મહિલાઓ કામકાજમાં પ્રગતિ સાધવામાં નિષ્ફળ જાય છે તેનું એક કારણ એ છે કે તેમને મદદ કરી શકે તેવા સીનિયર એક્ઝીક્યુટિવ્ઝ આમ કરતા ડરે છે. તેમને એવો ભય રહે છે કે તેમની મદદની ઓફરને જાતિય કનડગત તરીકે ગણી લેવાશે. ‘સેક્સ એન્ડ ઓફિસ’ પુસ્તકની લેખિકા કિમ એલ્સોર અનુસાર જાતિય કનડગતની કાગારોળથી સ્ત્રીઓને જ નુકસાન થયું છે. પુરુષોને તેમની સાથે પ્રોફેશનલ સંબંધો બાંધવામાં પણ જોખમ દેખાય છે.
• સોશિયલ મીડિયાના લીધે તરુણો કાઉન્સેલર્સના શરણે
આધુનિક વિશ્વમાં તરુણો સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની રહેવાના ભારે દબાણમાં આવે છે. આ દબાણોનો સામનો કરવા પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ્સની મદદ લેવી પડે છે. તરુણોના માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાતોને પહોંચી વળવા સ્વતંત્ર શાળાઓ દ્વારા કાઉન્સેલર્સની સંખ્યા વધારવામાં આવી હોવાનું હેડમાસ્ટર્સ એન્ડ હેડમિસ્ટ્રેસિસ કોન્ફરન્સના નવા ચેરમેન ક્રિસ કિંગે જણાવ્યું છે.
• ઈંગ્લેન્ડમાં કેન્સરની ઓછી ખર્ચાળ દવા અપાતી નથી
ઈંગ્લેન્ડમાં પ્રોસ્ટેટ કેન્સર ધરાવતા પુરુષોને જીવનના બે વર્ષ લંબાવી શકે તેવી બિનખર્ચાળ ડ્રગ આપવા NHS દ્વારા ઈનકાર કરાય છે. જોકે, સ્કોટિશ પેશન્ટ્સને આ દવા અપાય છે. સ્કોટલેન્ડમાં પ્રોસ્ટેટ કેન્સર ફેલાવાની શરૂઆત થતાં જ દર્દીને docetaxel દવા આપવામાં આવે છે. ઈંગ્લેન્ડમાં આ દવા રોગના પાછલા તબક્કે અપાય છે, જેના પરિણામે દર્દીને જીવનના સરેરાશ ૨૨ મહિના ગુમાવવા પડે છે.
• પ્રિન્સેસના મતે પ્રાણીઓનાં કોઈ અધિકાર નહિ
પોતાને મહાન પ્રાણીપ્રેમી ગણાવતાં પ્રિન્સેસ માઈકલ ઓફ કેન્ટે વિવાદાસ્પદ વિધાન કરતાં કહ્યું છે કે પ્રાણીઓને કોઈ અધિકાર હોતાં નથી કારણ કે તેઓ મત આપતાં નથી કે ટેક્સ પણ ચુકવતાં નથી અને બેન્ક એકાઉન્ટ્સ પણ ધરાવતાં નથી. પેલેસમાં ભાડું ચુકવ્યાં વિના જ ૨૩ વર્ષ રહેલાં પ્રિન્સેસ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો નવાઈની વાત નથી.
• ગાયો રાખી ઘાસ કાપવાના ખર્ચ બચાવાશે
ગોસ્પોર્ટ બરો કાઉન્સિલે પાર્કમાં ઘાસ કાપવાનો £૩૫,૦૦૦નો ખર્ચ બચાવવા નવતર ઉપાય શોધ્યો છે. ઘાસ કાપવા માણસો રાખવાના બદલે ઘાસ ખાવા માટે ગાય રાખવાનો નિર્ણય લેવાયો છે. ૧૨ ગાયનો ૧૦ વર્ષ સુધીનો ખર્ચ £૪૫,૨૦૦ થવા જાય છે, જ્યારે એલ્વેર વેલી કાઉન્ટી પાર્ક ખાતે ઘાસ કાપવાના કોન્ટ્રાક્ટર્સનો ખર્ચ આ જ સમયગાળા માટે £૮૦,૦૦૦ જેટલો થવાની ગણતરી હતી.
• ઓકાડોને પ્લાસ્ટિક્સ બેગ્સ પરત કરી કમાણી કરો
ઈંગ્લેન્ડમાં પ્લાસ્ટિક બેગ્સ માટેં ગ્રાહકો પર લદાયેલો પાંચ પેન્સનો ચાર્જ કેટલાંક માટે કમાણીનું સાધન પણ બની શકે છે. ઓનલાઈન ગ્રોસર ઓકાડોએ ડિલિવરી ડ્રાઈવર્સને પ્લાસ્ટિક બેગ્સ પાછી આપનાર દરેક ગ્રાહકને બેગદીઠ પાંચ પેન્સ ચુકવવાની ઓફર કરી છે. ‘બેગ રીસાઈકલ બોનસ’ માત્ર ઓકાડો પરથી નહિ, કોઈ પણ દુકાનમાંથી મેળવી શકાશે. કચરાના ડબા સહિત કોઈ પણ સ્થળેથી મેળવેલી બેગ્સ પાછી આપી દિવસના પાંચ પાઉન્ડ સુધીની કમાણી કરી શકે છે. ઓકાડોએ ડિલિવરીદીઠ ૯૯ રીસાઈકલ્ડ બેગ્સની મર્યાદા રાખી છે, પરંતુ અમર્યાદિત ડિલિવરી સંખ્યામાં લોકો બેગ્સ પાછી આપી શકશે.
• મોડાં સુધી જાગનારા તરુણોનું વજન વધે
મોડે સુધી જાગનારા તરુણોને શરીરનું વજન વધવાનું જોખમ રહે છે. ૩૩૦૦થી વધુ તરુણો પર કરાયેલાં પાંચ વર્ષના અભ્યાસના તારણો અનુસાર શાળાના સપ્તાહ દરમિયાન તરુણો જાગતા રહે તેવા પ્રત્યેક કલાકદીઠ વધુ ૨.૧ પોઈન્ટનો વધારો તેમના બીએમઆઈમાં થાય છે. કસરત, કોમ્પ્યુટર અથવા ટેલિવિઝન સામે ગાળેલો સમય અથવા તેમની વાસ્તવિક ઊંઘના કલાકોની કોઈ અસર બીએમઆઈ પર જણાતી નથી. સ્થૂળતાનો સામનો કરવા તરુણોએ વહેલા સુઈ જવાની જરૂર છે.
• પેરન્ટ્સ બાળકોની પ્રવૃત્તિ પર દેખરેખ રાખે
બાળકો મોડી રાત સુધી જાગીને ઈન્ટરનેટ પર ઓનલાઈન રહેતાં હોય ત્યારે તેમના ઉદ્દામવાદી થઈ જવામાં પેરન્ટ્સ પણ જવાબદાર ગણાવા જોઈએ. ત્રાસવાદવિરોધી દળના વડા ટોની મોલે બ્રિટનના સજા કરાયેલા સૌથી નાના વયના ત્રાસવાદીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેણે લેન્કેશાયરમાં પોતાના બેડરુમમાં મોડી રાતો સુધી ઓનલાઈન રહી હજારો સંદેશાઓ થકી ઓસ્ટ્રેલિયામાં હુમલાનું કાવતરું ઘડ્યું હતું. તેની Isil દ્વારા ઓનલાઈન ભરતી થઈ ત્યારે તે ૧૪ વર્ષનો જ હતો.
• મુસ્લિમોના ભયે બ્રિટિશ સમાજના તાણાવાણા ખોરવાયા
કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ ચેતવણી આપતા કહ્યું છે કે મુસ્લિમોના ભયથી બ્રિટિશ સમાજનું પોત નબળું પડ્યું છે. પડોશીઓ વચ્ચે આ પ્રકારનું વિભાજન અને તણાવ મેં મારી જિંદગીમાં જોયા નથી. વેલ્બીએ કહ્યું હતું કે વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે તિરાડ પહોળી થઈ છે, જે ઓળંગી ન શકાય તેવાં અવરોધો પેદા કરનારી બની છે. તેનાથી બહુસાંસ્કૃતિકવાદને ગંભીર અસર પહોંચી છે.
• લોર્ડ હેનિંગફિલ્ડ સામે ખોટા હિસાબોનાં આરોપ
પૂર્વ ટોરી ઉમરાવ લોર્ડ હેનિંગફિલ્ડ હાઉસ ઓફ લોર્ડ્સના ખર્ચા સંબંધિત ખોટા હિસાબોનાં આરોપસર ૨૯ ઓક્ટોબરે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થશે. તેમણે જુલાઈ ૨૦૧૩માં ડેઈલી એલાવન્સની ચુકવણી અંગે રજૂ કરેલા ક્લેઈમ્સ અંગે આરોપ લગાવાયો છે. ઉદાર સબ્સિસ્ટન્સ પેમેન્ટનો ક્લેઈમ્સ કરવા છતાં પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરમાં તેમની હાજરી આ દિવસોએ ૪૦ મિનિટથી ઓછી હતી. એસેક્સમાં ૪૦ વર્ષ અગાઉ રાજકીય કારકીર્દિ શરૂ કરનારા પોલ વ્હાઈટ એટલે કે લોર્ડ હેનિંગફિલ્ડે આક્ષેપો નકારી કાઢ્યા છે.