વિદ્યાર્થીઓને ગંભીર જોખમમાં મૂકનારી મુસ્લિમ શાળા ત્રીજા ઓફસ્ટેડ ઈન્સ્પેક્શનમાં પણ નિષ્ફળ ગઈ છે. ઈસ્ટ લંડનના શાડવેલની જમૈતુલ ઉમ્માહ સ્કૂલનો સમાવેશ ૨૦૧૪માં નિષ્ફળ ગયેલી છ ખાનગી મુસ્લિમ સ્કૂલોમાં એક છે. શાળાની લાઈબ્રેરીમાં લોકોને પથ્થરો મારવા વિશેનાં પુસ્તકો મળી આવ્યાં હતાં. જોકે, ઓફસ્ટેડના તાજા રિપોર્ટમાં ઉદ્દામીકરણના કોઈ પૂરાવા સાંપડ્યાં નથી. શાળાએ તમામ સામગ્રીની તપાસ થતી હોવાનું જણાવ્યું છે.
• બૌદ્ધવાદીએ કેર વર્તાવ્યો
યોર્કશાયરમાં ઈસ્ટ રાઈડિંગના પોકલિંગ્ટન ખાતે પાર્ક કરાયેલાં ૧૬૨ વાહનોનાં ટાયરમાં કાપા કરવાની ઘટનામાં બીવર્લી મેજિસ્ટ્રેટ્સ કોર્ટે એક બૌદ્ધવાદી જુલિયન ગ્રેને ૧૧ સપ્તાહની સજા ફરમાવી છે.આશરે ૨૦ વર્ષથી નજીકના જંગલમાં તંબુ બાંધીને રહેતા ૪૫ વર્ષીય ગ્રેએ કોર્ટને જણાવ્યું હતું કે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં એક જીવડા પર અજાણે તેનો પગ પડી જતાં તે મરી ગયું હતું. આ પછી તે આવા તોફાને ચડ્યો હતો. તેણે ગુનાઈત નુકસાન અને શરણે થવાની નિષ્ફળતામાં દોષિત હોવાની કબૂલાત કરી હતી.
• નેવિલ લોરેન્સ સ્કોટલેન્ડ યાર્ડથી ખફા
હત્યા કરાયેલા ટીનેજર સ્ટીફન લોરેન્સના પિતા નેવિલ લોરેન્સે સ્કોટલેન્ડ યાર્ડ સામે આક્ષેપોનો વરસાદ વરસાવ્યો છે. લોરેન્સ પરિવારની કથિત જાસૂસી કરવાનો આક્ષેપ ધરાવતા અધિકારી કમાન્ડર રિચાર્ડ વોલ્ટન ગેરવર્તન અંગે તપાસનો સામનો કરવા અગાઉ જ નિવૃત્ત થઈ ગયા છે. ધ ઈન્ડીપેન્ડન્ટ પોલીસ કમ્પ્લેઈન્સ કમિશનને પણ વોલ્ટને કથિત ગેરવર્તનનો જવાબ વાળવો પડે તેવો કેસ હોવાનું જણાયું હતું. જોકે, તેની નિવૃત્તિથી આ બાબત હવે આગળ વધશે નહિ.
• ઓલિવ કૂક દાનની માગણીથી પરેશાન
યુકેના વોચડોગ ફંડરેઈઝિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડની તપાસમાં એ તથ્ય બહાર આવ્યું છે કે ૯૨ વર્ષીય પોપી સેલર ઓલિવ કૂક તેમની પાસે મોટી સંખ્યામાં દાનની માગણીના પત્રોથી પરેશાન હતાં. કૂકે ગયા વર્ષે આત્મહત્યા કર્યા પછી આ વિવાદ થયો હતો. તેમને વર્ષે આશરે ૩,૨૦૦ પત્રો મળતાં હતાં, જેમાં ચેરિટીઝ દ્વારા દાનની માગણીઓ મુખ્ય હતી. મોટા બાગના જૂથોને ત્રીજા પક્ષ મારફત તેમનું સરનામું અપાયું કે વેચાયું હતું. આશરે ૨૫ ટકાએ કૂક વિશેની માહિતી અન્યોને આપી હોવાનું જાણવા મળ્યું હતું.
• પોપી વર્ધિંગ્ટન હત્યાકેસ ફરી ઉખેળાશે
૧૩ મહિનાની છોકરી પોપી વર્ધિંગ્ટનની ૨૦૧૨માં હત્યાનો કેસ ફરી ઉખેળાય તેવી શક્યતા છે. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના બે પૂર્વ વડાએ કમ્બ્રીઆ પોલીસને કેસ રીઓપન કરવા અપીલ કરી છે. CPS નવી પોલીસ ઈન્ક્વાયરી વિના પણ પોપીના પિતા પોલ વર્ધિંગ્ટન સામે આરોપો દાખલ કરી શકે છે, પરંતુ તેણે હજુ તૈયારી દર્શાવી નથી. ફેમિલી કોર્ટના જજે ચુકાદામાં પોપીના મૃત્યુ પહેલા તેના પિતાએ જાતીય હુમલો કર્યો હોવાની શક્યતા દર્શાવી હતી.

