દેશના ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ડેમ સેલી ડેવિસે ત્રાસવાદની માફક મેદસ્વીતાને પણ રાષ્ટ્રીય જોખમ ગણવા અનુરોધ કર્યો છે. તેમણે ખાસ કરીને મહિલાઓને પોતાની જાત અને ભાવિ પેઢીઓની સુરક્ષા માટે પાતળા થવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે સગર્ભાવસ્થામાં મેદસ્વીતાનું વધતું પ્રમાણ ભાવિ પેઢીઓનાં આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યા એટલી ખતરનાક હદે પહોંચી છે કે તે NHSને કચડી નાખવા સાથે સમાજની ઉત્પાદકતાને અપંગ બનાવે છે.
• શુક્રવારે વિમાન ટિકિટ મોંઘી પડે
ફ્લાઈટ્સની ટિકિટ ખરીદવા માટે શુક્રવાર સૌથી ખરાબ કે મુશ્કેલ દિવસ હોવાનું વિમાની ભાડાંના સર્વગ્રાહી અભ્યાસમાં જાણવા મળ્યું છે. રવિવારે ખરીદાયેલી વિમાન ટિકિટની સરખામણીએ શુક્રવારે ખરીદાતી ટિકિટ ૧૩ ટકા વધુ મોંઘી પડે છે. અભ્યાસમાં જણાવાયું છે કે ટિકિટ બુક કરવા માટે વીકએન્ડનો સમય સૌથી શ્રેષ્ઠ છે તેમજ સપ્તાહ દરમિયાન કરાતાં ફ્લેશ કે તત્કાળ વેચાણથી અળગાં રહેવું જોઈએ.
• પોલીસ ગોળીબારમાં પુરુષનું મોત
પોલીસ અધિકારીઓએ નોર્થ લંડનના વુડ ગ્રીન વિસ્તારમાં પાડેલા દરોડા સમયે ગોળીબારમાં એક પુરુષનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ૧૧ ડિસેમ્બર, શુક્રવારની ઘટના ત્રાસવાદને સંબંધિત નહિ પરંતુ, ગુપ્ત માહિતી આધારિત હતી. સશસ્ત્ર પોલીસે સવારે બ્રેકનેલ ક્લોઝ ખાતેના મકાનમાં ધસી જઈ ગોળીબાર કર્યા હતા.
• સ્ત્રીઓની તસ્વીર લેનારાની પોલીસને તલાશ
પોલીસને સાઉથ વેસ્ટ લંડનના બૂટ્સ સ્ટોરની કોલિએર્સ વુડ શાખામાં પાંચમી નવેમ્બરે બપોરે સ્ત્રીઓની અશ્લીલ તસ્વીર લેનારા પુરુષની તલાશ છે. સ્ટોરના વિડિયો અનુસાર આ પુરુષ નફટાઈથી સ્ત્રીના પગ નીચે થોડી સેકન્ડ્સ માટે ફોન મૂકી શેલ્ફ પરના સામાનને તપાસતો હતો. સ્ટોરના ગાર્ડને શંકા જતા તેણે આ વ્યક્તિને પડકારી ફોટો કાઢી નાખવા જણાવ્યું હતું. આ શકમંદ પાતળો, શ્વેત અને છ ફૂટની ઊંચાઈ સાથે બ્રાઉન વાળ અને ભૂરી આંખો ધરાવે છે. કોઈને માહિતી હોય તો મર્ટોન પોલીસને જાણ કરવા જણાવાયું છે.
• બાર્કલેઝ બેન્ક દ્વારા ક્રિસમસનો ઉલ્લેખ ન કરાયો
બાર્કલેઝ બેન્કની શાખાઓમાં ક્રિસમસ સંબંધિત ઉલ્લેખો નાબૂદ કરી દેવાયા છે. ક્રિશ્ચિયન જૂથો અને ગ્રાહકોએ બેન્કના આ પગલાની જોરદાર ટીકા કરી છે. ક્રિસમસ અને બોક્સિંગ ડેની રજાઓ માત્ર બેન્ક હોલીડે તરીકે જ દર્શાવાઈ છે. નેટવેસ્ટ, લોઈડ્ઝ અને હેલિફેક્સના પ્રવેશદ્વારે ગ્રાહકોને ‘મેરી ક્રિસમસ’ શુભેચ્છા પાઠવવામાં આવી છે, ત્યારે બાર્કલેઝની શાખાઓમાં તહેવારનો ઉલ્લેખ જ નથી.

