યુકેમાં ૪૫ વર્ષ અગાઉ ઈક્વલ પે એક્ટ અમલી થવા છતાં વેતન બાબતે લૈંગિક ખાઈ હજુ યથાવત છે. મહિલા ગ્રેજ્યુએટ્સની શૈક્ષણિક સફળતા વર્કપ્લેસમાં વાસ્તવિક બનતી નથી અને તેઓ ૮,૦૦૦ પાઉન્ડ જેટલું ઓછું વેતન મેળવે છે. ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનના જણાવ્યા અનુસાર મહિલા ગ્રેજ્યુએટ્સ ૧૫,૦૦૦થી ૨૪,૦૦૦ પાઉન્ડની વચ્ચે વેતન મેળવે છે તેની સરખામણીએ પુરુષ ગ્રેજ્યુએટ્સનું પ્રારંભિક વેતન જ ૨૪,૦૦૦ પાઉન્ડથી વધુ હોવાની શક્યતા રહે છે.
• યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા બળાત્કારનો ખોટો દાવો
બીજી વખત પરીક્ષા આપીને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકાય તે હેતુથી એડિનબરા એકેડેમીની વિદ્યાર્થિની નઈમા શેરીન મિરઝાએ તેની પર બે વખત બળાત્કાર કરાયો હોવાની ખોટી રજૂઆતો કરી હતી. નઈમા આ વખતે ૧૭ વર્ષની હતી. ખોટા દાવા બદલ તેને તેને બે વર્ષની જેલની સજા કરાઈ છે. તે કેમિસ્ટ્રીમાં ‘એ’ લેવલ મેળવી ન શકતા શાળામાં વધુ એક વર્ષ ગાળવા તેણે આવો દાવો કર્યો હતો. પોલીસને તપાસ પાછળ સેંકડો કલાક ગાળવા પડ્યા હતા. હાલ ૨૧ વર્ષની નઈમાએ તેણે બળાત્કારના કોટા દાવા કર્યાની કબૂલાત કરી હતી.
• ઈ-સિગારેટ્સ પણ સલામત નથી
વિજ્ઞાનીઓ અને જાહેર આરોગ્ય સત્તાવાળાઓ નિકોટીનમુક્ત ઈ-સિગારેટ્સ સલામત હોવા વિશે ભિન્ન મત ધરાવે છે. વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે ઈ-સિગારેટ્સના ધૂમાડાની વરાળ કોષોના DNAના તાંતણાને તોડવા સહિત અનેક પ્રકારનું નુકસાન કરે છે, જે કેન્સર તરફ દોરી જઈ શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ધૂમ્રપાન કરનારાઓને ઈ-સિગારેટ્સ પરંપરાગત તમાકુથી વધુ સલામત હોવાનું જણાવી તેના ઉપયોગ કરવાની અપીલ કરી હતી. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા અને લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીન તેમજ યુનિવર્સિટી ઓફ લિવરપૂલના વિજ્ઞાનીઓ ઈ-સિગારેટ્સની સલામતી અંગે શંકા ધરાવે છે.
• પોલિસી વડાની ‘પોલિસી’ સામે જ પ્રશ્ન
સરકારના પોલિસી વડા ઓલિવર લેટવિન અશ્વેત અને વ્હાઈટ કોમ્યુનિટીની સરખામણી કરતા ૧૯૮૭ના મેમો અંગે વિવાદમાં આવ્યા છે. નેશનલ આર્કાઈવ્ઝના દસ્તાવેજો ૩૦ વર્ષના નિયમો મુજબ જાહેર થયા હતા. તેમણે ૧૯૮૦ના દાયકામાં અશ્વેત વિસ્તારોમાં રમખાણોના મુદ્દે એક મેમોમાં જણાવ્યું હતું કે બ્રિક્સટન, ટોક્સટેથ અને હેન્ડ્ઝવર્થમાં જે પ્રકારે શેરી હિંસા થઈ હતી તેવી હિંસા શ્વેત લોકોએ આચરી ન હોત. તેમણે આ રમખાણો બદલ ‘ખરાબ નૈતિક વલણો’ને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે બ્લેક એન્ટ્રેપ્રીન્યોર્સના નવા વર્ગને ઉત્તેજન આપવાની દરખાસ્ત પણ ફગાવી હતી.
• વૃદ્ધ પડોશીને ત્રાસ આપનારને જેલ
ત્રણ વર્ષ સુધી વૃદ્ધ પડોશીને ભારે ત્રાસ આપનારા ભારાડી ડેરેન વિલ્સનને વોરવિક ક્રાઉન કોર્ટે ૧૪ મહિનાની જેલની સજા ફરમાવી છે. વિલ્સને ૭૪ વર્ષીય મેક્સિન ડ્યુસબરીના ડ્રાઈવવે પર કચરો ઠાલવ્યો હતો. તેના ગાર્ડનમાં કચરો બાળવા બદલ ફરિયાદ કરવાના મુદ્દે તેમના કચરાના બિન્સ તોડી નાખ્યા હતા. દાદીમા ડ્યુસબરીએ પડોશી વિલ્સનના કારનામાનું છુપી રીતે શૂટિંગ કરી લીધું હતું. વિલ્સનને સજા પછી દાદીમાએ કહ્યું હતું કે,‘હું કદી ધાકધમકી આપનારાઓ સામે ઝૂકીશ નહિ.’
• Isilના સાયબર નિષ્ણાતનું હવાઈ હુમલામાં મોત
કાર્ડિફના બિઝનેસમેનમાંથી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટ (Isil)ના સાયબર નિષ્ણાત બનેલા સિફૂલ હક સુજાનનું સીરિયાના રાક્કા ખાતે ૧૦ ડિસેમ્બરના અમેરિકી હવાઈ હુમલામાં મોત નીપજ્યું છે. પેન્ટાગોને સુજાનને Isilનો વરિષ્ઠ નેતા ગણાવ્યો હતો. યુકેમાં કોમ્પ્યુટર શિક્ષણ મેળવનાર ૩૧ વર્ષીય બાંગલાદેશી સુજાન ત્રાસવાદીઓની હેકિંગ કામગીરીમાં અગ્રણી હતો. તેણે ઓગસ્ટમાં માર્યા ગયેલા બ્રિટિશ જેહાદી જુનૈદ હુસૈનનું સ્થાન લીધું હતું. સુજાન ૨૦૦૩માં યુકે આવ્યો હતો અને જુલાઈ ૨૦૧૪માં બ્રિટન છોડી સીરિયા પહોંચ્યો હતો.
• સરકારની વિઝા પોલિસી ખોટી દિશામાં
બિઝનેસ લોબી ગ્રૂપ CBI ના ડિરેક્ટર જનરલ કેરોલીન ફેરબારિને ચેતવણી આપી છે કે સરકારની વિઝા પોલિસી ખોટી દિશામાં જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે સરકાર લાંબા ગાળાની રાષ્ટ્રીય સમૃદ્ધિ પર ટુંકા ગાળાના રાજકારણને હાવી થવા દે છે. ખોટી દિશાની ઈમિગ્રેશન પોલિસી અને હીથ્રો ખાતે ત્રીજા રનવે સહિત મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અંગે ચાવીરૂપ નિર્ણયો લેવામાં નિષ્ફળતાથી અર્થતંત્રની પડતી થવાનું જોખમ છે. તેમણે કહ્યું હતું કે બ્રિટનને નવા પાવર સ્ટેશનો, એરપોર્ટ્સ, રેલવેઝ, રોડ્સ અને મકાનોની તાકીદે જરૂર છે.
• બોક્સર આમિર ખાનનું ભાવિ આ વર્ષમાં નક્કી થશે
બોક્સર આમિર ખાન માટે ૨૦૧૫નું વર્ષ ખાસ સફળ રહ્યું નથી. તેણે માત્ર ન્યૂ યોર્કમાં ક્રિસ અલિગિરી સામે વિજય મેળવ્યો હતો. ફ્લોઈડ મેવેડર અને મેની પેક્વિઆઓએ તેને યોગ્ય હરીફ નહિ ગણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. હવે ૨૦૧૬માં કેલ બ્રૂક સામે લડવાથી શ્રેષ્ઠ બોક્સર તરીકેના આમિરના ભાવિનો નિર્ણય થશે. આમિર ખાને બોક્સિંગ સિવાય અનેક પરોપકારી કાર્યો ૨૦૧૫માં કર્યા છે, પરંતુ તેની કારકીર્દિને બળ મળ્યું નથી.
• નાદિયા હુસૈનને ઘરેલુ માતા બની રહેવામાં ગર્વ
ગ્રેટ બ્રિટિશ બેક ઓફની વિજેતા નાદિયા હુસૈનને ઘરેલુ માતા બની રહેવામાં અને પતિની કારકીર્દિને ટેકો આપવામાં ગર્વનો અનુભવ થાય છે. બેક ઓફ સ્પર્ધામાં વિજેતા બન્યા પછી નાદિયા સમક્ષ પુસ્તક લખવા અને ટેલિવિઝન કેરીઅર જેવી વિશાળ તક છે. જોકે, મૂળ લૂટનની અને ત્રણ સંતાનની માતા કારકીર્દિ કરતા પારિવારિક જીવનને વધુ મહત્ત્વ આપી રહી છે. નાદિયા પતિ અને સંતાનો સાથે લીડ્ઝમાં રહે છે.
• પોસ્ટ ઓફિસ સૌથી મોટી સન્ડે રિટેલર બનશે
પોસ્ટ ઓફિસ બ્રિટનમાં સૌથી મોટા સન્ડે રીટેલર તરીકેનું સ્થાન ટેસ્કો પાસેથી ખૂંચવી લેશે. અત્યારે ૩,૩૦૦થી વધુ પોસ્ટ ઓપિસ રવિવારે ખુલ્લી રહે છે, જે સંખ્યા એક વર્ષ અગાઉ ૨,૩૦૦ અને ડિસેમ્બર ૨૦૧૩માં ૧,૦૦૦ની હતી. પોસ્ટ ઓફિસ નેટવર્કને ફરી ચેતનવંતી બનાવવાની યોજનાથી ૨૦૧૬ના અંત સુધીમાં ટેસ્કો સ્ટોર અથવા મેકડોનાલ્ડ્સ રેસ્ટોરાં કરતા પણ પોસ્ટ ઓફિસની વધુ શાખા રવિવારે કાર્યરત રહેશે. આ ઉપરાંત, સપ્તાહમાં સાત દિવસ બિઝનેસ કરવાના મામલે તે ટેસ્કો પછી બીજા ક્રમે રહેશે. ટેસ્કોના તમામ ૩,૫૦૦ સ્ટોર રવિવારે ખુલ્લાં રહે છે.
• ડીસ્લેક્સિક લોકોને વીર્યદાન કરતા અટકાવાયા
યુકેની સૌથી મોટી લંડન સ્પર્મ બેન્ક દ્વારા ડીસ્લેક્સિયા પીડિત લોકોને વીર્યદાન કરતા અટકાવાયા પછી ધ હ્યુમન ફર્ટિલિઝેશન એન્ડ એમ્બ્રીઓલોજી ઓથોરિટીએ તપાસ આરંભી છે. ભાવિ બાળકોમાં જનીન રોગો અથવા વિકૃતિઓ ઓછાં પ્રમાણમાં રહે તે માટે ડીસ્લેક્સિયા પીડિત લોકો પાસેથી દાન લેવાતું નથી. ધ લંડન સ્પર્મ બેન્ક દ્વારા પ્રસિદ્ધ પત્રિકામાં વીર્યદાન માટે અસ્વીકાર્ય ગણાય તેવા સંજોગોની યાદી અપાઈ છે, જેમાં એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર (ADD), એસ્પર્જર્સ અને ઓટિઝમનો પણ સમાવેશ કરાયો છે.
• ઘરેલુ હિંસાના આધારે યુકેમાં વસવાટ
ઘરેલુ હિંસાને આધાર બનાવી યુકેમાં વસવાટ કરવાની પ્રવૃત્તિ વધી રહી છે. ઈમિગ્રન્ટ્સના આવા દાવાઓની પૂરતી ચકાસણી કરાતી ન હોવાનો પણ આક્ષેપ છે. કાયમી વસવાટથી તેઓને રહેવા, કામ કરવા અને અભ્યાસ તેમજ વેલ્ફેર બેનિફિટ્સ માટે પરવાનગી મળે છે અને પાછળથી નાગરિકતા માટે પણ અરજી કરી શકાય છે. ૨૦૦૩માં આશરે ૩૬૦ મહિલાએ ઘરેલુ હિંસાના આધારે યુકેમાં કાયમી મવસવાટની અરજી કરી હતી, જેની સંખ્યા પાંચ વર્ષ પછી ૧,૨૦૦ થઈ હતી અને ૨૦૧૩માં માત્ર ૬૦૦થી વધુ મહિલાએ યુકેમાં આવી અરજી કરી હતી.
• ઈયુમાં બ્રિટિશ ફાળો ૫૦૩ બિલિયન પાઉન્ડ
યુરોપીય યુનિયનમાં બ્રિટિશ ફાળો વધીને અડધા ટ્રિલિયન એટલે કે ૫૦૩ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચ્યો છે. યુકે ૪૩ વર્ષ અગાઉ ઈયુમાં જોડાયું હતું. ગયા વર્ષે બ્રિટનનો ફાળો ૧૯.૧ બિલિયન પાઉન્ડ હતો. બ્રિટનને ઈયુ ફાર્મ તેમજ અન્ય સબસિડીઓ મળે છે તેને ગણતા ચોખ્ખો ફાળો ૯.૯ બિલિયન પાઉન્ડ થયો છે. આગામી પાંચ વર્ષના ગાળામાં યુકેનો ફાળો ૯૬ બિલિયન પાઉન્ડ થવાની ધારણા છે. અભ્યાસીઓ કહે છે કે ઈયુના સભ્યપદની કિંમત ઈંગ્લેન્ડની શાળાઓને પહેંચાતા નાણાની અડધા જેટલી, NHS ના કેન્સર ડ્રગ્સ ફંડના બજેટની ૫૬ ગણાથી વધુ થાય છે.
• વીડિયો ગેમ રમી પિતાનું ખિસ્સું ખાલી કર્યું
વેસ્ટ સસેક્સના ક્રાઉલીના બિઝનેસમેન મોહમ્મદ શુગાના સાત વર્ષના પુત્ર ફૈઝલે પિતાના આઈપેડ પર જુરાસિક વર્લ્ડ વીડિયો ગેમ રમીને ૪,૦૦૦ પાઉન્ડનું બિલ ચુકવવાની સ્થિતિ લાવી દીધી હતી. ફૈઝલે એક કલાકમાં જ ૧,૫૦૦ પાઉન્ડ ખર્ચ્યા હતા. ફૈઝલ ટેબલેટનો પાસવર્ડ જાણતો હોવાની ખબર મોહમ્મદ શુગાને ન હતી. બેન્ક કાર્ડ રીજેક્ટ થયું ત્યારે જ તેનો પુત્ર ડાયનોસોર વીડિયો ગેમ રમતો હોવાની તેને જાણ થઈ હતી. મોહમ્મદ શુગાના ખાતામાંથી ૧૩થી ૧૮ ડિસેમ્બરના ગાળામાં આઈટ્યુન્સને કુલ ૩,૯૧૧ પાઉન્ડના અલગ અલગ ૬૦ પેમેન્ટ થયા હતા.
• ફેસબુક પર બોમ્બની ધમકી બદલ જેલ
ફેસબુક પર ટોરી સાંસદ શાર્લોટી લેસ્લીના મકાન પર બોંબ ફેંકવાનું લખાણ મૂકનારા ક્રેગ વોલેસને વિલ્સડેન ગ્રીન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે આઠ સપ્તાહની જેલની સજાફરમાવી હતી. ઈસ્લામ ધર્મ અપનાવનારા ક્રેગ વોલેસે સીરિયા પર હવાઈ હુમલાની તરફેણમાં મત આપનારા સાંસદનું ઘર બોમ્બથી ઉડાવી દેવાની લાગણી ફેસબુક પર દર્શાવી હતી. વોલેસ લૂંટના પ્રયાસના ગુનામાં જેલમાં હતો ત્યારે તેણે ધર્માન્તર કર્યું હતું. તે ત્રણ સપ્તાહ અગાઉ જ જેલમાંથી છૂટ્યો હતો.

