• મજબૂત મનોબળ ધરાવતા પેન્શનરોમાં પડી જવાનું ઓછું પ્રમાણ

Wednesday 20th December 2017 05:32 EST
 

મજબૂત મનોબળ ધરાવતા પેન્શનરોમાં પડી જવાથી ઈજાનું પ્રમાણ ઓછું હોવાનું ૬૦થી વધુની વયના ૧૧,૦૦૦થી વધુ લોકોના વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં જણાયુ હતુ. આ વાત ‘પતન પહેલા ગર્વ આવે છે’ તે પરંપરાગત ઉક્તિથી વિપરિત ગણી શકાય. મોટાભાગના વૃદ્ધોને પડી જવાથી ઘણી અસર થાય છે. કેટલાક કિસ્સામાં ઈજા અને મૃત્યુ પણ થાય છે. તેના લીધે ટેક્સપેયરો પર દર વર્ષે ૧.૧ બિલિયન પાઉન્ડનો બોજ પડે છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા પરિણામમાં જણાયું હતુ કે અભ્યાસના બે વર્ષ પછી મજબૂત મનોબળ ધરાવતા પેન્શનરોમાં પડી જવાના જોખમમાં ૧૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરિયામાં ઠલવાતો ૯૦ ટકા પ્લાસ્ટિકનો કચરો માત્ર ૧૦ નદીઓનો

દરિયામાં ઠલવાતો ૯૦ ટકા જેટલો પ્લાસ્ટિકનો કચરો માત્ર ૧૦ નદીઓમાંથી આવતો હોવાનું અભ્યાસમાં જણાયું હતુ. તેમાં બે નદી નાઈલ અને નાઈજર આફ્રિકાની છે અને બાકીની આઠ નદી એશિયાની છે. તેમાં યાંગત્ઝે, યલો, હેઈહ, પર્લ, મેકોંગ, આમુર, ગંગા અને સિંધુનો સમાવેશ થાય છે. આ નદીઓના કાંઠે થતા પ્રદૂષણનો સામનો કરીને દરિયામાં પ્લાસ્ટિકના કચરાના પ્રમાણને અસરકારક રીતે ઘટાડી શકાશે તેમ અભ્યાસમાં જણાવાયું હતું.

પૂરઝડપે આવતા કારચાલકે પેડેસ્ટ્રીયન ક્રોસિંગ પર વૃદ્ધને કચડ્યા

ઈસ્ટ લંડનમાં રેડબ્રીજ ઈસ્લામિક સેન્ટર નજીકના પેડેસ્ટ્રીયન ક્રોસિંગ પરથી રસ્તો પાર કરી રહેલા ૭૮ વર્ષીય મોહમ્મદ મુક્તદીરને ધસમસતી આવેલી કારે કચડી નાખ્યા હતા. રોમફર્ડના બે કારચાલક સ્ટીફન રિચાર્ડ્સ (ઉં.૪૨) અને ગ્લેન ડોલોવાન (ઉં.૩૪) એકબીજા સાથે રેસ લગાવતા હોય તેમ રસ્તા પર નિર્ધારિત કરતા બમણી કલાક દીઠ ૭૯ માઈલની ઝડપે કાર હંકારતા હતા તેથી આ ઘટના બની હતી. ઓલ્ડ બેઇલી કોર્ટને જણાવાયું હતું કે જોખમી ડ્રાઈવિંગ દ્વારા મુક્તદીરનું મૃત્યુ નીપજાવવાનો ગુનો રિચાર્ડ્સે કબૂલી લીધો હતો. કેસની કાર્યવાહી હજુ ચાલુ છે.

સ્તનપાન બદલ માતાઓને પ્રોત્સાહક રકમ ચૂકવવી જોઈએ

બાળકને સ્તનપાન કરાવતી માતાઓને પ્રાયોગિક ધોરણે શોપિંગ વાઉચરો અપાયા પછી સ્તનપાનના પ્રમાણમાં ૨૦ ટકાનો વધારો નોંધાતા નિષ્ણાતોએ સૂચવ્યું હતું કે સ્તનપાન કરાવતી માતાઓને વળતર તરીકે રોકડ રકમ ચૂકવવી જોઈએ. પબ્લિક હેલ્થ વર્કર્સે જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં વળતર આપવાથી બ્રિટનમાં સ્તનપાનનો દર સુધરશે. હાલ માત્ર એક ટકા બાળકને તે છ મહિનાનું થાય ત્યાં સુધી સ્તનપાન કરાવાય છે.

ટેક્સ માળખામાં સુધારા સામે હેમન્ડે ટ્રમ્પને ચેતવણી આપી

ટ્રમ્પ દ્વારા સંખ્યાબંધ ટેક્સ સુધારાની હિલચાલ સામે ફિલિપ હેમન્ડે ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું હતું કે તેઓ તેની સામે ટ્રેડ વોર કરશે. ટેક્સ સુધારાની વિશ્વ વ્યાપાર પર થનારી અસર સામે અમેરિકાની ટ્રેઝરી સમક્ષ લેખિતમાં ‘ગંભીર ચિંતા’ વ્યક્ત કરવામાં તેઓ ફ્રાંસ, જર્મની અને સ્પેન સાથે જોડાયા હતા. તેમણે ચેતવણી આપી હતી કે તેઓ વિશ્વ વ્યાપાર સંગઠનના નિયમોનું પણ ઉલ્લંઘન કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter