવી હતી. આરોપી-ડેઈસીસ ગેસ્ટિલાવિસિયસ, અર્ટુરાસ માલીસોવાસ અને થોમસ પૌલાવિસિયસે આઠ મહિનાના ગાળામાં સસેક્સ અને વેસ્ટ કન્ટ્રીની ૩૯ પ્રોપર્ટીમાંથી ૧૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ કિંમતની જ્વેલરી અને કિંમતી ચીજવસ્તુઓ ચોરી હતી. તેમની કારમાં લાગેલા સેટેલાઈટ નેવિગેશનના લીધે પોલીસ તેમનો પતો મેળવી શકી હતી.
• ત્રાસવાદ સંબંધિત માહિતી છુપાવવાનો આરોપ
પોતાની સાથે ‘કૂતરા અને ગુલામ’ જેવો વ્યવહાર કરવા બદલ પતિ સાજિદ અસ્લમને ડાઈવોર્સ આપવા પ્રયાસ કરનારી ધર્માંતરિત મુસ્લિમ પત્ની લોર્ના મૂર સામે અતિ મહત્ત્વની માહિતી છુપાવવાનો આરોપ લગાવાયો છે. સાજિદનો ઈરાદો Isisમાં જોડાવાનો હોવાની માહિતી તેણે પોલીસને આપી ન હતી. ઓલ્ડ બેઈલી કોર્ટમાં સુનાવણીમાં લોર્નાએ ૨૦૧૪માં સાજિદ અસ્લમે સીરિયા જવા યોજના ઘડી હોવાની માહિતી હોવાનો ઈનકાર કર્યો હતો.

