• યુકે છોડનારા ડોક્ટરો પાસેથી વસૂલાત

Monday 20th March 2017 10:19 EDT
 

યુકેમાં લોકોને દેશમાં જ તૈયાર થયેલાં પ્રેક્ટિશનર્સની સુવિધા મળી રહે તે માટે સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. ડોક્ટરોને તાલીમ મેળવ્યા પછી દેશમાં જ ઓછામાં ઓછાં પાંચ વર્ષ કામ કરવાની ફરજ પાડવામાં આવશે. એક ડોક્ટરને તાલીમ આપવા પાછળ કરદાતાએ ૨૩૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ ઉઠાવવો પડે છે, જેમાં વ્યક્તિ દ્વારા ચુકવાતી ફીનો સમાવેશ થતો નથી. જો ડોક્ટર NHS સાથે જોડાયેલા ન રહે તો તેમણે મેળવેલી તાલીમ પાછળનો ખર્ચ અંશતઃ વસૂલ કરવામાં આવી શકે છે.

• એરપોર્ટ શોપ્સના ખરીદારોને VAT રિફંડ

એરપોર્ટ પર ખરીદી કરનારાઓને VATરિફંડ મેળવવાના મુદ્દે લડાઈમાં નવી છૂટછાટો મળી છે. ચેકઆઉટ પર તેમનો ટેક્સ પરત કરવા Boots ચેઈન સંમત થયેલ છે. Bootsની એરપોર્ટ શોપ્સમાં પાંચ પાઉન્ડથી વધુ ખરીદી કરનારાને બોર્ડિંગ પાસ બતાવવા જણાવા. જો તેઓ યુરોપિયન યુનિયન બહાર પ્રવાસ કરતા હોવાનું જણાશે તો તેમને ટેક્સની રકમ પરત કરી દેવાશે. ઈયુમાં જ પ્રવાસ કરનારાએ કરેલી ખરીદી પર વેટ ચાર્જ લાગે જ છે પરંતુ, જેઓ ઈયુ બહાર પ્રવાસ કરવાના હોય તેમને VATમાંથી માફી મળતી હોય છે.

• બે ભાઈઓના અલગ જીવનમાર્ગ

બે ભાઈઓએ જીવનમાં એકબીજાથી તદ્દન વિરોધી માર્ગ અપનાવ્યા છે. એક ભાઈએ ઈસ્લામમાં ધર્માંતર કર્યું છે, જ્યારે બીજો ભાઈ ઈંગ્લિશ ડિફેન્સ લીગનો સમર્થક બન્યો છે. શ્વેત વર્કિંગ ક્લાસ વિસ્તારમાં ઉછરેલો ૩૩ વર્ષીય અબ્દુલ-રહેમાન ટોબિન શરાબ અને જુગારની આદતના વર્ષોમાં શોન તરીકે ઓળખાતો હતો. તેણે ૨૦૦૯માં ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેનો ૩૦ વર્ષીય બાઈ લી હેડલી જમણેરી ઈડીએલ મૂવમેન્ટનો ટેકેદાર છે. તેણે તાજેતરમાં મસ્જિદના ઉદ્ઘાટન સામે દેખાવોમાં ભાગ લીધો હતો.

• ઈંગ્લિશમાં ઉપદેશ આપવા જણાવાશે

બ્રિટનમાં ઘૃણાસભર ઉપદેશનો અંત લાવવા હાથ ધરાતાં પગલાંમાં મસ્જિદોના ઈમામોને તેમના પ્રવચનો કે ઉપદેશ અંગ્રેજી ભાષામાં આપવા જણાવાશે. વિદેશી ભાષાઓમાં અપાતા ઉપદેશ કે પ્રવચનોથી ઈસ્લામ અને મુખ્યપ્રવાહના બ્રિટિશ સમાજ વચ્ચે વિભાજન સર્જાતું હોવાની ચિંતા મધ્યે કટ્ટરવાદવિરોધી ટાસ્કફોર્સ દ્વારા યોજનાઓ વિચારાઈ રહી છે. ઈસ્લામિક કટ્ટરવાદના ફેલાવા સામે લડવાની રણનીતિમાં મૌલવીઓ ચાવીરુપ ગણાઈ રહ્યા છે.

• ૪૦ લાખ બાળકો ગરીબીરેખા નીચે

યુકે સરકારના સત્તાવાર આંકડા અનુસાર ૪૦ લાખ બાળકો ગરીબીરેખા હેઠળ જીવન ગુજારે છે, જે આ દાયકા માટે સૌથી ઊંચો આંકડો છે. વર્ષ ૨૦૧૫-૧૬માં વધુ ૧૦૦,૦૦૦ બાળકો ગરીબીરેખા હેઠળ આવ્યાં હતાં. આનો અર્થ એ થાય કે શાળામાં સરેરાશ ૩૦ વિદ્યાર્થીના વર્ગખંડમાં નવ વિદ્યાર્થી ગરીબ પરિવારમાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter