• માઈગ્રન્ટ્સથી પરેશાન યુરોટનલે વળતર માગ્યું

Saturday 27th February 2016 05:05 EST
 

ગયા વર્ષે માઈગ્રન્ટ કટોકટીના કારણે સેવામાં સર્જાયેલા અવરોધ બદલ યુરોટનલે ફ્રેન્સ અને બ્રિટિશ સરકાર પાસે ૨૯ મિલિયન યુરોથી વધુ વળતરની માગણી કરી છે. કેલે ખાતે છાવણીઓ નાખીને પડેલા માઈગ્રન્ટ્સે બ્રિટનમાં પ્રવેશ મેળવવાની આશામાં યુરોટનલમાં વારંવાર પ્રવેશના પ્રયાસો કર્યા હતા. યુરોટનલના ઓપરેટરે વળતરના દાવામાં આવકમાં ઘટાડો, સ્ટાફના ઓવરટાઈમ અને માઈગ્રન્ટ્સને અટકાવવા વધારાના સલામતી ખર્ચના કારણો દર્શાવ્યા છે. જોકે, આંકડા દર્શાવે છે કે ૨૦૧૪ની સરખામણીએ યુરોટનલની આવક અને નફામાં વધારો થયો છે.

• સુપરમાર્કેટ ભાવયુદ્ધે અસ્ડાને પછાડ્યું

બ્રિટનના સુપરમાર્કેટ સેક્ટરમાં ભાવયુદ્ધ તીવ્રતાએ પહોંચ્યું છે. ભારે સ્પર્ધા ધરાવતા ગ્રોસરી સેક્ટરમાં હરીફો દ્વારા તાજી પેદાશો, બીઅર અને વાઈન પર તીવ્ર પ્રમોશન્સના કારણે સુપરમાર્કેટ અસ્ડાને ઘણું સહન કરવું પડ્યું છે. ક્રિસમસમાં ખરાબ પ્રદર્શનના લીધે ગત વર્ષમાં તેના વેચાણમાં ૪.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. વોલમાર્ટની માલિકાના સ્ટોરે વર્ષના આખરી ત્રિમાસિક ગાળામાં એકસરખી ચીજવસ્તુઓના વેચાણમાં ૫.૮ ટકાનો ઘટાડો સહન કરવો પડ્યો હતો.

• ચાલતી વખતે ફોન ટેક્સટિંગથી ઈજાનું પ્રમાણ વધ્યું

સેલિસબરી કેથેડ્રલની બહાર રખાયેલી પ્રતિમાને ખસેડવાની ફરજ પડી હતી. આનું કારણ માત્ર એટલું જ છે કે પોતાના ફોનમાં માથુ નીચું કરીને સંદેશા મોકલતાં રાહદારીઓ વારંવાર પૂતળા સાથે અથડાઈ પડતા હતા. શહેરના કેથેડ્રલમાં જવાના માર્ગે કમાન તરીકે ગોઠવાયેલી ૨૦ ફૂટની પ્રતિમા એક્સિડન્ટનું કારણ બની ગઈ છે. આઠમાંથી એક બ્રિટિશર ચાલતા ચાલતા ફોનમાં જોયાં કરતા હોય ત્યારે ઈજાનો ભોગ બનવાનું જોખમ ધરાવે છે. નેશનલ એક્સિડન્ટ હેલ્પલાઈનના જણાવ્યા અનુસાર ૧૩ ટકા લોકો તેમના મોબાઈલ ફોન ચેક કરતી વખતે કોઈ વ્યક્તિ કે પદાર્થ સાથે ભટકાઈ પડે છે.

• બાળકોનાં માનસિક આરોગ્યમાં પેરન્ટ્સની ભૂમિકા

બાળકોના માનસિક આરોગ્યની સમસ્યાઓમાં માતાપિતાની પણ ભૂમિકા હોવાનું યુનિવર્સિટી ચાન્સેલર અને પૂર્વ હેડમાસ્ટર સર એન્થોની સેલ્ડોન કહે છે. માનસિક આરોગ્ય સુધારવામાં શાળાની સાથોસાથ પેરન્ટ્સની ભૂમિકા પણ મહત્ત્વની છે. આ મુદ્દાને હલ કરવામાં મિનિસ્ટર્સ પેરન્ટ્સની ભૂમિકા વિસરી ગયા છે. સમસ્યાના નિકાલના બદલે સમસ્યાનો ઉદ્ભવ અટકાવવાની બાબત કેન્દ્રમાં રહેવી જોઈએ. બાળકો પ્રત્યે પેરન્ટ્સની જવાબદારી આગળ ધરવાના બદલે તેમના આનંદ અને અધિકારોને વધુ મહત્વ અપાતું હોવાનું પણ તેમણે કહ્યું હતું.

• યાત્રીએ વિમાનની સીટ પાસે જ પેશાબ કર્યો

ભારતથી બર્મિંગહામ તરફ જતાં એર ઈન્ડિયાના વિમાનમાં ૧૦ વર્ષીય પુત્ર સાથે પ્રવાસ કરતા જીનૂ અબ્રાહમે ચાલુ વિમાને બેઠકની બાજુમાં જ પેશાબ કરી દેતા ભારે ઉહાપોહ થયો હતો. વિમાનના ઉતરાણ પછી જીનૂ અબ્રાહમની અટકાયત કરાઈ હતી. અબ્રાહમ શરાબ પીને ફ્લાઈટમાં બેઠો હોવાનો આરોપ હતો. તેણે દવાઓ સાથેનો સામાન ભારતના એરપોર્ટ પર ખોવાઈ ગયાનો બચાવ કર્યો હતો. જોકે, કોર્ટે તેને ૧,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો.

• ભારતીય વિદ્યાર્થી બળાત્કારના આરોપમાંથી મુક્ત

કેમ્બ્રિજ યુનિવર્સિટીની સહવિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપમાંથી ૨૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થી પૃથ્વી શ્રીધર નિર્દોષ છૂટ્યો છે. પૃથ્વી કેમ્બ્રિજની ક્વીન્સ કોલેજમાં ઈજનેરી અભ્યાસ માટે ૨૦૧૩માં બેંગ્લોરથી બ્રિટન ગયો હતો. જોકે, નવેમ્બર, ૨૦૧૪માં તેની સામે બળાત્કારનો આરોપ મુકાતાં અભ્યાસમાં એક વર્ષનો ગેપ લેવો પડ્યો હતો. ફરિયાદી યુવતીએ પૃથ્વી સામે આરોપ મૂક્યો હતો કે પૃથ્વીએ નાઇટ આઉટ ડ્રિન્કિંગ બાદ દુષ્કર્મ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter