પાકિસ્તાનમાં ઓક્ટોબર ૨૦૧૨માં તાલિબાન દ્વારા હુમલો કરાયેલી મલાલા યોસુફઝાઈ બ્રિટનમાં ત્રણ વર્ષના વસવાટ પછી કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરવા જશે. જોકે, તે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે તે શક્યતા પણ નકારાઈ નથી. મલાલાએ છોકરીઓના અભ્યાસ માટે ચલાવેલા અભિયાનના કારણે તેના પર ગોળીબાર કરાયો હતો. ગંભીર ઈજાની સારવાર થયા પછી તેને બ્રિટનમાં વસવાની પરવાનગી અપાઈ હતી. ગયા વર્ષે નોબેલ શાંતિ પારિતોષિક જીતનારી મલાલા એક દિવસ પાકિસ્તાન પાછાં ફરી રાજકારણી બનવાની મહેચ્છા ધરાવે છે.
• મકાનને રિપેરિંગ ન કરાવનાર માલિકને દંડ
માતા અને બાળકોને ભાડે અપાયેલાં મકાનમાં આવશ્યક સમારકામ નહિ કરાવવા બદલ બ્રોમલીના મકાનમાલિક કાન્થાસામી સોથિલિંગમને દંડ અને ખર્ચરુપે £૨૦૦૦થી વધુ ચુકવવાનો આદેશ બ્રોમલી મેજિસ્ટ્રેટ્સ કોર્ટે કર્યો હતો. મકાનની હાલત એટલી ખરાબ હતી કે કાઉન્સિલે ભાડૂતોને અન્ય મકાનમાં આશરો આપવો પડ્યો હતો.
• એસિડ હુમલાખોરને સજા
ખોટી ઓળખના લીધે ભળતી વ્યક્તિ આન્દ્રેઆસ ક્રિસ્ટોફેરોસ પર એસિડ હુમલો કરનારા ઈસ્ટ સસેક્સના ડેવિડ ફિલિપ્સને આજીવન કેદની સજા ફરમાવાઈ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં આન્દ્રેઆસ તેના કોર્નવોલના ઘરમાં કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો ત્યારે અજાણી વ્યક્તિએ ઘરનું બારણું ખખડાવ્યું હતું. બારણું ખોલતાં જ આન્દ્રેઆસ પર એસિડ ફેંકાયો હતો. આન્દ્રેઆસ પોતાનું જીવન નવેસરથી બનાવી રહ્યો છે.
• જેહાદી પુત્ર નર્કમાં બળતો હોવાની માતાની લાગણી
બ્રિટિશ જેહાદી થોમસ ઈવાન્સના મોતના સમાચારથી તેની માતાએ આઘાત સાથે હળવાશની લાગણી વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતું કે મારો પુત્ર તેના ગુનાઓના કારણે નર્કની આગમાં બળી રહ્યો હશે. હાઈ વાયકોમ્બના ૨૫ વર્ષીય થોમસે ઈસ્લામ ધર્મ અપનાવી ૨૦૧૧માં પૂર્વ આફ્રિકા જતા પહેલા પોતાનું નામ અબ્દુલ હકીમ રાખ્યું હતું અને અલ-શાબાબ ત્રાસવાદી જૂથમાં જોડાયો હતો. તે જૂન મહિનામાં કેન્યાના દળો સામે લડતા માર્યો ગયો હતો.
• ઓનલાઈન વેચાતા ધાવણમાં જીવલેણ બેક્ટેરિયા
બ્રિટિશ માતાઓ દ્વારા ઓનલાઈન વેચાતાં ધાવણમાં ઈ.કોલી સહિતના જોખમી બેક્ટેરિયા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. બીબીસી ઈનસાઈડ આઉટના રિપોર્ટરે છ મહિનાના બાળકના પિતા હોવાનું જણાવી સમગ્ર દેશમાંથી અલગ અલગ સ્થળોએથી માતાઓ પાસેથી ધાવણ ઓનલાઈન ખરીદ્યું હતું. કોવેન્ટ્રી યુનિવર્સિટીના નિષ્ણાતો પાસે ચકાસણી આ ૧૨ સેમ્પલની ચકાસણી કરાવાઈ હતી. માઈક્રોબાયોલોજિસ્ટ્સને ત્રીજા ભાગના સેમ્પલ્સમાં જોખમી ઈ.કોલી તેમ જ બે સેમ્પલમાં કેન્ડિડા અને એક સેમ્પલમાં જીવલેણ બેક્ટેરિયા મળ્યાં હતાં.
• ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતાં ફરનારાઓને ચેતવણી
નિષ્ણાતોએ કન્ટ્રીસાઈડ એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતાં ફરનારાઓને લાંબી બાંયના અને હળવા રંગના વસ્ત્રો ધારણ કરવાની ચેતવણી આપી છે. ચેપગ્રસ્ત જૂ કે બગાઈના કરડવાથી લાગતા ચેપના રોગ Lyme સામે રક્ષણ મેળવવા આ જરૂરી હોવાનું તેમણે કહ્યું છે. NHSના ડેટા અનુસાર ૧૨ વર્ષમાં આ રોગના કેસ ચાર ગણા વધી ગયા છે અને ૨૦૧૩માં તેના ૧,૧૦૦થી વધુ કેસ જોવાં મળ્યાં હતાં.
• ટેસ્કોની વાયર બાસ્કેટ્સ પર સિક્યુરિટી ટેગ્સ
સુપરમાર્કેટ ટેસ્કોના ગ્રાહકો હવે તેમની શોપિંગ વાયર બાસ્કેટ સાથે સ્ટોરની બહાર નીકળી શકશે નહિ. એક સપ્તાહમાં ગ્રેટ માન્ચેસ્ટરમાં ટેસ્કો સ્ટોરમાંથી ત્રીજા ભાગની વાયર બાસ્કેટની ચોરી થયાં પછી તેના પર સિક્યુરિટી ટેગ્સ લગાવવામાં આવ્યાં છે. ગ્રાહકો માટે પ્લાસ્ટિક બેગ્સનો ચાર્જ અમલમાં આવ્યા પછી શોપિંગ વાયર બાસ્કેટ્સની ચોરીમાં ભારે વધારો જણાયો છે. સરકારે પાંચ ઓક્ટોબરથી કેરિયર પ્લાસ્ટિક બેગ્સ માટે પાંચ પેન્સનો ચાર્જ અમલી બનાવ્યો છે.
• પતિ સાથે શારીરિક સંબંધોનો ઈનકાર એટલે નર્ક?
જે સ્ત્રીઓ પોતાના પતિ સાથે શારીરિક સંબંધોનો ઈનકાર કરે છે તેમને સજા થશે અને તેઓ નર્કમાં જશે તેમ બર્મિંગહામની પાર્ક વ્યૂ એકેડેમીની મુસ્લિમ છોકરીઓને કહેવાતું હોવાની રજૂઆત ડિસિપ્લનરી પેનલ સમક્ષ કરાઈ છે. આ સ્કૂલના છોકરાઓને લગ્નના સંદર્ભે જ સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધોની ચોકી રાખવા મોરાલિટી સ્ક્વોડ રખાયાનો પણ આક્ષેપ કરાયો હતો. પ્લેગ્રાઉન્ડમાં વંચાય તેવાં ઈસ્લામતરફી સંદેશા મૂકાય છે અને ઈસ્લામ વિચારધારાની પત્રિકાઓ પણ વહેંચાય છે.
• જ્યુઈશ શાળાને પ્રવેશ ધોરણો બદલવા આદેશ
નોર્થ લંડનના બાર્નેટમાં હાસ્મોનીઅન જ્યુઈશ સ્કૂલમાં પ્રવેશના ધોરણો બદલવા ઓફિસ ઓફ સ્કૂલ્સ એડજ્યુડિકેટર દ્વારા આદેશ કરાયો છે. વિદ્યાર્થીઓના માતાપિતાના સેક્સ જીવન પર નિયંત્રણો મૂકતા ઓર્થોડોક્સ કાયદાનું પાલન કરવા દંપતીઓને કહેવાતું હતું. ‘પારિવારિક પવિત્રતા’ વિશેનો આ કાયદો સ્ત્રીઓના માસિકધર્મ સમયે સેક્સ પર પ્રતિબંધ મૂકે છે. પેનલે કહ્યું હતું કે કાયદાનું પાલન થાય છે કે કેમ તે જાણવું શક્ય નથી.