ભારતીય બંધારણના ઘડવૈયા અને સમાજસુધારક ડો. બી.આર. આંબેડકર તેમજ સામાજિક અન્યાય સંબંધિત મુદ્દાઓનું સંશોધન કરી રહેલા ૨૫ ભારતીય વિદ્યાર્થીનું પ્રતિનિધિમંડળ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ (LSE)ની મુલાકાત લેશે. ભારતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય અને લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા ૨૧થી ૨૮ નવેમ્બર દરમિયાન આ પ્રવાસનું આયોજન કરાયું છે. ડો. આંબેડકરે LSEમાં અભ્યાસ કર્યો હતો. પ્રતિનિધિમંડળ વેસ્ટમિન્સ્ટર પેલેસીસ, બ્રિટિશ લાઈબ્રેરી, ઓક્સફર્ડ અને કિંગ હેન્રી રોડસ્થિત ડો. આબેડકર હાઉસની પણ મુલાકાત લેશે.
• બાળકોને વિચારની મોકળાશ આપો
ડચેસ ઓફ કેમ્બ્રિજે બાળકોને વિચારવાની મોકળાશ આપવા પેરન્ટ્સ અને શિક્ષકોને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે બાળકોના મગજ ઘણાં ભરેલાં છે. પાછલી જિંદગીમાં સમસ્યાઓ થતી અટકાવી શકાય તે માટે અસુરક્ષિત બાળકોના જીવનમાં શક્ય તેટલું વહેલા હસ્તક્ષેપ કરવાની જરૂર હોવાનું ડચેસે પોતાના પ્રવચનમાં કહ્યું હતું. તેમણે પોતાના અદ્ભૂત અને સુરક્ષિત બાળપણની પણ વાત કરી હતી.
• સેલ્ફ-હેલ્પના પુસ્તકો તણાવ લાવી શકે
ખુશી કે આનંદના રહસ્ય વિશે વાત કરતા સેલ્ફ-હેલ્પના પુસ્તકો મદદ કરવાના બદલે તમને વધુ તણાવમાં ધકેલી શકે છે. યુનિવર્સિટી ઓફ મોન્ટ્રીઅલના સંશોધકોએ જણાવ્યા અનુસાર વાંચનારા લોકો ચિંતાતુર કે હતાશ રહેવાની શક્યતા વધુ હોય છે. જોકે, આવા પુસ્તકોથી તણાવ વધે છે અથવા વાચકો તણાવપૂર્ણ પરિસ્થિતિઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે તેમ તેઓ સ્પષ્ટ કહી શક્યા નથી.
• ડાયાબીટીસ અને હૃદયરોગમાં વિઆગ્રા મદદરૂપ
ઈરેક્ટાઈલ ડીસફંક્શન માટે ઉપયોગમાં લેવાતી વિઆગ્રા ડાયાબીટીસ અને હૃદયરોગ અને કિડનીના રોગોના પ્રાથમિક સંકેતોનો સામનો કરવામાં મદદ કરી શકે તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે. વિઆગ્રા ઈન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવાનું કામ કરતી હોવાનું જણાયું છે. પ્રીડાયાબીટીસ સ્થિતિ હોવાની ઓળખ સાથેના લોકોને ત્રણ મહિના સુધી વિઆગ્રા અપાઈ હતી અને તેમની ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં વધારો જણાયો હતો. ડાયાબીટીસના વિકાસમાં ઈન્સ્યુલિનનો પ્રતિરોધ મહત્ત્વનું પગલું છે. સામાન્ય કરતા બ્લડ ગ્લુકોઝ પ્રમાણ વધુ હોય તેને પ્રીડાયાબીટીસ સ્થિતિ કહેવાય છે અને પુખ્ત વયના ત્રીજા ભાગના બ્રિટિશ લોકો આ સ્થિતિ ધરાવે છે.
• ફર્ટિલિટી ટ્રીટમેન્ટથી વધુ બાળકોને જન્મ
યુકેમાં જોડિયા કે તેથી વધુ બાળકોને જન્મના ઘટના વધી રહી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૪માં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૦,૮૩૯ મહિલાએ જોડિયાં બાળકને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત, ૧૪૮ મહિલાએ ત્રણ બાળકને અને બે મહિલાએ ચાર-ચાર બાળકને જન્મ આપ્યો હતો. નવા આંકડા અનુસાર ફર્ટિલિટી ટ્રીટમેન્ટના કારણે અને ખાસ કરીને ૪૫થી વધુ વયની મહિલાઓમાં વધુ બાળકનો જન્મદર ઊંચે જઈ રહ્યો છે.
• અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીએ દુઃખ દર્શાવ્યું
હંસલો બરોની અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીએ પેરિસ હત્યાકાંડ સંદર્ભે દુઃખ અને ઘૃણાની લાગણી વ્યક્ત કરી હતી. અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટીના પાંચમા ખલીફા હઝરત મિર્ઝા મસરૂર અહમદે જણાવ્યું હતું કે હું વૈશ્વિક અહમદિયા મુસ્લિમ કોમ્યુનિટી વતી ફ્રેન્ચ રાષ્ટ્ર, તેના લોકો અને સરકાર તરફ હાર્દિક સહાનુભૂતિ અને દિલસોજીની લાગણી વ્યક્ત કરું છું. આવા જંગલી અને અમાનવીય હુમલાને તીવ્ર આઘાત સાથે વખોડવો જોઈએ. ત્રાસવાદ અને કટ્ટરવાદના તમામ સ્વરૂપ ઈસ્લામના ઉપદેશોથી તદ્દન વિરુદ્ધ છે.’
• કારકીર્દિ અને માતૃત્વ વચ્ચે પસંદગી
છોકરીઓએ તેમની કારકીર્દિ અને માતૃત્વ વચ્ચે પસંદગી કરવી જોઈએ તેવી સલાહ શિક્ષકોએ આપવી જોઈએ. જાન્યુઆરી માસમાં નિવૃત્ત થનારાં અગ્રણી હેડમિસ્ટ્રેસ વિવિયન ડરહામે કહ્યું હતું કે છોકરીઓ આ બન્ને એક સાથે ધરાવી શકે તેવી ખોટી સલાહ આપવી ન જોઈએ. ગયા વર્ષે ટેટલર્સ બેસ્ટ હેડ ટીચર ઓફ એ પબ્લિક સ્કૂલનું બિરુદ મેળવેલાં મિસિસ ડરહામે કહ્યું હતું કે તેઓ નારીવાદી નથી અને છોકરીઓ સમક્ષ જૂઠાણું આચરવું ન જોઈએ.
• ચર્ચ ક્રિસમસમાં જ ખુલ્લાં રાખવાનો વિચાર
ગ્રામ્ય ઈંગ્લેન્ડના સેંકડો ઐતિહાસિક ચર્ચ ક્રિસમસ અને ઈસ્ટર સિવાયના દિવસોએ બંધ જોવા મળે તો નવાઈ નહિ. ચર્ચમાં ઓછી થતી હાજરીને ધ્યાનમાં રાખી ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ દ્વારા મહત્ત્વની વિચારણા થઈ રહી છે. આશરે ૧૬,૦૦૦ ચર્ચના ભાવિ અંગેના રિપોર્ટમાં વહીવટી ખર્ચામાં કાપ અને પાદરીઓનો બોજો ઘટાડવા કેટલાંક ચર્ચ વર્ષનો મોટો સમય બંધ સખાય તેવી ભલામણ કરાઈ છે. ૨૫ ટકા ચર્ચમાં સાપ્તાહિક ૧૬થી ઓછી અને ૨૦૦૦ ચર્ચમાં દર રવિવારે માત્ર ૧૦ ભાવિકોની હાજરી રહે છે.
• મૃત બાળદર ઊંચો હોવાની ચિંતા
મૃત બાળક દરનું ઊંચુ પ્રમાણ ધરાવતા ૩૫ વિકસિત રાષ્ટ્રોમાં બ્રિટન ૩૩મું સ્થાન ધરાવે છે. આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા મિનિસ્ટરોએ જણાવ્યું છે કે દાયણો એટલે કે મિડવાઈવ્ઝ પાયાની ભૂલો કરતા અટકે અથવા પેરન્ટ્સની ચેતવણીઓ અનુસાર કામ કરે તો અડધાથી વધુ બાળકોને મૃત જન્મેલા અટકાવી શકાય. વિકસિત વિશ્વમાં સૌથી ખરાબ સલામતી રેકોર્ડમાં સ્થાન ધરાવતું બ્રિટન સારસંભાળમાં નિષ્ફળતાનો સામનો કરી શકે તો દર વર્ષે ૫૦૦ જિંદગી બચાવી શકાય.
• વિદ્યાર્થીઓ પર શાળાની જાસૂસી
નોર્થ યોર્કશાયરની ક્વીન એથલબર્ગાસ કોલેજના અચાનક ઈન્સ્પેક્શન દરમિયાન સ્કૂલ ઈન્સ્પેક્ટરોએ ૭૦૦ સીસીટીવી કેમેરા શોધી કાઢ્યા હતા. આ શાળા બોર્ડરો પાસેથી વાર્ષિક ૩૪,૦૦૦ પાઉન્ડ સુધીની ફી વસૂલ કરે છે. વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે તેમને ચુંબન કરતા કે લાઈન તોડતાં પકડવા માટે જાસૂસી કેમેરાનો ઉપયોગ થાય છે. ઈન્સ્પેક્ટરોના રિપોર્ટમાં જાસૂસી, સ્ટાફિંગ અને લીડરશિપના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
• પ્રાઈમરી શાળા છોડનારા ત્રીજા ભાગના બાળકો સ્થૂળ
બાળકો જ્યારે પ્રાઈમરી શાળા છોડતા હોય ત્યારે તેમાંનો ત્રીજો હિસ્સો મેદસ્વી કે સ્થૂળ હોય છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નવા અભ્યાસ અનુસાર ત્રણમાંથી એક બાળક પ્રાઈમરી શાળા છોડે ત્યાં સુધીમાં વધુપડતા વજનવાળા અથવા મેદસ્વી બની ગયેલાં હોય છે. સંસ્થા દ્વારા અનેક હોટસ્પોટ દર્શાવાયાં છે, જેમાં ૧૧ વર્ષના બાળકો વધુપડતું વજન ધરાવતાં હોય તે સામાન્ય બની જાય છે.
• સેક્સ ઓફેન્ડરના પ્રમાણમાં વધારો
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં દર ૧૦૦૦ લોકોએ એક વ્યક્તિ સેક્સ અપરાધી હોવાનું સત્તાવાર આંકડામાં જણાવાયું છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા સમુદાયોમાં ખતરનાક સેક્સ અપરાધીના પ્રમાણ અંગે જણાવાયું છે કે ૧૦૦,૦૦૦ની વસ્તીએ ૯૮ લોકો સેક્સ ઓફેન્ડર છે. ગયા વર્ષે આ આંકડો ૯૨ વ્યક્તિનો હતો.
• ઈયુ બિલબોર્ડ્સ લગાવવા ખેડૂતોને ચેતવણી
ઈયુ ગ્રાન્ટ્સ મેળવનારા જમીનમાલિકો અથવા ખેડૂતોએ તેમણે આવી ગ્રાન્ટ મેળવી હોવાનું જાહેર કરતા કાયમી બિલબોર્ડ્સ લગાવવાના રહેશે અન્યથા નાણાકીય પેનલ્ટીનો સામનો કરવો પડશે. ગ્રામીણ વિસ્તારોમાં બિલબોર્ડ્સ આંખને ખટકનારા બની રહેશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે. આશરે ૧૧,૦૦૦ જમીનમાલિકો ગ્રાન્ટ યોજનાનો લાભ મેળવતા હોવાનું કહેવાય છે. નવી કન્ટ્રી સ્ટુઅર્ડશિપ યોજના હેઠળ ૫૦૦,૦૦૦ યુરો (૩૮૮,૦૦૦ પાઉન્ડ)થી વધુ રકમની ગ્રાન્ટ મેળવનારા જમીનમાલિકોએ જાહેરાત માટે ચાર બાય છ ફૂટનું પાટિયું લગાવવું ફરજિયાત છે.
• ૪૦ ટકા પુખ્તો જિસસના અસ્તિત્વ વિશે અચોક્કસ
ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના જનરલ સિનોડને અપાયેલા ગંભીર રિપોર્ટમાં જણાવાયું છે કે પુખ્ત વયના ૪૦ ટકા લોકો જિસસ ક્રાઈસ્ટનું ખરેખર અસ્તિત્વ હતું કે કેમ તે વિશે ચોક્કસ નથી. ક્રિશ્ચિયાનિટીના પ્રસારની વાત આવે ત્યારે પોતાના ધર્મ વિશે ખુલ્લેઆમ બોલવાથી લાભના બદલે નુકસાન વધુ થતું હોવાનું ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ પોતાના સભ્યોને જણાવવા તૈયાર છે. નવા સંશોધનના તારણો જણાવે છે કે મિત્રો અને સાથીઓ સાથે પોતાની માન્યતાઓ વિશે ચર્ચા કરતા ક્રિશ્ચિયનો તેમને ઈશ્વર તરફ આકર્ષવાના બદલે દૂર કરવાની શક્યતા ત્રણ ગણી વધારે છે.