જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગન દ્વારા ડિઝલ એમિશન કૌભાંડ મુદ્દે બ્રિટનના આ કારચાલકોની કોઈ દરકાર કરાઈ નથી તેમ જણાવતા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જ્હોન હાઈસે તેમને વળતર અપાવું જોઈએ તેમ કહ્યું છે. યુએસ જજના ચુકાદા મુજબ કંપનીએ ત્યાંના વાહનચાલકો માટે ૧૨ બિલિયન પાઉન્ડનું સમાધાન કરાવ્યું હતું, જે મુજબ ફોક્સવેગન કારચાલકને ૮,૦૦૦ પાઉન્ડ વળતર મળ્યું હતું. જોકે, બ્રિટિશ કારચાલકોને કોઈ વળતર જાહેર કરાયું નથી. ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે આ મુદ્દે કંપની સાથે ચર્ચા હાથ ધરી છે.
• લેબર પાર્ટીને બહુમત અશક્ય
આગામી જનરલ ઈલેક્શનમાં લેબર પાર્ટીને ૧૯૩૫ પછી પ્રથમ વખત ૨૦૦થી ઓછી બેઠકો પર વિજય મળવાની આગાહી ફેબિયન સોસાયટીએ કરી છે. સોસાયટીએ કહ્યું છે કે લેબર પાર્ટી બહુમત સરકાર રચવાની તક મળે તેમ વિચારી શકાય તેવું નથી.
• અંશુ જૈન કેન્ટર સાથે જોડાયા
ડોઈચ બેન્કના પૂર્વ કો-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ઈન્ડસ્ટ્રીમાં એક સમયે નામના ધરાવતા ૫૩ વર્ષીય અંશુ જૈન ફરી પ્રકાશમાં આવ્યા છે. તેઓ મધ્યમ કદની ઈન્વેસ્ટમેન્ટ બેન્ક કેન્ટર ફિટ્ઝરાલ્ડના પ્રેસિડેન્ટ તરીકેની કામગીરી સંભાળવાના છે, જ્યાં તેઓ પ્રાઈમ બ્રોકરેજ અને ફિક્સ્ડ-ઈન્કમ સેલ્સ અને ટ્રેડિંગના ક્ષેત્રો સહિત કંપનીની રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ડોઈચ બેન્કમાંથી ૨૦૧૫માં દૂર કરાયા પછી જૈન લો-પ્રોફાઈલ રહ્યા હતા અને સાન ફ્રાન્સિસ્કો સ્થિત ઓનલાઈન લેન્ડર SoFi ના સલાહકાર તરીકે જોડાયા હતા.
• બાળકોના આહારમાં ખાંડના પ્રમાણ અંગે ચેતવણી
બાળકો તેમના માટે રોજિંદી આવશ્યક ખાંડનો અડધો હિસ્સો તો સવારે સ્કૂલે જાય તે પહેલા જ બ્રેકફાસ્ટમાં લેતાં હોય છે તેવી ચેતવણી આરોગ્ય નિષ્ણાતોએ આપી છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિષ્ણાતોએ જણાવ્યું છે કે બાળકો સવારના નાસ્તામાં ત્રણ ક્યુબ્સ જેટલી ખાંડનો ઉપયોગ કરે છે. સિરલ્સ, ફ્રૂટ જ્યુસ, ચોકલેટ સ્પ્રેડ્સ અને પ્રીઝર્વેટિવ્સમાં ભરપૂર કેલરી સાથે બાળકો તેમના દિવસનો આરંભ કરે છે. પેરન્ટ્સે આ મુદ્દે કડકાઈ દર્શાવવી જોઈએ તેમ પણ નિષ્ણાતોએ કહ્યું છે.

