ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા અનુસાર ૨૦૧૪થી યુકેમાં નવા ૪૫,૦૦૦ માઈગ્રન્ટ્સની સંખ્યા સાથે ભારત પ્રથમ અને ૩૯,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે ચીન બીજા ક્રમે આવે છે. અગાઉ, નવમા ક્રમે રહેલું રોમાનિયા નવા ૩૪,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે ત્રીજા ક્રમે અને ૩૨,૦૦૦ માઈગ્રન્ટ્સ સાથે પોલેન્ડ ચોથા ક્રમે આવે છે. અગાઉ પોલેન્ડ પાંચમા ક્રમે હતું. ૧૯૭૫માં રેકોર્ડ્સ શરૂ થયા પછી ઓસ્ટ્રેલિયા સૌપ્રથમ વખત પ્રથમ પાંચની યાદીમાંથી બહાર ફેંકાયું છે.
• ઈલિંગ હોસ્પિટલમાંથી લાપતા વ્યક્તિ મળી આવી
સારવાર માટે ઈલિંગ હોસ્પિટલમાં આવી લાપતા થઈ ગયેલા મનજિતસિંહને પોલીસે સહીસલામત અવસ્થામાં શોધી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મનજિતસિંહ પગના અંગુઠાની સારવાર કરાવવા ઈલિંગ હોસ્પિટલ આવ્યો હતો, પરંતુ ૨૭ ઓક્ટોબરે ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે તેને ૧૩ નવેમ્બરે સાઉથોલમાં શોધી કાઢ્યો હતો.
• પિતાના મૃતદેહ સાથે ચાર મહિના વીતાવ્યા
એકાંતવાસી ટિમોથી બ્રાઉને તેના ૯૪ વર્ષીય પિતા કેનેથ બ્રાઉનના મૃતદેહ સાથે ચાર મહિના વીતાવ્યા હતા. જૂન ૨૦૧૪માં બેડરુમમાં લાગેલી આગ પછી ટિમોથી બ્રાઉને પિતાને આર્મચેરમાં મૃત હાલતમાં જોયા છતાં તેણે ઈમર્જન્સી સેવાને બોલાવી ન હતી. તેના પાડોશીએ ૧૮ ઓક્ટોબર, ૨૦૧૪ના દિવસે મૃતદેહના અસ્થિ જોયાની માહિતી ઈન્ક્વેસ્ટ દરમિયાન બહાર આવી હતી. ટિમોથીની ધરપકડ કરાઈ હતી. જોકે, પોલીસે તેની સામે આરોપો મૂકવાનું ટાળ્યું હતું.
• વાળ કપાવતી વખતે ગપસપ નહિ
સામાન્ય રીતે વાળ કપાવવા જઈએ ત્યારે વાળંદ પાસેથી આખી દુનિયાની ‘તાજા ખબર’ જાણવા મળે છે. વાળ કપાવતી વખતે શાંતિ ઈચ્છતા કેટલાક લોકોને આવી ગપસપ સાંભળવી ગમતી નથી. આ મુદ્દો ધ્યાનમાં રાખી કાર્ડિફના બાઉહાઉસ હેર સલુને શાંતિપ્રિય ગ્રાહકો માટે ‘નો ચેટ ઓપ્શન’ રાખ્યો છે. વાળ કપાય ત્યારે આખા દિવસના કામકાજ પછી થાકેલા ગ્રાહકો શાંતિથી ખુરશીમાં બેસવાની મોજ લઈ શકશે.
• સંતાનો સાથે હતાશાની ચર્ચા થતી નથી
મોટા ભાગના પેરન્ટ્સ પોતાની હતાશા, તણાવ અથવા માનસિક સ્વાસ્થ્યના અન્ય પાસાની ચર્ચા તેમના સંતાનો સાથે કરવાનું ટાળે છે. પેરન્ટ્સ બાળકો સાથે આવી ચર્ચા કરવાનું અગત્યનું છે તેમ માનતા નથી. હતાશા કે માનસિક આરોગ્ય વિશે ચર્ચા કેવી રીતે આરંભવી તેની જાણકારી ન હોવાનું કેટલાક પેરન્ટ્સે જણાવ્યું હતું. જોકે, આંકડાઓ કહે છે કે ૧૦માંથી ઓછામાં ઓછાં એક બાળકને તે ૧૮ વર્ષના થાય તે પહેલા માનસિક આરોગ્યની સમસ્યા સર્જાય છે.
• ઈ-સિગારેટનું પ્રવાહી પીને આત્મહત્યા
જોનાથન કીન ૨૪ સપ્ટેમ્બરે ચેશામના ફ્લેટમાં ઈ-સિગારેટમાંથી પ્રવાહી પીધા પછી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને પ્રવાહી અને સિડરના ખાલી કેન્સ તથા પાછળથી આત્મહત્યાના પત્રો પણ મળ્યાં હતા. કીન નિકોટિન અને આલ્કોહોલના ઝેરથી મોત પામ્યા હોવાનું તારણ પેથોલોજિસ્ટે આપ્યું હતું. આ પછી બકિંગહામશાયરમાં ઈન્ક્વેસ્ટ દરમિયાન આત્મહત્યાથી મોતનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.
• અંજેમ ચૌધરી જેલના સળિયા પાછળ
કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીને જામીનની શરતોનો ભંગ કરવા બદલ ૨૭ નવેમ્બરે જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ કેનેથ ગ્રાન્ટે ચુકાદો આપ્યો હતો કે જે વ્યક્તિને મળવાનો પ્રતિબંધ લદાયો હતો તેની સાથે ૨૧ નવેમ્બરે મુલાકાત કરી ચૌધરીએ જામીનની શરતોનો ભંગ કર્યો છે. પ્રતિબંધિત ઈસ્લામિક સ્ટેટ સંસ્થાને સમર્થન આપવાની હાકલ કરવાના આરોપી ચૌધરી સામે આગામી વર્ષમાં મુકદ્દમો ચાલવાનો છે.
• તંદુરસ્ત જીવનશૈલી અપનાવતા વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓની શોપિંગની આદતોના અભ્યાસના તારણો જણાવે છે કે તેઓ રેડીમેડ ભોજનને તરછોડી રહ્યા છે. ઉચ્ચ અથવા વધુ શિક્ષણ અંગે લોકો માટેની ડિસ્કાઉન્ટ સ્કીમ એમેઝોન સ્ટુડન્ટ પર ખરીદાતી સૌથી લોકપ્રિય આઈટમોમાં ન્યુટ્રિશન, કસરત, આરોગ્ય અને સામાન્ય સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત સુધી પાર્ટીઓ કરવી અને નોન-સ્ટોપ ટેકઅવે જેવી આદતોનો સામનો થઈ રહ્યો છે.