બ્રિટનના સૌથી મોટા અંડરટેકર ‘કો-ઓપ ફ્યુનરલકેર’ બાળકોની અંતિમવિધિ માટે કોઈ ચાર્જ વસૂલશે નહિ. કંપની ૧૫ વર્ષથી નીચેના બાળકો માટે ફ્રી સર્વિસ પોલીસી વિસ્તારી રહી છે તેથી ૧૮ વર્ષથી નીચેના તમામ બાળકોને તેમાં આવરી લેવાશે, તેથી મૃત બાળકના પરિવારને £૪,૦૦૦ સુધીની બચત થશે. બ્રિટનમાં દર વર્ષે આશરે ૫,૦૦૦ બાળકો મૃત્યુ પામે છે. આ સેવામાં કંપની અંડરટેકરનો ખર્ચ, જાળવણીનો ખર્ચ, કોફિન, વાહન અને ટ્રાન્સપોર્ટેશન આવરી લેશે. આ નિઃશુલ્ક સેવામાં દફનવિધિ ખર્ચનો સમાવેશ થતો નથી.
• સગર્ભા અને નવજાતની માતાઓની વધુ સ્ક્રુટિની
અગાઉની પેઢી કરતાં હાલની સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુની માતાઓને કોમ્યુનિટી સર્વેલન્સ અને સ્ક્રુટિનીનો વધારે સામનો કરવો પડતો હોવાનું કાર્ડિફ યુનિવર્સિટીના અભ્યાસમાં જણાયું છે. સંશોધકોએ માતા અને દાદીમાની જોડીને પ્રશ્રો પૂછ્યા હતા. મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ જ્યારે જાહેરમાં અથવા પરિવારના સભ્યોની હાજરીમાં બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે તેમના શરીરનો બને તેટલો ઓછો ભાગ દેખાવો જોઈએ તેવું જાણે છે કારણ કે સ્તન જાતીય ઉત્તેજના ઉભી કરતા હોવાથી તેને ઢાંકવા જરૂરી હોય છે. તેનાથી ઉલટું, ફોર્મ્યુલા ફીડીંગ કરાવતી મહિલાઓ જાહેરમાં બોટલ તૈયાર કરતી વખતે ફોર્મ્યુલા પેકેજિંગને છૂપાવે છે.
• બાળકને ઈસ્લામિક સ્કૂલ મોકલવા મુદ્દે પિતાની હાર
૧૦ વર્ષના પુત્રને ઈસ્લામિક સેકન્ડરી સ્કૂલે જતો અટકાવવા પૂર્વ-પત્ની સામેની કાનૂની લડાઈ એંગ્લો સેક્સન પુરુષ હારી ગયો હતો. તેનું નામ કાનૂની કારણસર જાહેર કરાયું ન હતું. તેનું કહેવું હતું કે તે આવતા વર્ષે પુત્રને લંડનની સ્કૂલમાં દાખલ કરવાનો હતો અને જો બાળક મસ્જિદની અંદર આવેલી સ્કૂલે જાય તો તેનો અધિકાર જતો રહે. જોકે, હાઈકોર્ટે અગાઉના ફેમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને તેની અપીલ ફગાવી દીધી હતી. ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો હતો કે બાળકને ઈસ્લામિક સ્કૂલમાં જવા નહિ દેવાય તો તે ખૂબ નિરાશ થશે.
• બાળકની જાતિ ન ગમે તો ગર્ભપાતની સલાહ
સગર્ભા મહિલાને બાળકની જાતિ ન ગમતી હોય તો પણ તેને જન્મ આપવા ફરજ પાડવાથી બાળક અને માતા બન્નેના માનસિક સ્વાસ્થ્યને નુક્સાન પહોંચે તેમ બ્રિટિશ મેડિકલ એસોસિએશનના પ્રો. વેન્ડી સેવેજે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગમે તે તબક્કે પ્રસુતિ અટકાવવાનો મહિલાને અધિકાર હોવો જોઈએ. સામાન્ય રીતે ૧૮થી ૨૧ અઠવાડિયાની વચ્ચે ગર્ભની જાતિ જાણી શકાય છે. પરંતુ, કેટલીક હોસ્પિટલ તેની જાતિ જાહેર કરતી નથી. સગર્ભા માટે તબીબી કારણ સિવાય ૨૪ અઠવાડિયા પછી ગર્ભપાત કરાવવાનું ગેરકાયદેસર છે.

