સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ નેઉબર્ગરે ક્રિમિનલ જસ્ટિસ એલાયન્સ સમક્ષ સંબોધન કરતા કહ્યું છે કે જજોએ વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સન્માન દાખવવું જોઈએ. બ્રિટનના સૌથી વરિષ્ઠ જજે કોર્ટમાં આવતી મુસ્લિમ સ્ત્રીને ચહેરો ઢાંકવા જજોએ પરવાનગી આપવી જોઈએ તેમ જણાવ્યું છે. કોર્ટ અને જજોએ વિવિધ રિવાજો પ્રત્યે માન દર્શાવવું જોઈએ અને માન દર્શાવતા હોય તે દેખાવું પણ જોઈએ.
અનામી દાતા દ્વારા £૧.૫ મિલિયનનું દાન
બાથ એબીને અનામી દાતાએ બ્રાઉન પેકેટમાં £૧.૫ મિલિયનનું દાન આપ્યું છે. ચર્ચના ૨૦ મિલિયન પાઉન્ડના પુનરુદ્ધાર ભંડોળમાં આ દાન અપાયું છે. કહેવાય છે કે ચર્ચના સત્તાવાળાને અનામી દાતાની ઓળખ છે, જેને ગુપ્ત રખાઈ છે. આ દાન સાથેની નોંધમાં જણાવાયું છે કે એબી દ્વારા લેવાતી કાળજી અને પરામર્શથી તેઓ પ્રભાવિત છે અને બાથના ભાવિ માટે તે મહત્ત્વપૂર્ણ છે.
• યુકેમાં રીટેઈલ બેન્ક સ્પર્ધાને પ્રોત્સાહન અપાશે
ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને રીટેઈલ બેન્કિંગ સ્પર્ધાને વધારવાની પ્રતિજ્ઞા લીધી છે. આ માટે તેમણે આગામી પાંચ વર્ષમાં ઓછામાં ઓછા નવા ૧૫ લાઈસન્સ જારી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ૨૦૧૦ પછી જીઈ કેપિટલ બેન્ક, વર્જિન મની અને પેરાગોન સહિત નવા આઠ લાઈસન્સ જારી કરાયાં છે. વોશિંગ્ટનમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની બેઠકમાં પણ ચાન્સેલરે કહ્યું હતું કે નવી કન્ઝર્વેટિવ સરકાર નાણાકીય ગ્રાહક સુરક્ષાની સમીક્ષા કરશે.
• વિદેશી વિદ્યાર્થી વધતા લંડન યુનિવર્સિટીઓનું વિસ્તરણ
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ વધવા સાથે લંડનમાં સારા શિક્ષણની બોલબાલા વધી છે. પૂર્વમાં ઓલીમ્પિક પાર્કથી માંડી પશ્ચિમમાં વ્હાઈટ સિટી સુધી યુનિવર્સિટીઓનું વિસ્તરણ થઈ રહ્યું છે. £૪ બિલિયનથી વધુના ખર્ચે કેમ્પસ વિસ્તરણ અને બિલ્ડિંગ પ્રોજેક્ટસ અને સંપાદન પ્રક્રિયા હાથ ધરાઈ છે. ઈમ્પિરિયલ કોલેજ, UCL, કિંગ્સ કોલેજ દ્વારા નવા પ્રોજેક્ટ્સ હાથ લેવાયાં છે.
• ઓવરસીઝ સહાયમાં ઉડાઉપણાનું કૌભાંડ
સરકારી સહાય લક્ષ્યાંકને પૂર્ણ કરવા આફ્રિકા અને એશિયામાં બ્રિટન તેના પ્રોફેશનલ સહાય સ્ટાફને દૈનિક £૧,૦૦૦ની ચુકવણી કરે છે. ધ ટાઈમ્સ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે કે એઈડ પ્રોજેક્ટ્સ પરના સેંકડો ટીમ લીડર્સ વર્ષે ઓછામાં ઓછાં £૧૨૦,૦૦૦ની કમાણી કરે છે. છેલ્લાં ચાર વર્ષમાં કન્સલ્ટન્ટ્સ પાછળનો ખર્ચ બમણો થઈને £૧.૪ બિલિયને પહોંચ્યો છે. બહારની મદદ માટેનું બિલ સહાય બજેટના ૧૦ ટકાથી વધુ રકમ ખાઈ જાય છે.