પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરાયેલા અભ્યાસના તારણો અનુસાર ૨૦૩૫ સુધીમાં મુસ્લિમ બાળકોની સંખ્યા ક્રિશ્ચિયન બાળકોની સંખ્યાને વટાવી જશે. આગામી દાયકાઓમાં વિશ્વમાં સૌથી ઝડપે વધતા ધાર્મિક જૂથ તરીકે મુસ્લિમ ધર્મના અનુયાયીઓ સૌથી આગળ હશે. ૨૦૧૫માં ક્રિશ્ચિયનો સૌથી મોટુ ધાર્મિક જૂથ હતું, જેઓ વિશ્વના ૭.૩ બિલિયન લોકોનાં ત્રીજા ભાગ ( લગભગ ૨.૪ બિલિયન) જેટલા હતા અને ૧.૮ બિલિયન સાથે મુસ્લિમો બીજા ક્રમે હતા. વર્ષ ૨૦૧૦-૨૦૧૫ના ગાળામાં જન્મેલા કુલ બાળકોમાં મુસ્લિમ બાળકોનું પ્રમાણ ૩૧ ટકા હતું.
• હાઉસિંગ માર્કેટમાં વિદેશી પ્રભુત્વ
સમગ્ર બ્રિટનમાં વિકસતા હાઉસિંગ ડેવલપમેન્ટ્સનો મોટો હિસ્સો વિદેશી રોકાણકારોના હાથમાં જઈ રહ્યો હોવાથી યુવાન વર્ગ માટે પોતાનું પ્રથમ ઘર ખરીદવાનું વધુ મુશ્કેલ બની રહ્યું છે. પાઉન્ડનું મૂલ્ય ઘટવા સાથે પ્રોપર્ટી સસ્તી થઈ છે ત્યારે ઓવરસીઝ ખરીદારો લંડનથી આગળ વધી મિડલેન્ડ્સ, નોર્થ તેમજ રાજધાનીના સેટેલાઈટ નગરોમાં ફ્લેટ્સ ખરીદી રહ્યાં છે. માન્ચેસ્ટરના સૌથી મોટા હાઊસિંગ ડેવલપમેન્ટ્સમાં એક ખાતે ૯૩ ટકાથી વધુ ફ્લેટ્સ વિદેશી રહેવાસીઓ અથવા વિદેશમાં રજિસ્ટર્ડ થયેલી કંપનીઓ દ્વારા ખરીદી લેવાયાં હોવાનું ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે.
• વેપિંગ ઉપકરણો ન વેચવા ચેતવણી
રોયલ સોસાયટી ઓફ પબ્લિક હેલ્થ દ્વારા જે લોકો ધૂમ્રપાન કરતા ન હોય અથવા અગાઉ કદી ધૂમ્રપાન કર્યું ન હોય તેમને વેપિંગ ઉપકરણો નહિ વેચવા વેપિંગ દુકાનોને ચેતવણી અપાઈ છે. સોસાયટીએ જણાવ્યું હતું કે ગુપ્ત તપાસમાં ૧૦માંથી ૯ સ્ટોર્સ ઈન્ડસ્ટ્રીની આચારસંહિતાનો ભંગ કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ધૂમ્રપાન નહિ કરતા લોકો વેપિંગ સાધનોનો ઉપયોગ કરે તો તેમને નિકોટિનની આદત પડવાનું જોખમ રહેલું છે તેવી ચિંતા પણ સોસાયટીએ વ્યક્ત કરી હતી.
• શિક્ષિકાએ બાળકીને ખુરશી સાથે બાંધી
ગ્વેન્ટના ન્યૂપોર્ટની શાળામાં અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરનારી છ વર્ષની બાળાને ૫૨ વર્ષીય શિક્ષિકા એન્નેટ હેન્ડરસને ખુરશીમાં બેવડી ગાંઠ મારી બાંધી દેતાં તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લર્નિંગ ડિફિકલ્ટીઝ અને કોમ્યુનિકેશનની મુશ્કેલી ધરાવતી બાળાને બાંધી શિક્ષિકા ચાલ્યાં ગયાં પછી અન્ય શિક્ષકે તેને મુક્ત કરી હતી. શિક્ષિકા ૧૬ વર્ષથી શાળામાં ફરજ બજાવે છે.
• ભાઈ-બહેન સામે ત્રાસવાદનો આરોપ
ચાકુથી હુમલાની યોજના ઘડવા સહિત ત્રાસવાદના ગુના આચરવા બદલ ભાઈ અને બહેન સામે આરોપ લગાવાયાં પછી વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે તેમને રિમાન્ડમાં આપવાનો હુકમ કર્યો હતો. બર્મિંગહામના ૨૧ વર્ષીય ઉમ્મારિયાત મિર્ઝા સામે ત્રાસવાદી કૃત્ય આચરવાના ઈરાદા સાથે ચાકુ ખરીદવાનો આરોપ લાગ્યો છે. તેની ૨૩ વર્ષીય બહેન ઝૈનુબ સામે લોકોને ઈસ્લામિક સ્ટેટના વિડિયો મોકલવાનો આરોપ છે.
• આપઘાત પછી નિર્દોષ જાહેર
ઈસ્ટ સસેક્સના નોર્થિઆમની ફ્રેવેન કોલેજમાં ૧૯૯૬થી ૨૦૦૨ના ગાળામાં ૧૧-૧૬ વયજૂથના બાળકોનાં યૌનશોષણ માટે દોષિત ઠરાવાયેલા બોર્ડિંગ સ્કૂલના વર્કર ડેરેન તુર્ક સામેનો ચુકાદો ખોટો હોવાનો ફેંસલો કોર્ટ ઓફ અપીલના ત્રણ જજે આપ્યો છે. કરૂણતા એ છે કે ટ્રાયલ દરમિયાન ડેરેને આપઘાત કર્યા પછી આ ચુકાદો આવ્યો હતો. ડેરેનની એચિંઘામસ્થિત માતા જાસ્મિન બોટિંગે મૂળ ચુકાદા વિરુદ્ધ કોર્ટ ઓફ અપીલમાં કેસ મૂક્યો હતો.

